અધ્યાય-૧૫૭-બલરામ તીર્થયાત્રા કરવા ગયા
II जनमेजय उवाच II आपगेयं महात्मानं भीष्मं शस्त्रभृतांवरम् I पितामहं भारतानां धवजं सर्वमहिक्षिताम् II १ II
જન્મેજયે પૂછ્યું-'ગંગાપુત્ર,ભીષ્મપિતામહને,આ વિશાળ રણયજ્ઞમાં લાંબા કાળને માટે
દીક્ષિત થયેલા સાંભળીને,યુધિષ્ઠિર,અર્જુન અને શ્રીકૃષ્ણે શું કહ્યું?'
વૈશંપાયને કહ્યું-'મહાબુદ્ધિમાન યુધિષ્ઠિરે,પોતાના સર્વ ભાઈઓ અને શ્રીકૃષ્ણને પોતાની પાસે બોલાવીને તેઓને સાંત્વનપૂર્વક કહ્યું કે-'તમે સર્વ સૈન્યમાં ફરીને તેની તપાસ રાખો ને બખ્તરો ચડાવીને સજ્જ રહો કેમ કે તમારે પ્રથમ ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરવું પડશે.એટલા માટે તમે સાત અક્ષૌહિણી સેનાના સાત સેનાપતિ પ્રથમ યોજના કરો.'
શ્રીકૃષ્ણે કહ્યું-'હે ભરતશ્રેષ્ઠ,આવે સમયે તમારે જેવું કહેવું જોઈએ તેવું જ અર્થયુક્ત વાક્ય તમે એ બોલ્યા છો'
તે પછી યુધિષ્ઠિરે,દ્રુપદ,વિરાટ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,ધૃષ્ટકેતુ,પાંચલ્ય,શિખંડી અને મગધરાજ સહદેવને પોતાની પાસે બોલાવીને તે સાતનો વિધિપૂર્વક,સાત અક્ષૌહિણી સેનાના સેનાપતિપદ પર અભિષેક કર્યો અને ધૃષ્ટદ્યુમ્નનો સર્વ સેનાનો મુખ્ય સેનાપતિ કર્યો,કારણકે ધૃષ્ટદ્યુમ્ન દ્રોણના વિનાશને માટે જ પ્રદીપ્ત અગ્નિથી પ્રગટ થયો હતો.અને સર્વ સેનાપતિઓના અધિપતિ તરીકે નિંદ્રાને જીતનારા અર્જુનની નિમણુંક કરી તથા શ્રીકૃષ્ણને અર્જુનના સારથી અને અર્જુનના નેતા તરીકે નીમ્યા.
ત્યારે અક્રૂર,ગદ,સાંબ.ઉદ્ધવ,રૂક્ષ્મિણીપુત્ર આદિ સાથે હળના આયુધવાળા બલરામે પાંડવોની છાવણીમાં પ્રવેશ કર્યો.તેમને જોતાં જ શ્રીકૃષ્ણ અને સર્વેએ ઉભા થઈને તેમનો સત્કાર કર્યો.બલરામે પણ વૃદ્ધ વિરાટ અને દ્રુપદને પ્રણામ કર્યા ને યુધિષ્ઠિર સાથે આસન પર બેસી અને સર્વની સામે જોઈને તેમણે કહ્યું કે-'આ દારુણ યુદ્ધ થશે અને તેમાં પુરુષોનો મહાભયંકર સંહાર થશે,જોકે હું આ યુદ્ધને દૈવે જ કરેલું માનું છું અને તે કોઈથી ફેરવી શકાય નહિ તેવું છે.એટલા માટે હું તમને સર્વેને અક્ષત શરીરવાળા પાછા જોઉં તેટલી જ ઈચ્છા રાખું છું.
મેં વાસુદેવને એકાંતમાં ઘણીવાર કહ્યું કે-'તું આપણા સંબંધીઓમાં સમાન વર્તન રાખ.આપણે માટે જેવા પાંડવો છે તેવો જ દુર્યોધન છે.માટે તું તેને પણ સહાય કર.કારણકે તે પણ વારંવાર સહાય માટે વિનંતી કરવા આવે છે' હે યુધિષ્ઠિર,મેં આમ કહ્યું છતાં પણ તમારે લીધે કૃષ્ણે મારુ કહેવું કર્યું નથી.એક અર્જુન તરફ જોઈને શ્રીકૃષ્ણે પોતાનું તન-મન-ધન તમને જ સમર્પણ કરી દીધું છે.આ ઉપરથી પાંડવોનો જ જય થશે એમ હું માનું છું અને વાસુદેવનો પણ તેવો જ આગ્રહ જણાય છે.શ્રીકૃષ્ણ વિનાના જગતને જોવાની હું ઈચ્છા રાખતો નથી અને તેથી જ શ્રીકૃષ્ણની કર્તવ્યેચ્છાને હું અનુસરું છું.
ગદાયુદ્ધમાં કુશળ ભીમ અને દુર્યોધન એ બંને મારા શિષ્યો છે અને તેથી મારો તે બંને પર સમાન સ્નેહ છે.કૌરવોનો મારા દેખાતા નાશ થાય તે હું જોઈ રહું એ વાત અશક્ય છે,માટે હું તો સરસ્વતીનાં તીર્થોનું સેવન કરવા ચાલ્યો જાઉં છું'
આમ કહી,પાંડવોની રજા લઈને તથા વળાવવા આવેલા શ્રીકૃષ્ણને પાછા વાળીને બલરામ જાત્રાએ નીકળી ગયા.
અધ્યાય-157-સમાપ્ત