અધ્યાય-૧૫૯-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ
II जनमेजय उवाच II तथा व्युढेष्वनिकेषु कुरुक्षेत्रे द्विजर्षभ I किमकुर्वश्च कुरवः कालेनाभिप्रचोदिताः II १ II
જન્મેજયે પૂછ્યું-હે દ્વિજશ્રેષ્ઠ,કુરુક્ષેત્રમાં સેનાઓ તે પ્રમાણે વ્યૂહરચનામાં ગોઠવાઈ ગયા પછી
કાળવડે પ્રેરાયેલા કૌરવોએ શું કર્યું?
વૈશંપાયને કહ્યું-ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-'હે સંજય,તું અહીં આવ,અને કૌરવ-પાંડવની છાવણીમાં જે વૃતાંત બન્યો હોય,તેમાંથી કંઈ પણ બાકી ન રાખીને સર્વ મને કહે.હું દૈવને જ શ્રેષ્ઠ માનું છું ને પુરુષાર્થને નિરર્થક માનું છું,કારણકે હું પરિણામે વિનાશ ઉત્પન્ન કરનારા યુદ્ધના દોષોને જાણું છું,તો પણ કપટબુદ્ધિવાળા મારા પુત્રને કબ્જે રાખવામાં સમર્થ થતો નથી.મારી બુદ્ધિ મારા કાર્યના દોષોને અવશ્ય જુએ છે પણ દુર્યોધનને મળતાં જ પાછી ફરી જાય છે.આવી વસ્તુસ્થિતિ છે માટે જે થવાનું હશે તે થશે.ક્ષત્રિયોએ રણમાં દેહનો ત્યાગ કરવો,એ તેઓનો માન્ય ધર્મ જ છે'(7)
સંજયે કહ્યું-હે મહારાજ,તમે સેનાસંબંધી જે પ્રશ્ન કર્યો,તે તમારી ઈચ્છા પ્રમાણે યોગ્ય છે પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી,તેનું કારણ હું કહું છું તે તમે સાંભળો.જે મનુષ્ય પોતાના દુરાચરણને લીધે દુઃખી થાય છે,તેણે દેવોને તથા કાળને માથે દોષ દેવો યોગ્ય નથી.જે પુરુષ,મનુષ્યોમાં સર્વ પ્રકારનાં નિંદિત કાર્યો કરે છે,તે નિંદિત કામો કરનારો સર્વ લોકોના હાથે નાશ પામવા યોગ્ય છે (10)
હે રાજા,દ્યુતમાં કપટથી હરાવેલા પાંડવોએ,દુર્યોધન તરફથી અનેક તિરસ્કારો અનુભવ્યા છે,ને હવે રાજ્યભાગ,ના મળવાથી યુદ્ધ આરંભાયું છે.હે રાજન,શુભ કે અશુભ કર્મ કરવામાં માનવી સ્વતંત્ર નથી પણ,લાકડાના યંત્રની જેમ તે પરાધીન થઈને શુભાશુભ કાર્યો કરે છે.કર્મ કરવાના સંબંધમાં ત્રણ પ્રકારના મતો જોવામાં આવે છે.કેટલાએક કહે છે કે પ્રાણીઓ ઈશ્વરની પ્રેરણાથી કર્મ કરે છે,કેટલાએક કહે છે કે દૈવ (પ્રારબ્ધ)થી કર્મો કરે છે અને કેટલાએક કહે છે કે પૂર્વકર્મ પ્રમાણે કર્મ કરે છે.
અર્થાંત કર્મસંબંધમાં એક નિશ્ચય નથી.માટે કોઈ પણ કારણથી અનર્થમાં સપડાયેલા તમે મનને સ્થિર કરી સાંભળો.(15)
અધ્યાય-159-સમાપ્ત
સૈન્યનિર્યાણ પર્વ સમાપ્ત