Apr 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483

 

અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન 


II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II

વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'

માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.

ત્યારે તે ઇંદ્રદ્યુમ્ન અશ્વ થયો ને અમે ઘુવડ પાસે ગયા.રાજાએ તેને પૂછ્યું-'તું મને ઓળખે છે?' 

ઘુવડે કહ્યું-ના, પણ અહીં ઇંદ્રદ્યુમ્ન નામે એક સરોવર છે,ત્યાં નાડીજંઘ નામે બગલો છે તે મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખતો હોય' એટલે અમે સર્વ તેની પાસે ગયા ને તેને સવાલ કર્યો ત્યારે તેને કહ્યું કે-'અહીં આ જ સરોવરમાં અકૂપાર નામે એક કાચબો મારાથી આગળ જન્મ્યો છે તેને પૂછો' સર્વ તેની પાસે ગયા ને તેને પૂછ્યું,ત્યારે તેની આંખમાંથી આંસુ આવ્યા,શરીર કંપી ઉઠ્યું ને હાથ જોડીને બોલ્યો કે-'હું ઇંદ્રદ્યુમ્નને કેમ ન ઓળખું એને જ આ લોકમાં અગ્નિચયન માટે યજ્ઞસ્થંભો રોપ્યા હતા,આ સરોવર પણ તેણે દક્ષિણમાં આપેલી ગાયોના હરવાફરવાથી બન્યું છે,ને હું ત્યારથી અહીં જ રહું છું' તે જ વખતે એક દેવરથ ત્યાં પ્રગટ થયો ને આકાશવાણી થઇ કે-'હે ઇન્દ્રધુમ્ન,તું કીર્તિમાન છે,ને સ્વર્ગને યોગ્ય છે માટે તું ત્યાં પાછો જા'


આ વિશે શ્લોકો છે કે-'મનુષ્યનાં પુણ્યકર્મની કીર્તિ જ્યાં સુધી પૃથ્વી ને સ્વર્ગમાં ગવાય છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વર્ગમાં રહે છે.જે કોઈની આ લોકમાં અપકીર્તિ થાય છે ત્યાં સુધી તે અધમ લોકોમાં પડ્યો રહે છે,આથી મનુષ્યે અનંત સુખને માટે હંમેશાં કલ્યાણમય આચરણ રાખવું જોઈએ.મનને પાપી વિચારોમાંથી મુક્ત રાખીને ધર્મનો જ આશ્રય લેવો જોઈએ' પછી તે ઇંદ્રદ્યુમ્ન અમને યથાયોગ્ય સ્થાને પહોંચાડીને દેવરથમાં બેસી સ્વર્ગ સ્થાને ગયો.


પાંડવો બોલ્યા-તમે સ્વર્ગમાંથી નીચે પડેલા ઉન્દ્રદ્યુમ્નને પોતાના સ્વર્ગસ્થને પહોંચાડ્યો તે ઘણું સરસ કર્યું.

માર્કંડેય બોલ્યા-આ શ્રીકૃષ્ણે પણ નરકમાં ડૂબી રહેલા રાજર્ષિ નૃગનો મહાદુઃખમાંથી ઉદ્ધાર કરીને

તેને ફરીથી સ્વર્ગમાં પહોંચાડ્યો હતો (18)

અધ્યાય-૧૯૯-સમાપ્ત