ઉલૂક દૂતાગમન પર્વ
અધ્યાય-૧૬૦-દુર્યોધને ઉલૂક દૂતની સાથે સંદેશો કહાવ્યો
II संजय उवाच II हिरण्वत्यां निविष्टेषु पांडवेषु महात्मसु I न्यविशंत महाराज कौरवेया यथाविधि II १ II
સંજયે કહ્યું-મહાત્મા પાંડવોએ હિરણ્યવતી નદીના તીર પર પડાવ નાખ્યો,ત્યારે કૌરવોએ પણ વિધિ પ્રમાણે છાવણીમાં નિવાસ કર્યો.યુદ્ધની સર્વ વ્યવસ્થા કર્યા પછી,દુર્યોધને કર્ણ,દુઃશાસન ને શકુનિને બોલાવી એકાંતમાં મસલત કરીને,(શકુનિ પુત્ર)ઉલૂકને તેડાવી,તેને કહ્યું કે-'હે જુગારીના પુત્ર ઉલૂક,તું સોમકોની સાથે રહેનારા પાંડવોની પાસે જા અને ત્યાં જઈને શ્રીકૃષ્ણના સાંભળતા મારો સંદેશો પ્રથમ ભીમને કહેજે કે-'વાસુદેવની સહાયતાવાળા તેં,તારા ભાઈઓની વચ્ચે,પોતાની પ્રશંસાનાં જે મોટાં વચનો, ગર્જના કરીને ઉચ્ચાર્યા છે તે વચનો,સંજયે અમને કહ્યાં છે એટલે,હવે તે વચનોને સફળ કરવાનો સમય હવે આવી ગયો છે.તેં જે પ્રતિજ્ઞાઓ કરી છે તે હવે સત્ય કરી દેખાડ.'
પછી,યુધિષ્ઠિરને તું મારા વતી કહેજે કે-'તમે ધાર્મિક થઈને પોતાના મનને શા માટે અધર્મમાં પ્રેરો છો?ક્રૂર થઈને સર્વ ભાઈઓની સાથે આખું જગત નાશ પામે,એમ શા માટે ઈચ્છો છો? હું ધારતો હતો કે તમે (રાજ્યભાગ છોડીને) સર્વને અભયદાન આપશો !
પૂર્વે,દેવોએ પ્રહ્રાદનું રાજ્ય હરી લીધું હતું ત્યારે તેણે એક શ્લોક કહ્યો હતો કે-'હે દેવો,જેમાં ધર્મચિહ્નન (ભસ્મ-રુદ્રાક્ષ-આદિ) ધ્વજાની જેમ ફરકતાં હોય અને પાપો ગુપ્ત હોય,તે વ્રતને 'બૈડાલ વ્રત' (બિલાડાનું વ્રત) કહેવામાં આવે છે.
આ વિષે નારદે આખ્યાન કહ્યું હતું કે-
પૂર્વે કોઈ એક દુષ્ટ અંતઃકરણવાળો બિલાડો ગંગાના તીર પર સર્વ કર્મ છોડી દઈને,બે આગળ પગ ઊંચા રાખીને ઉભો રહ્યો.ને પ્રાણીઓનો વિશ્વાસ ઉપજાવવા હિંસાનો ત્યાગ કરીને,સર્વ પ્રાણીઓને કહેવા લાગ્યો કે-'હું ધર્મસેવન કરું છું' આ પ્રમાણે ઘણો લાંબો સમય ગયા પછી,ઉંદરો તેનો વિશ્વાસ કરવા લાગ્યા ને તે બિલાડા પાસે પોતાના રક્ષણની માગણી કરી,ત્યારે 'હું તેમ કરીશ' એમ કહીને બિલાડાએ તેમની માગણીનો સ્વીકાર કર્યો.પછી,ઉંદરોએ પોતાના વૃદ્ધ-બાળક વગેરે ઉંદરો,બિલાડાની રક્ષણ હેઠળ મુક્યા.ત્યારે,તે દુષ્ટ અંતઃકરણવાળો બિલાડો તે ઉંદરોના ભક્ષણ કરવાથી અત્યંત પુષ્ટ બન્યો.ઉંદરોની વસ્તી ક્ષીણ થવાથી,
ડિંડીક નામના ઉંદરે,બિલાડાની (દંભની) છુપી વાત ખોળી કાઢી ત્યારે સર્વ ઉંદરો ત્યાંથી ભાગી ગયા.'(41)
તે જ રીતે,હે દુષ્ટ મનવાળા (યુધિષ્ઠિર),તેં પણ,બિલાડાના જેવું વ્રત ધારણ કરેલું છે અને બિલાડો જેમ,ઉંદરોની સાથે ધર્મના ઢોંગથી વર્તાતો હતો,તેમ તું પણ સદા પોતાની જ્ઞાતિમાં વર્તે છે.તારું બોલવું જુદું અને કરવું જુદું જણાય છે,એ ઉપરથી તારું વેદાધ્યન તથા શાંતિ છેતરવા માટે જ છે.તું આ અજાતશત્રુપણાનો ઢોંગ છોડી દઈને,ક્ષાત્રધર્મનો આશ્રય કરી સર્વ કાર્યો કર.
પોતાના બાહુબળથી પૃથ્વી સંપાદન કરીને પછી બ્રાહ્મણોને દાન આપ ને પિતૃઓનો સત્કાર કર.ઘણાં વખતથી તારી માતા પારકે ઘેર દુઃખી થાય છે ને રડે છે,તેના હિતમાં તત્પર થા.
તેં અમારી પાસે પાંચ ગામની માંગણી કરી,ને અમે તે આપ્યાં નહિ એનું કારણ એ જ છે કે અમે તમને શી રીતે ચિઢવીએ?કે જેનાથી સંગ્રામમાં લડવાનો પ્રસંગ બને.તારે લીધે અમે દુષ્ટ ભાવવાળા વિદુરનો ત્યાગ કર્યો હતો.તમને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો હતો તે તું યાદ કર અને પુરુષપણું ધારણ કર.યુદ્ધ કરવાને માટે જ અમે સર્વ ખટપટ કરી છે.તેં દ્રોણ પાસે અસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરી છે અને બળ તથા કુળમાં મારા સમાન છે,ને તેં વાસુદેવનો આશ્રય કરેલો છે તેથી તારે યુદ્ધથી ડરવા જેવું નથી.