Apr 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482

 

અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર 


II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'

ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,

એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'

નારદજી બોલ્યા-આ અષ્ટક પહેલો ઉતરશે.કેમ કે હું તેના ઘેર રહ્યો હતો ત્યારે મેં જુદાજુદા રંગની હજાર ગાયો જોઈ,

ત્યારે મેં તેને પૂછ્યું કે-'આ કોની ગાયો છે?' તેણે કહ્યું કે-'આ તો મેં દાનમાં આપી દીધી છે' એમ કહીને તેણે પોતાની સ્તુતિ કરી.હતી,એથી તે પહેલો ઉતરશે' પછી ભાઈઓએ પૂછ્યું કે-'બાકીના ત્રણ કયા ક્રમથી ઉતરશે?' 


નારદજી બોલ્યા-બીજા ક્રમે,પ્રતર્દન ઉતરશે,કેમ કે હું તેના ઘેર પણ રહ્યો હતો ને તે મને રથમાં લઇ ગયો હતો,

ત્યારે એક બ્રાહ્મણે એક ઘોડાની યાચના કરી,ત્યારે તેણે કહ્યું કે-'હું ફરી આવું,પછી ઘોડો આપીશ'

પણ બ્રાહ્મણે કહ્યું કે -મને હાલ જ ઘોડો આપો' એટલે તેણે બ્રાહ્મણને રથનો જમણી બાજુનો ઘોડો છોડીને આપી દીધો.આગળ જતાં બીજા બ્રાહ્મણે આવીજ રીતે ઘોડાની માંગણી કરી એટલે તેને ડાબી બાજુનો ઘોડો આપી દીધો.

તેમના ગયા પછી,પછી તે બોલ્યો કે-'આ બ્રાહ્મણો યોગ્યાયોગ્યનો વિચાર કરતા નથી' 

આમ,દાન આપ્યા છતાં બ્રાહ્મણોની અદેખાઈ કરવાથી પ્રતર્દન સ્વર્ગમાંથી પાછો ઉતરશે.(પડશે)


ત્રીજા ક્રમે વસુમના ઉતરશે,કેમ કે એકવાર હું તેના ઘેર ગયો હતો ત્યારે પુષ્પરથને નિમિત્તે બ્રાહ્મણો સ્વસ્તિવાચન કરી રહ્યા હતા.ત્યારે મેં પણ રથની પ્રસંશા કરી એટલે તેણે કહ્યું કે-'આપ ભગવાને તેની સ્તુતિ કરી છે તે આપનો જ રથ છે' વળી બીજી વાર હું તેને ત્યાં ગયો ત્યારે ફરીથી આમ જ બન્યું પણ તેણે કહ્યું કે-'આપે સ્તુતિ સારી કરી છે'

આમ,તેણે મને 'આ રથ તમારો જ છે' એવું કહ્યું નહિ,એટલે દ્રોહ વચનને લીધે તે નીચે પડશે.


ચોથા શિબિની સમાન તો હું પણ નથી,તે સ્વર્ગે જશે ને હું નીચે ઉતરીશ.કેમ કે કોઈ એક બ્રાહ્મણે જયારે તેની 

પાસે અનુચિત અન્નની માગણી કરીને તેને કહ્યું કે-'આ તારા બૃહદગર્ભ પુત્રને મારીને તેના માંસનું ભોજન તૈયાર કર ત્યાં સુધી હું વાટ જોઇશ' શિબિએ પુત્રને મારી ને તેના માંસને રાંધીને થાળીમાં પીરસી બ્રાહ્મણને ખોળવા નીકળ્યો,ત્યારે કોઈએ કહ્યું કે 'તે બ્રાહ્મણ તો નગરને બાળી રહ્યો છે' આમ જાણવા છતાં શિબિ શાંત ચિત્તે 

બ્રાહ્મણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'તમારા કહ્યા મુજબ ભોજન તૈય્યાર છે' 


ત્યારે તે બ્રાહ્મણ વિસ્મયથી મોં નીચું કરીને શિબિને કહ્યું કે-'તું જ ભોજન જમ' શિબિએ મનને દુભવ્યા વિના 'ભલે એમ' કહી ભોજન જમવાની તૈયારી કરી ત્યારે તે બ્રાહ્મણે તેનો હાથ ઝાલી લીધો ને કહ્યું કે-'તેં ક્રોધને જીતી લીધો છે બ્રાહ્મણને માટે તારું બલિદાન અદભુત છે' પછી,રાજાએ ઊંચે જોયું તો પોતાના દીકરાને સામે ઉભેલો જીવતો જોયો.ને બ્રાહ્મણ ત્યાંથી અંતર્ધાન થઇ ગયો.સાક્ષાત બ્રહ્મા તેની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા.

તે અંતર્ધાન થયા પછી અમાત્યોએ તેને પૂછ્યું કે-'તમે શું મેળવવાની ઈચ્છાથી આવું જાણીબૂઝીને કર્યું?'


શિબિ બોલ્યો-હું દાન આપું છું તે કોઈ યશને માટે,ધનને માટે,ભોગતૃષ્ણા માટે નહિ.માત્ર પાપીઓ જ આ માર્ગે જઈ શકતા નથી એમ જાણીને જ હું આ બધું કરું છું.મારી બુદ્ધિ આવા દાનના કાર્યોનો જ આશ્રય લે છે (27)

અધ્યાય-૧૯૮-સમાપ્ત