May 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-524

 

અધ્યાય-૨૫૭-અર્જુનના વધ માટે કર્ણની પ્રતિજ્ઞા 


II वैशंपायन उवाच II प्रविशंतं महाराज सुतास्तुष्टुवुरच्युतम् I जनाश्वापि महेष्वासं सुष्टुवु राजसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,જયારે મહાધનુર્ધારી અને અચલિત વૈર્યવાળા દુર્યોધને નગરમાં પ્રવેશ કર્યો ત્યારે  સ્નેહીઓએ તેની સ્તુતિ કરી.અને કહ્યું કે-'હે રાજા,સદ્ભાગ્ય છે કે તમારી આ યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થયો.

આ યજ્ઞ તો સર્વ યજ્ઞોને આંટી જાય એવો થયો છે.યયાતિ,નહુષ,માંધાતા અને ભરત એ સર્વે પવિત્ર થઈને સ્વર્ગે ગયા છે' સ્નેહીઓની શુભ વાણી સાંભળતા દુર્યોધન આનંદ પૂર્વક મહેલમાં પ્રવેશીને સર્વ વડીલોને વંદન કર્યા.

પછી,ભાઈઓ,કર્ણ આદિથી વીંટળાઈને તે બેઠો ત્યારે કર્ણે ઉભા થઈને કહ્યું કે-હવે તમે પૃથાપુત્રોને હણીને રાજસૂય યજ્ઞ કરશો ત્યારે હું તમને ફરીથી અભિનંદન આપીશ.હે રાજન,મારુ કહેવું સાંભળો.જ્યાં સુધી હું અર્જુનને મારીશ નહિ,ત્યાં સુધી મદ્યપાન કરીશ નહિ,માંસભક્ષણ કરીશ નહિ અને મારી પાસે આવી કોઈ કંઈક પણ યાચશે તો તેને હું 'નથી' એમ કહીશ નહિ' આમ કર્ણે અર્જુનનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી એટલે સર્વેએ તેને વધાવી લીધી 

અને હવે પોતે 'પાંડવોને જીતી જ લીધા છે'એમ માનવા લાગ્યા.


બીજી બાજુ,દ્વૈતવનમાં દૂતે,કર્ણે અર્જુનના વધ માટે કરેલી પ્રતિજ્ઞાના સમાચાર આપ્યા.ત્યારે તે સાંભળીને અને  

'તે કર્ણ અદભુત પરાક્રમવાળો ને તેનું કવચ અભેદ્ય છે' એવું વિચારીને યુધિષ્ઠિર ઉદ્વેગ પામ્યા.ચિંતાથી ઘેરાયેલા તે યુધિષ્ઠિરને,મૃગો આદિથી ભરેલા દ્વૈતવન છોડી દેવાનો વિચાર થયો.(28)

અધ્યાય-૨૫૭-સમાપ્ત 

ઘોષયાત્રા પર્વ સમાપ્ત 


મૃગસ્વપ્નોદ્ભવ પર્વ 

અધ્યાય-૨૫૮-મૃગોની પ્રાર્થનાથી કામ્યકવનમાં પ્રવેશ 


II जनमेजय उवाच II दुर्योधनं मोक्षयित्वा पाण्डुपुत्रा महाबलाः I किमाकार्पुर्वेन तस्मिंस्तन्मख्यातुमर्हसि II १ II

જન્મેજય બોલ્યા-મહાબળવાન પાંડુપુત્રોએ દુર્યોધનને છોડાવ્યા પછી તે વનમાં શું કર્યું? તે વિશે કહો 

વૈશંપાયન બોલ્યા-તેવાંમાં એકવાર યુધિષ્ઠિરને સ્વપ્નમાં આંસુથી ભરાઈ ગયેલા મૃગો દેખાયા.તે કહેતા હતા કે-

'હે ભારત,અમે દ્વૈતવનમાં હણાતાં બચી ગયેલાં મૃગો છીએ.અમે સમૂળા નાશ પામીએ નહિ એ માટે તમે તમારું નિવાસસ્થાન બદલો.તમે આમ વનવાસી કુળોને થોડાં જ બીજરૂપે બાકી રાખ્યા છે.અમે તમારી કૃપાથી વૃદ્ધિ પામશું' યુધિષ્ઠિર આમ કહેતા ને ધ્રુજતા ને ગભરાયેલા મૃગોને જોઈને અત્યંત દુઃખાતુર થયા.


બીજે દિવસે જાગ્યા પછી,તેમણે ભાઈઓને સ્વપ્નની વાત કરી ને કહ્યું કે-'આપણે આ જીવો પર દયા કરવી જોઈએ.

આપણે હવે મરુભૂમિના ઉપર ભાગમાં તૃણબિંદુ સરોવરની પાસે આવેલા,શ્રેષ્ઠ કામ્યક વનમાં જઈએ'

સર્વની સંમતિથી તેઓ,સર્વ ભાઈઓ ને બ્રાહ્મણો સાથે ત્યાંથી ચાલી નીકળ્યા ને શ્રેષ્ઠ વિપ્રોથી વીંટાયેલા 

તે કામ્યક વનમાં તે પાંડવોએ પ્રવેશ કર્યો  (17)

અધ્યાય-૨૫૮-સમાપ્ત 

મૃગસ્વપ્નોદ્ભવ પર્વ સમાપ્ત