અધ્યાય-૧૫૫-દુર્યોધનના સૈન્યના વિભાગ
II वैशंपायन उवाच II व्युष्टायां वै रजन्यां हि राजा दुर्योधनस्तत: I व्यभजतान्यनिकानि दश चैकं च भारत II १ II
વૈશંપાયને કહ્યું-હે ભરતવંશી જન્મેજય,રાત્રિ પુરી થતાં જ દુર્યોધને પોતાની સૈન્યના અગિયાર વિભાગ કર્યા.એ સર્વ સેનાઓના મનુષ્યો,હાથીઓ,રથો અને ઘોડાઓમાંથી ઉત્તમ,માધ્યમ અને કનિષ્ઠ-એવા વિભાગ કરવાની આજ્ઞા આપી.તે સૈન્યની સાથે તોમર (હાથ વડે ફેંકાય તેવા કાંટાવાળો દંડો),શક્તિ (લોહદંડ),રૂષ્ટિ (ભારે ડાંગ),ધનુષો,તોમરો (ધનુષથી ફેંકાય તેવાં મોટાં બાણો)
અને યુદ્ધમાં અત્યંત જરૂરી એવી સર્વ વસ્તુઓ લેવામાં આવી હતી.કુલીન અને અશ્વશાસ્ત્રને જાણનારા શૂરા પુરુષોને સારથિના કામ માટે નીમ્યા હતા.અશુભ દૂર કરવા રથોને યંત્રો તથા ઔષધિઓ બાંધી હતી,ને ઉત્તમ ઘોડાઓ જોડીને સજાવવામાં આવ્યા હતા.તે જ પ્રમાણે હાથીઓને પણ શણગાર્યા હતા.
સુવર્ણના અલંકારવાળા,કેળવાયેલા લાખો ઘોડાઓ,પોતાના સ્વારને તાબે થઈને ઉભા હતા.પ્રત્યેક રથની પાછળ દશ હાથીઓ,પ્રત્યેક હાથીની પાછળ દશ ઘોડાઓ,પ્રત્યેક ઘોડાની પાછળ તેમના પાદરક્ષક દશ પુરુષો રહેતા હતા.
આ ગોઠવણીમાં ભંગાણ પડે ત્યાં પુરવણી કરવા માટે પણ હાથી,ઘોડા અને પાળાઓની વ્યવસ્થા હતી.
પાંચસો હાથી અને પાંચસો રથો મળીને એક સેના થાય છે,દશ સેનાની એક પૃતના,દશ પૃતનાની એક વાહિની થાય છે.
સામાન્ય રીતે સેના,વાહિની,પૃતના,ધ્વજીની,ચમૂ,અક્ષૌહિણી,વરુથિની-આ સર્વ શબ્દ સમાન અર્થવાળા ગણીને,તે સેના માટે જ વપરાય છે.આમ,દુર્યોધને વ્યૂહ રચનામાં ગોઠવેલી અગિયાર અક્ષૌહિણી અને યુધિષ્ઠિરની સાત મળીને અઢાર અક્ષૌહિણી સેના,કુરુક્ષેત્રના મેદાનમાં એકઠી થઇ હતી.
પંચાવન પુરુષોની એક પત્તી,ત્રણ પત્તીને એક સેનામુખ (કે ગુલ્મ) અને ત્રણ ગુલ્મનો એક ગણ કહેવાય છે.દુર્યોધનની સેનામાં એવા હજારો શૂરા ગણો યુદ્ધ કરવાની ઈચ્છાથી જોડાયા હતા.તે પછી,પ્રત્યેક અક્ષૌહિણીના અધિપતિ નરશ્રેષ્ઠોને માનપૂર્વક પોતાની પાસે બોલાવી,દુર્યોધને તેઓની સાથે મીઠાશથી વાત કરી.કૃપાચાર્ય,દ્રોણ,શલ્ય,જયદ્રથ,સુદક્ષિણ,કૃતવર્મા,અશ્વસ્થામા,
કર્ણ,ભૂરિશ્રવા,શકુની અને બાહલીક-આ અગિયાર અક્ષૌહિણી સેનાના નેતા હતા.દુર્યોધન આ સર્વે અને તેમના અનુનાયીઓની ઉત્તમ રીતે બરદાસ્ત રાખતો હતો તેથી તે રાજાઓના સર્વ સૈનિકો તેનું પ્રિય કરવા તૈયાર હતા.(35)
અધ્યાય-155-સમાપ્ત