Apr 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484

 

અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને 

ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,

પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,

યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)

માર્કંડેય બોલ્યા-ચાર પ્રકારના જન્મ વૃથા છે ને સોળ પ્રકારના દાન વૃથા છે.જેને પુત્ર નથી,જે ધૈર્યથી રહિત છે,

જે પરઘરનાં ભોજન જમે છે અને જે માત્ર પોતાના ખાતર જ રાંધે છે તેમનો જન્મ વૃથા છે.

આરૂઢપતિત (બ્રહ્મચર્ય,સંન્યાસ કે વાનપ્રસ્થ સ્વીકારી પાછો ગૃહસ્થાશ્રમી થનાર)બ્રાહ્મણને આપેલું દાન વૃથા છે.

અન્યાયથી મેળવેલા દ્રવ્યનું દાન વૃથા છે.પતિતને,ચોર બ્રાહ્મણને,અસત્યવાદી ગુરુને,પાપીને,કૃતઘ્નીને,

ગામેતીને,વેદ વેચનાર શુદ્રને,યજ્ઞ કરાવનારને,ધર્માચારરહિત અધમ બ્રાહ્મણને,શુદ્ર સ્ત્રીના પતિને,સ્ત્રીજનોને,

સાપ પકડનારને અને સેવાચાકરી કરનારને દાન આપવામાં આવે તે વૃથા છે.મનુષ્ય,તમોગુણથી ઘેરાઈને,ભયથી અને ક્રોધથી જે દાન આપે છે,તેનું ફળ તે (ફરી) ગર્ભમાં રહીને પામે છે.સ્વર્ગમાર્ગને જીતવાની ઈચ્છાથી,

સર્વ દાનો સર્વ અવસ્થામાં બ્રાહ્મણોને જ આપવાં (11)


યુધિષ્ઠિર બોલ્યા-ચારે વર્ણોનું દાન લેનારા બ્રાહ્મણો કયા વિશેષ કર્મથી બીજાને તારે છે ને પોતે તરે છે?

માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણો જપ,મંત્ર,હોમ અને વેદાધ્યયનથી વેદરૂપી નાવ તૈયાર કરે છે અને પોતે તરે છે ને બીજાને પણ તારે છે.જે મનુષ્ય બ્રાહ્મણને સંતોષે છે તેના પર દેવો પ્રસન્ન થાય છે.બ્રાહ્મણોએ કરાવેલા,પિતૃઓ ને દેવતાઓના પૂજનથી તમે અક્ષય પુણ્યલોકમાં જશો તે વિષે સંશય નથી.જે દાતાને તારી શકે તેવા શક્તિમાન બ્રાહ્મણને દાન આપવું.વળી,અતિથિને ભોજન  આપવાથી અગ્નિઓ જેટલા પ્રસન્ન થાય છે તેટલા તેઓ હોમો,

પુષ્પો કે ચંદનલેપોથી થતા નથી.અન્ન સર્વશ્રેષ્ઠ છે,અન્નને પ્રજાપતિ કહ્યું છેને તે સંવત્સર મનાયું છે.પ્રથમ અન્નદાતા સ્વર્ગે જાય છે,પછી સત્યવાદી સ્વર્ગે જાય છે ને પછી વગરમાગ્યે દાન દેનાર સ્વર્ગે જાય છે.


વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરે માર્કંડેયને ફરી પૂછ્યું કે-'હે મહામુનિ,યમલોક અને મનુષ્યલીકની વચ્ચે કેટલું અંતર છે? યમલોકનો માર્ગ કેવો છે?તેનું પ્રમાણ કેટલું છે?તેનો પ્રકાર શો છે?મનુષ્યો શા ઉપાયથી તેને પાર કરે છે?


માર્કંડેય બોલ્યા-હે ધાર્મિકશ્રેષ્ઠ,તમે પૂછેલો પ્રશ્ન સૌથી વધારે ગૂઢ,પવિત્ર ને ઋષિઓએ પ્રસંશા કરેલ છે.

યમલોક અને મનુષ્યલોકની વચ્ચે છયાસી હજાર યોજનનું અંતર છે.ત્યાં શૂન્ય આકાશ છે,તે માર્ગ વૃક્ષો ને પાણી વિનાનો ને ભયંકર છે.જે મનુષ્યો વિવિધ પ્રકારનાં દાનો આપ્યાં હોય તેમને તે દાન મુજબ,રસ્તો સુખથી વીતે છે.

જેમ કે જળદાન કરનારાઓ માટે યમલોકમાં  પુષ્પોદકા નામની નદીનું શીતળ પાણી મળે છે.પણ જેઓએ દુષ્ટ કર્મો કર્યા હોય તેમને માટે તે નદી પરુની થઇ જાય છે.વળી તે નદી સર્વ ઈચ્છાઓ પુરી કરનારી છે.


