અધ્યાય-૧૫૬-ભીષ્મને મુખ્ય સેનાપતિ નિમ્યા
II वैशंपायन उवाच II ततः शांतनवं भीष्मं प्रांजलीर्धृतराष्ट्रजः I सः सर्वैर्महीपालैरिदं वचनमब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-તે પછી,દુર્યોધન બે હાથ જોડી,સર્વ રાજાઓની સાથે શાંતનુપુત્ર ભીષ્મને કહેવા લાગ્યો કે-'સેના ઘણી મોટી હોય,તો પણ તે સેનાના નાયક વિના યુદ્ધનો પ્રસંગ આવતાં કીડીઓના સમૂહની જેમ છૂટીછૂટી વિખેરાઈ જાય છે.સેના ગમે તેટલી મોટી હોય પણ તેનો સેનાપતિ એક જ હોવો જોઈએ,કારણકે બે પુરુષોની બુદ્ધિ કદી પણ એક વિચારવાળી થતી નથી,વળી તે સેનાપતિઓમાં પરસ્પર શૌર્યની પણ સ્પર્ધા થાય છે.આ સંબંધમાં એક પ્રાચીન કથા સાંભળવામાં આવે છે.
એક વખતે હૈહય નામના ક્ષત્રિયની સામે બ્રાહ્મણોએ,ક્ષત્રિય અને શુદ્રની સહાયથી બનેલ સેનાથી યુદ્ધ માંડ્યું હતું પણ તેમાં વારંવાર ભંગાણ પડતું હતું,ત્યારે ક્ષત્રિયોની સલાહથી બ્રાહ્મણોએ પોતાનામાંથી એક યુદ્ધનીતિમાં કુશળ બ્રાહ્મણને સેનાપતિ કર્યો ને યુદ્ધમાં ક્ષત્રિયોનો પરાજય કર્યો હતો.એટલે આ પ્રમાણે હે પિતામહ,આપ શત્રુને જીતવા,નીતિમાં શુક્રાચાર્ય જેવા છો,મારા હિતૈષી છો,કાળ વડે અવધ્ય છો ને ધર્મમાં અડગ છો,માટે આપ અમારા સેનાપતિ થાઓ.'
ભીષ્મએ કહ્યું-'હે દુર્યોધન,તું કહે છે તે યથાર્થ છે પરંતુ મને,જેવા તમે છો એવા જ પાંડવો છે.માટે,મારે પાંડવોને તેમના કલ્યાણની વાત કહેવી એ મારુ કર્તવ્ય છે,ને મેં તને વચન આપ્યું છે તે પ્રમાણે મારે તેઓની સાથે યુદ્ધ કરવું તે પણ યોગ્ય છે.
અર્જુન સિવાય આ પૃથ્વીમાં મારા સમાન બીજા કોઈ યોધ્ધાને હું જોતો નથી.અર્જુન દિવ્ય અસ્ત્રોને જાણે છે તો પણ એટલું ઠીક છે કે તે સંગ્રામમાં મારી સામે ઉઘાડો પાડીને કદી પણ યુદ્ધ કરશે નહિ.હું શસ્ત્રના બળથી એક ક્ષણમાં જ દેવ,દૈત્ય તથા રાક્ષસોની સાથે આ જગતને મનુષ્ય વિનાનું કરી નાખું એવું મારુ સામર્થ્ય છે,તો પણ હું મારા હાથે પાંડવોનો નાશ કરીશ નહિ,માત્ર તને સહાય કરવા માટે હું શસ્ત્રના પ્રયોગથી રોજ રોજ પાંડવોના દશ હજાર યોદ્ધાઓને સંહાર કરીશ.
પ્રથમ સમાગમમાં જ જો તેઓ મારો વધ નહિ કરે તો હું એ રીતે તેઓનો નાશ કરીશ એવો મારો ઠરાવ છે.(22)
હવે,એક બીજો મારો ઠરાવ છે,તે જો તને કબુલ હોય તો જ હું તારો સેનાપતિ થઈશ.સંગ્રામમાં સૂતપુત્ર કર્ણ મારી
અત્યંત સ્પર્ધા કરે છે,માટે કાં તો પ્રથમ કર્ણ યુદ્ધ કરે કે હું યુદ્ધ કરું.યુદ્ધમાં જો કર્ણ હશે તો,હું યુદ્ધ કરીશ નહિ'
તે સાંભળીને કર્ણ બોલ્યો-'ભીષ્મ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી હું કોઈ રીતે યુદ્ધ કરીશ નહિ'
તે પછી,દુર્યોધને ભીષ્મનો સેનાપતિપદ પર અભિષેક કર્યો.તે વખતે,રાજાની આજ્ઞાથી અવ્યગ્ર ચિત્તવાળા વગાડનારાઓ હજારો ભેરીઓ ને શંખો વગાડવા લાગ્યા.વાદળ વિનાના આકાશમાંથી રુધિરવાળા કાદવની વૃષ્ટિ થવા લાગી.યોદ્ધાઓને નિરુત્સાહ કરી નાખે તેવા કડાકા ભડાકા થવા લાગ્યા,પૃથ્વી કંપવા લાગી ને હાથીઓ ગર્જનાઓ કરવા લાગ્યા.આકાશમાંથી બળતાં ઉંબાડીયા પડવા લાગ્યાં અને અનિષ્ટ સૂચવનારી શિયાળવીઓ અત્યંત ઉગ્ર શબ્દો કરવા લાગી.
આવાં ભયંકર ચિહ્રનો વચ્ચે જ દુર્યોધને,ભીષ્મને સેનાપતિ કરીને,ઉત્તમ બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું ને તેમને દક્ષિણાઓ આપી.ને તે જ વખતે ભીષ્મને આગળ કરીને,પોતાના ભાઈઓની સાથે,સૈનિકોથી વીંટાઇને પ્રચંડ સેના સાથે લઈને કુરુક્ષેત્રની તરફ દુર્યોધને પ્રયાણ કર્યું.ને કુરુક્ષેત્રમાં બધે ફરીને સપાટ પ્રદેશમાં તેણે પોતાની છાવણી નાખી.(36)
અધ્યાય-156-સમાપ્ત