May 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-525

 

વ્રીહિદ્રૌણિક પર્વ 

અધ્યાય-૨૫૯-વ્યાસે કહેલી દાનની દુષ્કરતા 


II वैशंपायन उवाच II वने निवसतां तेषा पांडवान महात्मनाम् I वर्षाण्येकादशातियुः क्रुछ्रेण भरतर्षभ II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,એ મહાત્મા પાંડવોને વનમાં નિવાસ કરતાં અગિયાર વર્ષ મહાદુઃખથી વીતી ગયાં.

આવી પડેલ સંજોગોમાં,કદી ફળ,મૂળનો આહાર કરી દુઃખને સહન કરી લેતા હતા.યુધિષ્ઠિરને એ ચિંતા મનમાં શૂળની

જેમ ખૂંપી રહેતી કે 'મારા ભાઈઓને મારા કર્મના અપરાધથી જ આ મહાદુઃખ આવ્યું છે'

દ્યુતમાં કૌરવોએ કરેલો વ્યવહાર તેમની આંખ આગળ વારંવાર તરી આવતો હતો.ભાઈઓ ને દ્રૌપદી પણ તેમના મુખ સામે જોઈને અસહ્ય દુઃખ સહન કરી રહ્યાં હતાં,પણ,'હવે થોડો જ સમય બાકી રહ્યો છે' એમ માની તે સર્વ,ઉત્સાહ,ક્રોધ અને ચેષ્ઠાઓથી જાને જુદા જ સ્વરૂપ ધારણ કર્યા હોય એમ જણાતા હતા.

પછી,કોઈ એકવાર,સત્યવતીના પુત્ર મહાયોગી વ્યાસ ત્યાં પાંડવોને મળવા આવ્યા.તેમને આવતા જોઈ યુધિષ્ઠિર સામે ગયા ને તેમને વિધિપૂર્વક સત્કાર આપીને આસન આપ્યું.પોતાના એ પૌત્રોને દૂબળા પડી ગયેલા જોઈને વ્યાસ દયાપૂર્ણ થઇ ગયા અને આંસુથી ગળગળી વાણીથી બોલ્યા કે-'હે યુધિષ્ઠિર,મનુષ્યને સુખ ને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે.કોઈને પણ અનંત સુખ પ્રાપ્ત થતું નથી.આથી મનુષ્ય શોક કે હર્ષ કરતો નથી.

કેવળ તપથી જ મહાફળ (બ્રહ્મ) મળે છે,તપને કશું જ અસાધ્ય નથી.(15)


સત્ય,સરળતા,અક્રોધ,સંવિભાગ (અન્ન-આદિને વહેંચી આપવા)દમ,શમ,ઈર્ષારહિતતા,હિંસાનો ત્યાગ,પવિત્રતા અને ઇન્દ્રિય સંયમ -એ સર્વ પુણ્યકર્મ મનુષ્યોને પાવન કરનારા છે.બાકી અધર્મમાં રુચિવાળા અને આડાતેડા માર્ગે જ સદૈવ વિચરનારા મૂર્ખ મનુષ્યો કષ્ટદાયી યોનિમાં જન્મે છે,અને સુખ પામતા નથી.આ લોકમાં જે કર્મ કરવામાં આવે છે તેનું ફળ પરલોકમાં ભોગવવાનું આવે છે તેથી શરીરને તપ ને નિયમથી યુક્ત રાખવું.


દાનનો સમય આવે ત્યારે પ્રસન્ન મનથી તથા પૂજન અને પ્રણામ કરીને યથાશક્તિ દાન આપવું.સત્યવાદી મનુષ્ય આયુષ્ય,સરળતા અને ક્લેશથી મુક્તિ પામે છે.દમ ને શમમાં પરાયણ રહેનારો મનુષ્ય ક્યારેય ક્લેશ પામતો નથી.

વળી,વશ ચિત્તવાળો મનુષ્ય પાર્કની લક્ષ્મી જોઈને સંતાપ પામતો નથી.અન્ન-આદિના વિભાગ કરી,તેનો ઉપભોગ કરે છે અને જે દાન આપે છે તે મનુષ્ય,ભોગ અને સુખ પામે છે.જે અહિંસક રહે છે તે પરમ આરોગ્ય મેળવે છે.

ઇન્દ્રિયો પર વિજય મેળવનાર વ્યસનોના સંગમાં પડતો નથી.જેની બુદ્ધિ નિત્ય શુભ કર્મોમાં જ લાગી રહે છે તે મનુષ્ય

મૃત્યુ પામ્યા પછી,એ શુભ બુદ્ધિના યોગ વડે ફરી,કલ્યાણ મતિવાળો જ જન્મે છે.(26)


યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,તપ અને દાનધર્મ-આ બંનેમાં કયું પરલોકમાં વિશેષ સુખદાયી છે?'

વ્યાસ બોલ્યા-પૃથ્વીમાં દાન જેવું દુષ્કર કંઈ જ નથી.મનુષ્યોને ધનની ભારે તૃષ્ણા હોય છે ને તે મહાકષ્ટથી ધન

કમાવાનો પ્રયત્ન કરે છે ને મહાકષ્ટથી મળેલા આ ધનનો ત્યાગ કરવો અત્યંત દુષ્કર છે.તેથી દાન શ્રેષ્ઠ છે.


ન્યાયપૂર્વક મેળવેલું ધન,પાત્ર,કાળ અને દેશની યોગ્યતા જોઈને જ સત્પુરુષોને દાનમાં આપવું.

અન્યાયથી મેળવેલા ધનથી જે દાનકર્મ કરવામાં આવે છે તે દાન મહાભયથી રક્ષણ કરતુ નથી.

મનની પવિત્રતાપૂર્વક યોગ્ય કાળે અને યોગ્ય પાત્રને થૉડુ સરખું પણ,દાન આપવામાં આવે છે તે પરલોકમાં

અનંત ફળ આપે છે,એમ શાસ્ત્રમાં કહ્યું છે.દ્રોણ (બત્રીસ શેર) જેટલા ભાતનું દાન આપવાથી,મુદ્દગલને જે ફળ

મળ્યું હતું તેના પ્રાચીન ઇતિહાસને લોકો આ આ સંબંધમાં ઉદાહરણ રૂપે કહે છે (35)

અધ્યાય-૨૫૯-સમાપ્ત