May 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506

 

અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા 


II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.

બ્રાહ્મણો અગ્નિને રુદ્ર કહે છે,તેથી તે અગ્નિપુત્ર સ્કંદ 'રુદ્રપુત્ર' કહેવાય છે.અગ્નિનું વીર્ય કૃતિકાઓએ સ્વીકાર્યું હતું અને તેને રુદ્રે સત્કાર્યુ હતું,તેથી દેવો તેને રુદ્રપુત્ર કહેવા લાગ્યા હતા.આ સ્કંદ,રુદ્ર,અગ્નિ,સ્વાહા અને છ સ્ત્રીઓથી ઉત્પન્ન થયા હતા તેથી પણ તે રુદ્રપુત્ર (મહાસેન) કહેવાયા.તેમના સેનાપતિપદે અભિષેક થયા પછી,ઇન્દ્ર,પોતે જે દેવસેનાને કેશી દૈત્યથી છોડાવીને લાવ્યા હતા તેને બોલાવી અને સ્કંદને કહ્યું કે-હે સુરોત્તમ,તમે જન્મ્યા તે પહેલાં જ બ્રહ્માએ આ કન્યાને તમારી પત્ની તરીકે નક્કી કરી છે,માટે તમે તેનું પાણિગ્રહણ કરો'


ઇન્દ્રના કહેવાથી સ્કંદે તે 'દેવસેના'નું પાણિગ્રહણ કર્યું.ને આમ દેવસેના તે સ્કંદની પટરાણી બની.કે જેને બ્રાહ્મણો,

ષષ્ઠી,લક્ષ્મી,સિનીવાલી,કુહૂ,સદવૃત્તિ અને અપરાજિતા પણ કહે છે.જ્યારથી આ દેવસેના સ્કંદને પોતાના નિત્યના પતિ તરીકે પામી,ત્યારથી લક્ષ્મીદેવી પોતે શરીર ધારણ કરીને કાર્તિકેય (સ્કંદ)ના આશ્રયે આવી.

પાંચમના દિવસે શ્રીએ કાર્તિકેયનો આશ્રય કર્યો હતો તેથી તે પાંચમ શ્રીપંચમી કહેવાય છે.

છઠ્ઠના દિવસે સ્કંદ કૃતાર્થ થયા તેથી તે મહાતિથી પણ ગણાય છે (52)

અધ્યાય-૨૨૯-સમાપ્ત 


અધ્યાય-૨૩૦-સ્કંદની માતાઓ તથા સ્કંદગ્રહો 


II मार्कण्डेय उवाच II श्रिया जुष्टं महासेनं देवसेनापतिं क्रुतम् I सप्तर्षिपत्नय: पड देव्यस्तत्स्काशमयागमन II १ II

માર્કંડેય બોલ્યા-ઇન્દ્રે મહાસેનને દેવસેનાના પતિ કર્યા તે વખતે,સપ્તર્ષિની પત્નીઓમાંની છ દેવીઓ,સ્કંદ પાસે આવી કહેવા લાગી કે-હે પુત્ર,કોઈકે વાત ફેલાવી છે કે તું અમારો પુત્ર છે,એટલે અમારા સ્વામીઓએ વિનાકારણે અમને ત્યજી દીધી છે,તેથી તારે મારુ રક્ષણ કરવું ઘટે છે,અમે તને અમારો પુત્ર બનાવવા ઇચ્છીએ છીએ'

સ્કંદ બોલ્યો-હે નિર્દોષ માતાઓ,તમે મારી માતાઓ જ છો ને હું તમારો પુત્ર છું,તમે જે ઇચ્છશો તે તમને પ્રાપ્ત થશે'


પછી,ઇન્દ્રના કહેવાથી અને બ્રહ્માની સહાયતાથી તે કૃતિકાઓ (ઋષિપત્નીઓ) આકાશમાં ચાલી ગઈ.ને સાત માથાવાળા નક્ષત્ર રૂપે ઝળકવા લાગી.(પૂર્વે,રોહિણી,યુગાદિકાળનું નક્ષત્ર હતું,પણ અભિજીત (કે જે રોહિણીની નાની બહેન હતી ને મોટાઈ ઇચ્છતી તે તપ કરવા ચાલી ગઈ હતી તેથી તે) પડી જતાં,

બ્રહ્માએ ધનિષ્ઠાને એ નક્ષત્ર ઠરાવ્યું ને કાળ ગણત્રી સરખી કરી હતી)


હવે,માતૃગણે સ્કંદને કહ્યું કે-'અમે તારી માતા થવા ઈચ્છીએ છીએ,તું અમારું પૂજન કર અને પૂર્વે આ લોકની જે માતાઓ કલ્પાઈ છે તેમનું સ્થાન અમને  મળે,ને અમે જ આ લોકમાં પૂજ્ય થઈએ.તે માતાઓ નહિ.

કેમ કે તેઓ અમારી સંતતિને છીનવી ગઈ છે તે સંતતિ અમને આપ'

સ્કંદ બોલ્યો-મારી પ્રાર્થનાથી પણ ઋષિઓ તમારો સ્વીકાર નહિ કરે,આથી તમને સંતતિ થાય તેમ નથી,

તમે મનમાં જે પ્રજા ઈચ્છી રહ્યાં છે તે કહો.

માતાઓ બોલી અમે તારી સાથે જુદે રૂપે રહીને એ માતાઓની પ્રજાઓને 

તેમજ તેમના ઇશ્વરોને ભોગવવા ઇચ્છીએ છીએ તો તું તે આપ.


સ્કંદ બોલ્યો-હું તમને તે પ્રજા આપું છું,તમારું મંગલ થાઓ ને તમે માતાઓ પ્રજાનું સુરક્ષણ કરો.

હું તમને મારું રૌદ્ર ને અવિનાશી એવું પરમરૂપ આપીશ તેની સાથે તમે સુખપૂર્વક પૂજા પામીને રહેજો'

પછી,સ્કંદના શરીરમાંથી જુદાજુદા અનેક (મનુષ્યોને નડતા ને પીડતા) ગ્રહો ઉત્પન્ન થયા.

(નોંધ-અહીં તે અતિ વિસ્તૃત ગ્રહો વિશેનું વર્ણન લખ્યું નથી)

પણ,જે મનુષ્યો,ઇન્દ્રિયજિત છે,વશ મનવાળા છે,પવિત્ર છે,નિત્ય સાવધાન છે,આસ્તિક છે,શ્રદ્ધાળુ છે 

અને મહેશ્વરદેવના ભક્ત છે તેમને આ ગ્રહો હેરાન કરતા (નડતા) નથી(59)

અધ્યાય-૨૩૦-સમાપ્ત