Jun 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-537

 

રામોપાખ્યાન પર્વ 

અધ્યાય-૨૭૩-યુધિષ્ઠિરનો માર્કંડેયને પ્રશ્ન 


II जनमेजय उवाच II एवं हृतायां कृष्णायां प्राप्य क्लेशमनुत्तमम् I अत ऊर्ध्व नरव्याघ्राः किमकुर्वत पम्दवाः II १ II

જન્મેજય બોલ્યા-આ રીતે દ્રૌપદીનું હરણ થયું ને તેને પાછી મેળવ્યા બાદ તે નરસિંહ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીને છોડાવીને ધર્મરાજ યુધિષ્ઠિર મુનિગણો સાથે બેઠા હતા ત્યારે તેમણે 

માર્કંડેયને કહ્યું-'હે ભગવન,દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો,

તેથી હું  તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિષે પૂછું છું તો તમે તેનું નિરાકરણ કરો.

આ દ્રુપદનંદિની વેદીની મધ્યમાંથી પ્રગટી છે તે અયોનિજા છે ને પાંડુની પુત્રવધુ છે.પણ,હું માનું છું કે,

કાળ,દૈવ ને પ્રાણીઓનું ભાવિ જ અત્યંત બળવાન છે,તેમાં કંઈ ઉલટસુલટ થઇ શકતું નથી.બાકી અમારી આ ધર્મજ્ઞ ને ધર્મચારીણી પત્નીને કોઈ આંગળી પણ કેવી રીતે અડાડી શકે?આ તો પવિત્ર મનુષ્ય પર ચોરીનું આળ ચડાવવા જેવું છે.દ્રૌપદીએ કદી પાપ કર્યું નથી,ને બ્રાહ્મણો વિશે મહાન ધર્મ ઉત્તમ રીતે આચર્યો છે.તેને મૂર્ખ મનવાળો જયદ્રથ બલાત્કારે હરી ગયો તે અતિ દુઃખમય છે.અમારી પત્નીનું અમે અણચિંતવ્યું અપહરણ થયેલું અનુભવ્યું.અમે આ વનમાં દુઃખદ વાસ કરીએ છીએ,ને મૃગયાથી આજીવિકા ચલાવીએ છીએ.

સંબંધીજનોએ અમને દેશપાર કર્યા ને અમે તપસ્વીઓનો વેશ રાખી મૃગોની હિંસા કરીએ છીએ.

તો હું તમને પૂછું છું કે-મારા કરતાં વિશેષ મંદભાગી કોઈ મનુષ્ય તમે પૂર્વે જોયો કે સાંભળ્યો છે ખરો?(13)

અધ્યાય-૨૭૩-સમાપ્ત 


અધ્યાય-૨૭૪-રામ અને રાવણના જન્મની કથા 


II मार्कण्डेय उवाच II प्राप्तंप्रतिमं दुःखं रामेण भरतर्षभ I रक्षसा जानकी तस्य हृता भार्या बलीयसा II १ II

માર્કંડેય બોલ્યા-હે ભરતોત્તમ,રામને જેવું દુઃખ પ્રાપ્ત થયું હતું તેવું દુઃખ કોઈને ય પ્રાપ્ત થયું નથી.દુરાત્મા રાવણ,માયારૂપ લઈને તેમની પત્ની જાનકીને,આશ્રમમાંથી વેગપૂર્વક હરી લઇ ગયો હતો,ત્યારે સુગ્રીવની સેનાની સહાય લઈને સમુદ્ર પર સેતુ બાંધીને,લંકાને બાળી નાખીને રામ,એ જાનકીને પાછી લઇ આવ્યા હતા 


યુધિષ્ઠિર બોલ્યા-રામ ક્યા કુળમાં જન્મ્યા હતા?તેમનું પરાક્રમ કેવું હતું?રાવણ કોનો પુત્ર હતો?

તેને રામ સાથે શું વેર હતું? હું ઉત્તમ કર્મવાળા રામનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું (5)

માર્કંડેય બોલ્યા-ઇક્ષ્વાકુ વંશના રાજા અજ ના દશરથ નામના પુત્રને કૌશલ્યાથી રામ,કૈકેયીથી ભરત ને સુમિત્રાથી ભરત ને શત્રુઘ્ન-એમ  ચાર પુત્રો હતા.તે સમયે વિદેહદેશના રાજા જનકને સીતા નામે અયોનિજન્મા પુત્રી હતી કે જેને બ્રહ્માએ જ રામની પત્ની તરીકે નિર્માણ કરી હતી.હવે હું રાવણના જન્મ વિશે કહીશ 


બ્રહ્માના માનસપુત્ર પુલસ્ત્ય ને ગો નામની પત્નીથી વૈશ્રવણ નામનો પુત્ર થયો હતો કે જે પિતાને છોડીને પિતામહ પાસે ચાલ્યો ગયો હતો.તેથી તેના પિતા (પુલસ્ત્ય)એ કોપ પામીને,વૈશ્રવણ ઉપર બદલો લેવા,પોતાના દેહમાંથી એક બીજો દેહ સર્જ્યો.આ રીતે તેના અર્ધા દેહથી વિશ્રવા નામનો બ્રાહ્મણ જન્મ પામ્યો.

પણ,પ્રસન્ન મનવાળા બ્રહ્માએ વૈશ્રવણને અમરત્વ,કુબેરપદ,લોકપાલપણું,શંકર સાથે સખ્ય,નલકુબર પુત્ર,

રાજધાની માટે રાક્ષસોથી ભરેલી લંકા,પુષ્પક વિમાન,યક્ષોનું આધિપત્ય અને રાજરાજેશ્વર પદ આપ્યું હતું (17)

અધ્યાય-૨૭૪-સમાપ્ત