યુધિષ્ઠિર બોલ્યા-'હે ધર્મજ્ઞ,તમે જે ધર્મમય ને પુણ્યમય કથા કહો છો,તે હું ફરીફરી સાંભળવા ઈચ્છું છું'

માર્કંડેય બોલ્યા-હું સર્વ પાપોને હરનારી,ધર્મવિષયક કથા કહું છું તે તમે સાંભળો.મોટા પુષ્કરમાં કપિલા ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે જ ફળ બ્રાહ્મણને સત્કારવાથી મળે છે.જે બ્રાહ્મણો ન પીવા યોગ્ય વસ્તુનું પાન કરતા નથી,જેઓ નિંદા પામ્યા નથી ને જેઓ વેદસંહિતાઓનો નિત્ય પાઠ કરે છે તે જ દાતાઓને તારવા સમર્થ છે.


યુધિષ્ઠિર બોલ્યા-'બ્રાહ્મણ જેથી નિત્ય શુદ્ધ થાય છે,તે શૌચ શું છે? તે હું સાંભળવા ઈચ્છું છું'(81)

માર્કંડેય બોલ્યા-વાણીની શુદ્ધિ,કર્મની શુદ્ધિ ને જલાત્મક શુદ્ધિ-એ ત્રણ પ્રકારના શૌચથી જે મનુષ્ય યુક્ત છે તે સ્વર્ગમાં નિઃસંદેહ વસે છે.જે બ્રાહ્મણ,સવારે ને સાંજે,વેદમાતા ગાયત્રી દેવીનો જપ કરતો રહીને સંધ્યોપાસના કરે છે તે પવિત્ર થાય છે,તેનાં પાપો નાશ પામે છે ને તે સમુદ્ર સાથેની પૃથ્વીનું દાન સ્વીકારે તો પણ તેને દોષ લાગતો નથી.આકાશમાંના સૂર્ય આદિ ગ્રહો તેના તરફ સૌમ્ય થાય છે.વિકરાળ ને ભયંકર જીવો પણ તેને કોઈ હેરાનગતિ કરતા નથી.બીજાને વેદ-આદિ ભણાવવાથી,યજ્ઞ કરાવવાથી,તેને દાન લેવાનો દોષ લાગતો નથી,કેમ કે તે બ્રાહ્મણો પ્રજ્વલિત અગ્નિ સમાન છે.વિદ્વાન હોય કે અવિદ્વાન હોય તો પણ તે મહા દૈવતરૂપ છે,તેનું અપમાન ન કરવું.

જે નગરમાં,વેદ જાણનારા,વ્રતનિષ્ઠ,જ્ઞાનવાન અને તપસ્વી બ્રાહ્મણો રહે છે,તે જ સાચું તીર્થરૂપ નગર છે.જે મનુષ્ય,રક્ષણ કરનાર રાજાની અને તપસ્વી બ્રાહ્મણની પાસે જઈને તેમને નમસ્કાર કરે છે તે પાપથી મુક્ત બને છે.


પવિત્ર તીર્થોમાં સ્નાન કરવું,નામકીર્તન કરવું અને સત્પુરુષો સાથે સત્સંગ કરવો-એની પંડિતો પ્રસંશા કરે છે.

આમ કરવાથી મન આનંદમાં રહે છે.જો મન આનંદમાં નથી તો,ત્રિદંડ સન્યાસ ધારણ કરવો,મૌન રાખવું,જટા રાખવી,માથે મુંડન કરાવવું,વલ્કલ પહેરવાં,વ્રત આદિ આચરવાં,તીર્થોમાં સ્નાન કરવું,અગ્નિહોત્ર રાખવા,વનમાં વાસ કરવો અને શરીરને સુકવવું-એ સર્વ મિથ્યા જ છે.ચક્ષુ-આદિ છ ઇન્દ્રિયોના વિષયોની વિશુદ્ધિ વિના પણ વિષયભોગ તો સુલભ છે પણ તેનો ત્યાગ તો કઠણ જ છે કેમ કે ઇન્દ્રિયોમાં વિકારી મનને જીતવું અતિદુષ્કર છે,

માટે જે મનુષ્યો મન,વચન,કર્મ ને બુદ્ધિથી પાપ કરતા નથી તે મહાત્માઓ જ તપ કરે છે.એમ કહેવાય છે.


જે મનુષ્ય ઘરમાં મુનિવૃત્તિ રાખે છે,પવિત્ર રહે છે,સુઘડતા સાચવે છે ને જીવનપર્યન્ત દયાળુ રહે છે,તે જ સર્વ પાપોથી મુક્ત થાય છે.નિરાહાર રહેવાથી કે ઉપવાસ વગેરે કર્યાથી કંઈ પાપકર્મો સાફ થઇ જતા નથી,ઉપવાસથી તો દેહ જ દુર્બળ થાય છે.શાસ્ત્રના આધાર વિનાના ને મનથી કલ્પી કાઢેલાં કર્મો કરવાથી મનુષ્યને ક્લેશ જ થાય છે,તેનાથી કોઈ પાપ દૂર થતું નથી.પુણ્યકર્મથી જ મનુષ્ય મોક્ષ પામે છે.ખોટે ખોટા કર્મો (જેમકે અગ્નિનો તાપ સહન કરવો-વગેરે)થી શરીરની શુદ્ધિ થતી નથી કે મોક્ષ મળતો નથી,કેમ કે જ્ઞાનથી ને શુદ્ધ કર્મથી જ મનુષ્ય,

