May 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-523

અધ્યાય-૨૫૬-દુર્યોધનનો વૈષ્ણવ યજ્ઞ 


II वैशंपायन उवाच II ततस्तु शिल्पिनः सर्वे अमात्यप्रवराश्व ये I विदुरश्व महाप्राज्ञो धार्तराष्ट्रे न्यवेदयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સર્વ શિલ્પીઓએ,મુખ્ય પ્રધાનોએ અને વિદુરે ધૃતરાષ્ટ્રપુત્રને નિવેદન કર્યું કે-

'હે રાજન,શ્રેષ્ઠ યજ્ઞની તૈયારી થઇ ગઈ છે ને સુવર્ણમય મહામૂલ્યવાન હળ પણ તૈયાર થઇ ગયું છે'

આ સાંભળીને દુર્યોધને તે મહાયજ્ઞ આરંભ કરવાની આજ્ઞા આપી,ને શાસ્ત્ર પ્રમાણે યજ્ઞની દીક્ષા લીધી.

ધૃતરાષ્ટ,ભીષ્મ,વિદુર,દ્રોણ,કૃપાચાર્ય,કર્ણ,શકુની,ગાંધારી -આદિ સર્વ અત્યંત આનંદ પામ્યા.

યજ્ઞ માટે સર્વ રાજાઓ ને બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવેલા,તે વખતે દુઃશાસને કોઈ એક દૂતને દ્વૈતવનમાં પાંડવોને પણ નિમંત્રણ આપવા મોકલ્યો હતો.દૂતે જઈને પાંડવોને કહ્યું કે-દુર્યોધને પોતાના પરાક્રમથી ધનની રેલ આણી છે.ને યજ્ઞ કરે છે,ત્યારે રાજાઓ ને બ્રાહ્મણો યજ્ઞમાં જઈ  રહ્યાં છે,તો તમે પણ દુર્યોધનના યજ્ઞનાં દર્શન કરવા પધારો' દૂતનું કહેવું સાંભળીને યુધિષ્ઠિર કહ્યું કે-'સદ્ભાગ્યની વાત છે કે પૂર્વજોની 

કીર્તિ વધારનારો દુર્યોધન આ શ્રેષ્ઠ યજ્ઞ કરે છે,અમે ત્યાં આવ્યા હોત,પણ આવી શકીએ તેમ નથી,

કેમ કે તેર વર્ષ સુધી મારે અમારી પ્રતિજ્ઞા પાળવી જ જોઈએ'


ત્યારે ભીમ બોલ્યો કે-'એ દુર્યોધનને કહેજે કે તેર વર્ષ વીત્યા પછી,રણયજ્ઞ મંડાશે,તેમાં અસ્ત્રશસ્ત્રોથી પ્રદીપ્ત 

થયેલા અગ્નિમાં દુર્યોધનને હોમવામાં આવશે ત્યારે યુધિષ્ઠિર ત્યાં પધારશે,ને હું પણ ત્યાં આવીશ'

દૂતે પાછા ફરીને દુર્યોધનને સર્વ વાતથી નિવેદિત કર્યો.

વિદુરે ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી યજ્ઞભવનમાં સર્વને સત્કાર મળે,અન્ન મળે,સુખ મળે ને સંતોષ મળે તેની વ્યવસ્થા કરી.સર્વંના માટે નિવાસસ્થાનો કરાવ્યા હતા.યજ્ઞની સમાપ્તિ થતાં,દુર્યોધને,બ્રાહ્મણોને ને રાજાઓને કોમળ વાણીથી સાંત્વન આપીને જાતજાતના દ્રવ્યો આપી તેમને સંતુષ્ઠ કર્યા.ને તેમને વિદાઈ આપી,પોતાના ભાઈઓ,શકુની તથા કર્ણ સાથે પાછો પોતાના મહેલે આવ્યો (27)

અધ્યાય-૨૫૬-સમાપ્ત