May 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-816

 

દુર્યોધને,(ઉલૂકને સંદેશો આપતાં)કહ્યું કે-હે ઉલૂક,તારે પાંડવોની સમીપમાં જ વાસુદેવને કહેવું કે-તમે પોતાના માટે કે પાંડવોની માટે સજ્જ થઈને મારી સાથે યુદ્ધ કરો.તમે કૌરવોની સભામાં માયા વડે જે રૂપ ધારણ કર્યું હતું તેવું જ રૂપ લઈને અર્જુન સાથે મારી સામે યુદ્ધ કરવા દોડી આવો.ઇંદ્રજાળ,માયા કે કૃત્યા વગેરે સામાન્ય મનુષ્યોમાં જ ભય ઉત્પન્ન  કરે છે,શસ્ત્રધારી પુરુષોને તો તે સંગ્રામમાં વીરશ્રી ઉત્પન્ન કરે છે,અમને તમારી માયાનો ભય નથી,ભયદર્શનથી કાર્યની સિદ્ધિ થતી નથી.ખરી રીતે તો એક વિધાતા જ પોતાની ઈચ્છા વડે પ્રાણીઓને તાબે કરે છે.તમે જે સંજય સામે બોલ્યા હતા કે-'હું સંગ્રામમાં ધૃતરાષ્ટ્ર પુત્રોને મારી પાંડવોને ઉત્તમ રાજ્ય આપીશ' તો તે વચન સત્ય કરવા સજ્જ થઈને રણભૂમિમાં યુદ્ધ કરો.

હે કૃષ્ણ,જગતમાં તારો મોટો યશ,અકસ્માત જ ફેલાઈ ગયો છે,પણ આજે અમે જાણીશું કે-જેમ,મોટા શિંગડાંવાળા બળદો ષંઢ હોય છે,તેમ,દાઢી-મૂછ વગેરે પુરુષચિહ્નવાળા પુરુષો પણ ષંઢ-નિર્વીર્ય હોય છે.તારા જેવા (નિર્બળ) સાથે મારા જેવો કોઈ રાજા કોઈ પણ રીતે રણમાં યુદ્ધ કરવા યોગ્ય નથી જ,છતાં તું સજ્જ થા હું લડવા તૈયાર છું.


હે ઉલૂક,તું પેલા ખાઉધરા,આખલાના જેવા ભીમને કહેજે કે-પૂર્વે તેં સભામાં જે પ્રતિજ્ઞા કરી હતી તે મિથ્યા થવા દઈશ નહિ.તારામાં સામર્થ્ય હોય તો દુઃશાસનનું રુધિરનું પાન કર.તું કહે છે કે તું,ધૃતરાષ્ટ્ર પુત્રોને એક તડાકે જ મારી નાખીશ તો હવે તેનો સમય આવી ગયો છે.તું એકવાર પુરુષાર્થ ધારણ કરીને યુદ્ધ કર એટલે,મારાથી હણાયેલો તું ગદાને ભેટીને પૃથ્વી પર શયન કરીશ.ને તું જે બક્યો હતો તે સર્વ મિથ્યા થઇ જશે.


હે ઉલૂક,તું નકુલ અને સહદેવને કહેજે કે-યુધિષ્ઠિરનો પ્રેમ,મારા પ્રત્યેનો દ્વેષ અને દ્રૌપદીને પડેલાં કષ્ટોનું સ્મરણ કરીને રણમાં યુદ્ધ માટે તૈયાર થઇ જાય.હે ઉલૂક,વિરાટ અને ધૃષ્ટદ્યુમ્નને કહેજે કે-તમે એકઠા મળીને મારા વધને માટે,પોતાના માટે તથા પાંડવોના ભલા માટે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઇ જાઓ,સંગ્રામમાં દ્રોણનો ભેટો થતાં જ તમને તમારા ઉત્તમ હિતનું ભાન થઇ જશે જ.હે ઉલૂક,શિખંડીને કહેજે કે-ગંગાપુત્ર ભીષ્મ તને સ્ત્રી માનીને મારશે નહિ,તો તું સારી રીતે નિર્ભય થઈને રણમાં સાવધાન થઈને યુદ્ધ કર,ને ત્યારે અમે તારી મર્દાઈ કેવી છે? તે જોઈશું.


