Jun 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-538

 

અધ્યાય-૨૭૫-રાવણ-આદિની જન્મકથા ને રાવણને વરદાન 


II मार्कण्डेय उवाच II पुलस्तस्य तु यः क्रोधादर्धदेहोभवन्मुनिः I विश्रवा नाम सक्रोधः स वैश्रवणमैक्षत II १ II

માર્કંડેય બોલ્યા-પુલસ્ત્યના ક્રોધથી તેમના અર્ધદેહરૂપે વિશ્રવા નામના જે મુનિ ઉત્પન્ન થયા તે વૈશ્રવણની તરફ ક્રોધથી જોવા લાગ્યા.રાક્ષસેશ્વર વૈશ્રવણ (કુબેર),પિતાને ક્રોધયુક્ત થયેલા જાણીને તેમને પ્રસન્ન કરવા સદૈવ પ્રયત્ન  કરવા લાગ્યો.તે લંકામાં નિવાસ કરતો હતો.તેણે તે પિતા (વિશ્રવા)ને ત્રણ રાક્ષસીઓ (પુષ્પોત્કટા,રાકા,માલિની)

પરિચારિકા તરીકે આપી.કે જે પરિચારિકાઓ પરસ્પર સ્પર્ધા કરતી હતી ને પોતાના કલ્યાણની કામના રાખતી હતી.વિશ્ર્વા તેમનાથી સંતુષ્ટ થયા અને તેમને પ્રત્યેકને ઇચ્છામાં આવે તેવા પુત્રોનાં વરદાન આપ્યા.(6)

તે પછી,પુષ્પોત્કટાને કુંભકર્ણ અને દશગ્રીવ (રાવણ) નામના બે પુત્રો થયા.માલિનીએ વિભીષણને અને રાકાએ ખર અને શૂર્પણખા નામનાં સંતાનોને જન્મ આ સઘળા સંતાનો પિતા સાથે ગંધમાદન પર્વત પર રહેતા હતા.

એકવાર તેમણે નરવાહન કુબેરને પોતાના પિતા સાથે બેઠેલો જોયો.કે જે જોઈને તેમને ક્રોધ ઉછળી આવ્યો 

ને તપ કરવાનો નિશ્ચય કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કરવાનો આરંભ કર્યો.


દશગ્રીવે (રાવણે) હજાર વર્ષ તપસ્યા કરી છેવટે પોતાનું માથું કાપી અગ્નિમાં હોમ્યું,ત્યારે બ્રહ્મા પ્રસન્ન થયા 

ને કહ્યું કે-'એક અમરત્વ સિવાય ગમે તે વરદાન માગ.તેં મહેચ્છાથી અગ્નિમાં જેટલાં મસ્તકો હોમ્યાં છે તેટલાં તારી ઇચ્છાનુસાર તારા દેહમાં થાઓ.તું ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી શકશે ને રણમાં વિજેતા થશે'

રાવણ બોલ્યો-'ગંધર્વ,દેવ,અસુર,યક્ષ,રાક્ષસ,સર્પ,કિન્નર અને ભૂતોથી મારો પરાભવ થાઓ નહિ'

ત્યારે બ્રહ્માએ તેને કહ્યું 'તથાસ્તુ' તે રાવણ તો મનુષ્યોને તુચ્છ ગણતો હતો,એટલે માગેલા વરદાનથી સંતુષ્ટ થયો.


માર્કંડેય બોલ્યા-પછી તે દશગ્રીવ (રાવણ)રાક્ષસે આમ વરદાન મેળવીને ધનેશ્વર કુબેરને રણમાં હરાવીને લંકામાંથી બહાર કાઢ્યો.ત્યારે તે કુબેર લંકા છોડીને ગંધમાદન પર્વત પર જઈને રહ્યો.રાવણે તેનું પુષ્પક વિમાન પણ લઇ લીધું.

ઇચ્છારૂપ ધરનારા ને આકાશમાં વિચરનારા બલમત્ત દશગ્રીવે દેવો ને દૈત્યોનાં રત્નો હરી લીધાં.

તે સર્વને રોવડાવતો હતો તેથી 'રાવણ' કહેવાયો.યચેચ્છ બળવાળા એ રાવણે દેવોમાં પણ ભય ઉત્પન્ન કર્યો (40)

અધ્યાય-૨૭૫-સમાપ્ત