May 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-507

 

અધ્યાય-૨૩૧-સ્કંદે મહિષાસુરને માર્યો 


II मार्कण्डेय उवाच II यदा स्कंदेन मातृणामेवमेतत्प्रियं कृतं I अथैवमव्र्वीत्स्वाहा मम पुत्रस्तवमौरस II १ II

માર્કંડેય બોલ્યા-સ્કંદે,માતૃકાઓનું પ્રિય કર્યું ત્યારે,સ્વાહાએ તેને કહ્યું કે-'તું મારો ઔરસ પુત્ર છે,તું મને પરમ દુર્લભ પ્રીતિ આપે એમ હું ઈચ્છું છું.હું દક્ષ પ્રજાપતિની સ્વાહા નામની કન્યા છું,બાળપણથી મને અગ્નિ વિષે કામના જાગી છે પણ તે અગ્નિ આ વાત જાણતા નથી,હું નિત્ય તે અગ્નિ સાથે વસવા ઈચ્છું છું'

સ્કંદ બોલ્યા-હે દેવી,આજથી આરંભીને,બ્રાહ્મણો,મંત્રથી પવિત્ર કરેલું હાથમાં લીધેલું હવ્ય 'સ્વાહા'કહીને યજ્ઞમાં હોમશે.આ પ્રમાણે અગ્નિ હંમેશાં તમારી સાથે રહેશે' ત્યારે  આનંદ પામેલી સ્વાહાએ સ્કંદનું પૂજન કર્યું.

પછી,પ્રજાપતિ બ્રહ્માએ સ્કંદ (મહાસેન)ને કહ્યું કે-'તું તારા પિતા રુદ્ર પાસે જા.રુદ્રે અગ્નિમાં પ્રવેશીને ને ઉમાએ સ્વાહામાં પ્રવેશીને તને લોકહિતાર્થે ઉત્પન્ન કર્યો છે.(રુદ્રના વીર્યના શેષ ભાગમાંથી વિચિત્ર આકારવાળા ગણો થયા છે એમ વિદ્વાનોએ જાણવું.એ ગણો ઘોર અને માંસભક્ષણ કરનારા તારા પાર્ષદો છે)


માર્કંડેય બોલ્યા-ત્યારે મહાસેને 'ભલે એમ હો' કહીને પિતા મહેશ્વરની પૂજા કરી.આ લોકમાં માનવો રુદ્રદેવને પૂજે છે.તેઓ તેમને શિવ,શંકર,ઈશ ને પિતામહ કહે છે.દેવસેનાથી વીંટળાયેલા,તેના સ્વામી અને કૃતિકાના પુત્ર 

તે સ્કંદદેવ,દેવાધિદેવ શંકરને અનુસરી રહ્યા હતા,ત્યારે મહાદેવે તેને કહ્યું કે-'તું સાતમા વાયુસ્કંદની રક્ષા કરજે,

તારે સદૈવ મારાં દર્શન કરવાં,જેથી તને પરમકલ્યાણ પ્રાપ્ત થશે' આમ કહી તેમણે સ્કંદને ત્યાંથી વિદાય આપી.


સ્કંદ વિદાય થયા પછી,એકાએક ત્યાં મહાન ઉત્પાત થઇ આવ્યો.અને ત્યાં એક ભયંકર સૈન્ય જોવામાં આવ્યું,કે જેણે ભગવાન શંકર ને દેવો પર ધસારો કર્યો.દાનવોનું આ મહાન સૈન્ય દેવોના સૈન્યને પીડવા લાગ્યું.

દેવો,વાયુઓ,વસુઓ,સાધ્યો,એ  ઇન્દ્રનો આશ્રય લઈને દાનવો સામે યુદ્ધ કરવા લાગ્યા.અતિ દારુણ યુદ્ધ થયું.

ત્યાં દૈત્યસેનામાંથી મર્હિષ નામનો મહાબળવાન દાનવ મોટો પર્વત ઊંચકીને બહાર આવ્યો.ને દેવોની સામે ધસ્યો.

દેવો ભયભીત થઈને ભાગવા લાગ્યા,ત્યારે તે મહિષાસુરે રુદ્રના રથ પર હલ્લો કરીને,રુદ્રરથની ધરી પકડી લીધી.


ભગવાન શંકરે એ મહિષને મારવાનું ધારી,તે મર્હિષના કાળ એવા સ્કંદદેવનું સ્મરણ કર્યું.ત્યારે સ્કંદ ત્યાં આવી પહોંચ્યા.ને મહિષને મારનારી એક પ્રજ્વલિત શક્તિને તેના પર છોડી.કે જેણે મહિષાસુરનું મસ્તક ઉડાવી દીધું.

વળી,તે શક્તિને વારંવાર ચલાવી ને અન્ય બાણોથી,સ્કંદે આખી રણભૂમિને એક ક્ષણમાં જ દાનવવિહોણી કરી દીધી.ને તે મહેશ્વર પાસે ગયો.ત્યારે ઇન્દ્ર તેને ભેટીને બોલ્યા કે-બ્રહ્માના વરદાનથી આ મહિષાસુર દેવોને ત્રાસ આપતો હતો,તેને મારવાનું આ તમારું પ્રથમ કર્મ વિખ્યાતિ પામશે.ત્રણે લોકમાં તમારી કીર્તિ અક્ષય થશે.

અને સર્વ દેવો તમારા વશમાં રહેશે' આમ કહી ઇન્દ્ર,રુદ્રની આજ્ઞા લઇ,દેવો સાથે ત્યાંથી ગયા.

અને ભગવાન રુદ્ર પણ ભદ્રવટે પાછા ગયા.આમ એ અગ્નિપુત્રે દાનવગણોને હણીને એક જ દિવસમાં સમસ્ત ત્રૈલોક્યને જીતી લીધું હતું.મહર્ષિઓ તેની પૂજા કરવા લાગ્યા.જે બ્રાહ્મણ,આ સ્કંદની ઉત્પત્તિકથાની પાઠ કરશે તે આ લોકમાં પુષ્ટિ પામશે ને પરલોકમાં કાર્તિકેયનો પર્મલોક પ્રાપ્ત કરશે (113) 

અધ્યાય-૨૩૧-સમાપ્ત