II वैशंपायन उवाच II वासुदेवस्य तद्वाक्यमनुस्मुरत्य युधिष्ठिरः I पुनः प्रपच्छ वार्ष्णेयं कथं मन्दोब्रविदिदम् II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કૌરવોની સભાનો જે વૃતાંત કહ્યો,તે સંભારીને,યુધિષ્ઠિર ફરીથી શ્રીકૃષ્ણને પૂછવા લાગ્યા કે-
'હે વાસુદેવ,તમે દુર્યોધન અને સર્વનો ને કુંતીનો પણ વિચાર અમને કહ્યો,તે અમે બરોબર સાંભળ્યો છે,પણ તે સર્વ
વચનોને બાજુ રાખી અને વારંવાર વિચાર કરીને અમારે જે કરવા યોગ્ય હોય તે અમને નિઃશંકપણે કહો'
શ્રીકૃષ્ણે કહ્યું-મેં જે ધર્માર્થયુક્ત ભાષણ કર્યું,તે અને સર્વ વડીલોનું કહેવું પણ દુર્યોધનના ગળે ઉતર્યું નહિ.તે સર્વનો અનાદર કરે છે.તેને ધર્મની ઈચ્છા નથી,યશની દરકાર નથી અને એક કર્ણના આશ્રયથી 'તે સર્વ જીતી લીધેલું છે' એમ જ માને છે.
તે પાપી દુર્યોધને મને બાંધી લેવાની આજ્ઞા કરી હતી પણ તેનો તે મનોરથ સિદ્ધ થયો નહિ.એક વિદુર સિવાય સર્વ તેને જ અનુસરે છે.સંક્ષેપમાં કહેવાનું કે તે દુરાત્મા તમારા સંબંધમાં યોગ્ય વર્તતો નથી.એટલે છેવટે યુદ્ધ કરવું જ બાકી રહ્યું છે.
તે પછી,યુધિષ્ઠિરે,શ્રીકૃષ્ણનો,ભાઈઓનો અને સર્વનો અભિપ્રાય સમજી,સર્વ સાથે એકમત થઈને યુદ્ધ કરવાની આજ્ઞા આપી.
પરંતુ યુદ્ધમાં વધ ના કરવા જેવાનો પણ વધ થશે,તે વિચાર આવતાં તે નિશ્વાસ નાખીને ભીમ તથા અર્જુનને કહેવા લાગ્યા કે-
'મેં જે અનર્થ ટાળવા માટે વનવાસ વેઠ્યો,દુઃખો ભોગવ્યા,તે કુળના ક્ષયરૂપી મહાઅનર્થ તો આપણી પાસે આવીને જ ઉભો રહ્યો.આપણે યુદ્ધ ન કરવું પડે તે માટે પ્રયત્ન કર્યો,પણ તે વ્યર્થ થઇ ગયો.રે,વધ કરવા અયોગ્ય પુરુષોની સાથે કેવી રીતે સંગ્રામ કરી શકાશે?ને વૃદ્ધ ગુરુજનોને મારીને આપણો વિજય પણ કેવી રીતે થશે? (22)
ત્યારે અર્જુને કહ્યું-'શ્રીકૃષ્ણે કહેલાં કુંતીનાં અને વિદુરનાં વચનોને તમે પૂરેપૂરાં ધ્યાનમાં લીધાં છે? તે બંને આપણને અધર્મયુક્ત કાર્ય કરવાનું કહે જ નહિ.અને હવે યુદ્ધ કર્યા વગર પાછું ફરવું તે યોગ્ય ગણાય નહિ.' અર્જુનનું આવું વચન સાંભળીને શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહ્યું કે-'અર્જુન કહે તે ઠીક જ છે' (27)
અધ્યાય-154-સમાપ્ત