જરા,મરણ,તથા વ્યાધિઓથી છૂટે છે.ને ઉત્તમ પદને પ્રાપ્ત થાય છે.(107)


જેમ,શેકાઈ ગયેલાં બીજ ઉગી શકતાં નથી,તેમ જ્ઞાનથી બળેલા ક્લેશો આત્મા સાથે ફરી સંયોગ પામતા નથી.

જે મનુષ્ય,એક આખા શ્લોકથી કે અર્ધા શ્લોકથી પણ હૃદયગુહામાં રહેલા આત્માને જાણે છે,તેને કંઈ જ કરવાનું રહેતું નથી.એ બે અક્ષરો (તત-ત્વં)થી જીવ અને પરમાત્માનું ઐક્ય જાણીને,કોઈક મંત્રપદો (સત્યમ-જ્ઞાનમનમ બ્રહ્મ-વગેરે)થી અંકિત થયેલા તેમ જ બ્રહ્મ વાક્યોથી (બ્રહ્મવિદાન્પોતિ પરમ-વગેરેથી) ને ઉપનિષદો દ્વારા જે 

હૃદયપ્રતીતિ (અહં બ્રહ્માસ્મિ) અનુભવે છે-તે જ મોક્ષનું લક્ષણ છે.જેના મનમાં સંશય છે તેના માટે આ લોક,

પરલોક કે સુખ નથી કેમ કે પ્રતીતિ એ જ મોક્ષનું લક્ષણ છે એમ જ્ઞાનવેત્તાઓ કહે છે (112)


જેણે પરમતત્વને જાણ્યું છે,તે વેદોના પ્રયોજનને જાણે છે.તમે જો,એક,અક્ષય અને વેદાદિમાં સિદ્ધ એવા પરમતત્વને વેદોક્ત વિધિથી જાણવા ઇચ્છતા હો તો,સર્વ શુષ્ક તર્કોને વેગળા મૂકીને શ્રુતિ-સ્મૃતિનો આશ્રય લો.

જેનાં સાધન વિપરીત છે તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી.પ્રયત્નપૂર્વક તે પરમાત્મતત્વને વેદો વડે જાણવું જોઈએ.

કેમ કે પરમાત્મા વેદરૂપ છે.વેદ તેમનું શરીર છે.વેદ,એ તત્વજ્ઞાનમાં હેતુરૂપ છે,વેદ જેમાં સમાઈ જાય છે તે પરબ્રહ્મને જ્ઞાનવાનોથી જ જાણી શકાય છે.વેદમાં કહેલા દેવોનું આયુષ્ય,કર્મનાં ફળ,અને શરીરધારીઓનો પ્રભાવ,એ બધું યુગ પ્રમાણે ફળ આપે છે,તો પણ ઇંદ્રિયોની નિર્મળતાપૂર્વક એ સૌનો ત્યાગ કરવો,

તેથી ઈન્દ્રીયોને વિષયોમાં જતી રોકવી એ જ અનશનવ્રત છે.તપથી સ્વર્ગે જવાય છે,દાનથી ભોગ મળે છે,

તીર્થસ્થાનથી પાપનો ક્ષય થાય છે.અને જ્ઞાનથી જ મોક્ષ પમાય છે (118)


યુધિષ્ઠિરે પૂછ્યું-'હે ભગવન,હું દાનની ઉત્તમ વિધિ સાંભળવા ઈચ્છું છું'


માર્કંડેય બોલ્યા-ગ્રહણમાં આપેલું દાન અક્ષયફળ આપે છે.અમાસ વગેરે પર્વોમાં આપેલાં દાન બમણું ફળ આપે છે.

ઋતુઋતુના આરંભે આપેલાં દાન દશ ગણાં ફળ આપે છે,અયનોના આરંભમાં આપેલું દાન સો ગણું ફળ આપે છે.

સુવર્ણ એ અગ્નિનો પ્રથમ પુત્ર છે,ભૂમિ એ વિષ્ણુની પત્ની છે,અને ગાય સૂર્યની પુત્રી છે.જે મનુષ્ય,સુવર્ણ,ભૂમિ અને ગાયનું દાન આપે છે તે ત્રણે લોક દાનમાં આપ્યાનું ફળ પામે છે.ત્રણે લોકમાં દાનથી ચડિયાતું કશું જ થયું નથી અને ભવિષ્યમાં થાય તેમ પણ નથી.આથી દાનને સર્વ લોકોમાં પરમોત્તમ કહે છે,(129)

અધ્યાય-૨૦૦-સમાપ્ત