May 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-813

 

અધ્યાય-૧૫૮-રૂક્મી ને પાછો કાઢ્યો 


II वैशंपायन उवाच II एतास्मिन्नेव काले तु भीष्मकस्य महात्मनः I हिरण्यरोम्णो नृपते साक्षादिंद्रसखस्य वै II १ II

વૈશંપાયને કહ્યું-'એ જ સમયે ઇન્દ્રના મિત્ર ને હિરણ્યરોમા નામથી પ્રસિદ્ધ,દક્ષિણદેશના અધિપતિ,ભોજવંશી ભીષ્મકરાજાનો રુક્મી નામનો પુત્ર પાંડવો પાસે આવ્યો.તે ગંધમાદન પર્વત પર રહેનારા ગંધર્વ દ્રુમનો શિષ્ય હતો ને સંપૂર્ણ ધનુર્વેદ શીખ્યો હતો.જે રૂક્મીને,મહેન્દ્રનું 'વિજય' નામનું દિવ્ય ધનુષ્ય મળ્યું હતું.સ્વર્ગમાં રહેનારા દેવોનાં ત્રણ ધનુષ્યો જ દિવ્ય કહેવાય છે.તેમાંનું એક વરુણનું 'ગાંડીવ' (જે અર્જુન પાસે હતું) બીજું મહેન્દ્રનું આ 'વિજય' અને ત્રીજું વિષ્ણુનું 'સારંગ' (કે શ્રીકૃષ્ણ ધારણ કરે છે).ગાંડીવ ધનુષ્ય અર્જુનને ખાંડવવનમાં અગ્નિ પાસેથી મળ્યું હતું.મેઘના જેવા શબ્દવાળા 'વિજય' ધનુષ્યને મેળવી,જાણે આખા જગતને ભય પમાડતો હોય તેમ તે રૂક્મી,પાંડવોની પાસે આવ્યો હતો.

પોતાના બાહુબળથી ગર્વિત થયેલો તે વીર રૂક્મી,પૂર્વે વાસુદેવે કરેલા રુક્મિણીના હરણને સહન કરી શક્યો ન હતો અને 'જનાર્દનને માર્યા વગર હું પાછો આવીશ નહિ' એવી પ્રતિજ્ઞા કરીને ચતુરંગિણી સેના સાથે લઈ,એ શ્રીકૃષ્ણ પાછળ પડ્યો હતો,ને તેમની સાથેના યુદ્ધમાં તે હારી ગયો હતો તેથી શરમાઈને તે કુંડીનનગરમાં પાછો ગયો નહોતો અને જ્યાં શ્રીકૃષ્ણે,તેને હરાવ્યો હતો ત્યાં જ ભોજકટ નામનું નગર વસાવીને પોતાના સૈન્ય સાથે રહ્યો હતો.


પાંડવોની મહાસેનામાં તે આવ્યો ત્યારે સામસામો સત્કાર થયા પછી તે રૂક્મી અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,તું જો ભયભીત થયો હોય તો હું યુદ્ધમાં તને સાથ આપવા તૈયાર છું.સંગ્રામમાં સામે દ્રોણ,કૃપ,ભીષ્મ કે કર્ણ હશે તો હું એકલોજ તે શત્રુઓનો નાશ કરીને તારા હાથમાં આખી પૃથ્વી આપવા તૈયાર છું' ત્યારે અર્જુને શ્રીકૃષ્ણ તરફ જોઈ મિત્રભાવથી હાસ્ય કરીને કહ્યું કે-'હું પાંડુપુત્ર,દ્રોણશિષ્ય ને હાલ વાસુદેવની સહાયતાવાળો 'ગાંડીવ' ધારણ કરું છું.મેં એકલાએ જ વિરાટનગરમાં અનેક કૌરવો સાથે યુદ્ધ કર્યું હતું.ત્યાં મારો સહાયક કોણ હતો? 'હું ભય પામ્યો છું' એવું યશને હરણ કરનારું વચન,કોઈ પણ પુરુષ સાક્ષાત ઇન્દ્રની આગળ પણ ન બોલી શકે.હે રાજા,હું ભય પામ્યો નથી અને મને સહાયકની જરૂર પણ નથી.માટે તમે તમારી ઈચ્છા પ્રમાણે ને અનુકૂળતા પ્રમાણે અહીં રહો કે બીજે જવું હોય તો ત્યાં જાઓ' (35)


અર્જુને એ પ્રમાણે કહ્યું એટલે તે રૂક્મી પોતાની સેના લઈને દુર્યોધન પાસે ગયો.અને તેને પણ તેવાં જ વચન કહ્યાં.તે વખતે પોતાને શૂરવીર માનનારા દુર્યોધને પણ તેની સહાયતા લેવાની ના પાડી,તેથી ત્યાંથી પણ તે રૂક્મી પાછો વળ્યો.

આ રીતે યુદ્ધમાંથી બલરામ અને રૂક્મી એ બે જણા જ દૂર થયા હતા.તે પછી પાંડવો ફરીથી મસલત કરવા બેઠા.(40)

અધ્યાય-158-સમાપ્ત