હે ઉલૂક,અર્જુનને તું કહેજે કે-'તું કાં તો અમારો પરાજય કરીને પૃથ્વીનું રાજ્ય કર કે અમારાથી પરાજય પામીને રણમાં શયન કર.તને રાજ્યમાંથી હાંકી કાઢ્યો તે કષ્ટ અને દ્રૌપદીનાં કષ્ટો સંભારીને હવે પુરુષાર્થ ધારણ કર.ક્ષત્રિયાણી જે કાર્ય માટે પુત્રને જન્મ આપે છે તે સર્વ કાર્ય કરવાનો હવે સમય આવી પહોંચ્યો છે માટે તું યુદ્ધમાં અંગબળ,શૌર્ય દેખાડીને તારા ક્રોધને સફળ કર.તેં સભામાં જે મોટામોટા વચનો કહ્યાં હતાં તે હવે તું કર્મથી કરી દેખાડ.દેશનિકાલનું દુઃખ અને દ્રૌપદીના દુઃખને સંભારીને તું પુરુષ થા.વારંવાર અપ્રિય વચન કહેનારા શત્રુઓ (અમારા)પર તું તારો ક્રોધ દેખાડ કારણકે ક્રોધ એ જ પુરુષાર્થ છે.


તું બકબક કર્યા કરે છે પણ સંગ્રામમાં કર્ણ,શલ્ય ને મહાબળવાન દ્રોણને,રણમાં જીત્યા વિના તું આ લોકમાં રાજ્ય લેવાની ઈચ્છા રાખે છે તે મિથ્યા જ છે.આ યુદ્ધમાં જીવવાની આકાંક્ષાવાળો કયો પુરુષ દ્રોણના સપાટામાં આવ્યા પછી પાછો ક્ષેમકુશળ જઈ શકે તેમ છે? દ્રોણ અને ભીષ્મે જેને મારવા ધાર્યો હોય,તે તેમના અસ્ત્રોના ઝપાટામાંથી જીવતો કેમ રહી શકે?

દેવસેનાના દેખાવવાળી અમારી એકઠી મળેલી રાજસેનાને,કુવામાં રહેલ દેડકાની જેમ તું ઓળખતો નથી શું? અપાર ગંગાના વેગની જેમ સારી રીતે વૃદ્ધિ પામેલા અનેક જાતના યોધ્ધાઓના સમૂહની સામે અને તેમની વચ્ચે રહેલા મારી સામે તું યુદ્ધ કરવાની ઈચ્છા કરે છે કે? તારા,ધનુષ્ય,રથ અને દિવ્ય બાણોને અમે સંગ્રામમાં જાણીશું.


માટે હે અર્જુન,બકવાદ કર્યા વિના યુદ્ધ કર,બહુ ફડાકા કેમ મારે છે? તારા સહાયક કૃષ્ણને,તારા ગાંડિવને અને તારા જેવો કોઈ યોદ્ધો નથી તે હું જાણું છું,ને તે સઘળું જાણીને જ તારું રાજ્ય (યુદ્ધ માટે) મેં હરી લીધું છે.'મનુષ્ય રાજપુત્ર છે,માટે રાજ્યને પાત્ર છે' એવા ક્રમધર્મથી સિદ્ધિ મેળવતો નથી પણ શૌર્યથી જ સિદ્ધિ મેળવે છે.માત્ર એક વિધાતા જ પોતાના સંકલ્પથી અનુકૂળ ભાવોને વશ કરે છે,મનુષ્યમાં તે સામર્થ્ય નથી.તમને મારીને હું જ રાજ્ય ભોગવીશ.દ્યુતમાં તમે જયારે અમારા દાસ બન્યા હતા ત્યારે તારું ગાંડીવ અને ભીમસેનનું બળ ક્યાં ગયું હતું? તે વખતે તે વિપત્તિમાંથી દ્રૌપદી (એક સ્ત્રી)એ જ તમને મુક્ત કર્યા હતા.

મેં તમને તે વખતે ષંઢતલ નિર્વીર્ય કહીને બોલાવ્યા હતા તે ખરું જ છે,કારણકે વિરાટનગરમાં તેં માથે ચોટલો રાખ્યો હતો,ને ભીમ રસોઈના કામથી થાકી જતો હતો.તમારી એ દુર્બળતા એ મારુ જ પરાક્રમ હતું.ક્ષત્રિયો,ક્ષત્રિયને આ પ્રમાણે જ શિક્ષા કરે છે.


હે અર્જુન,હું વાસુદેવના ભયથી કે તારા ભયથી રાજ્ય પાછું આપીશ નહિ માટે તું વાસુદેવને સાથે રાખીને યુદ્ધ કર.

અરે,હજારો વાસુદેવો કે સેંકડો અર્જુનો,મારા જેવા સફળ બાણવાળા યોદ્ધાઓની સામે આવતાં જ દશે દિશામાં નાસી જશે.

ભીષ્મની સામે યુદ્ધ કરવું એટલે મસ્તક વડે પર્વતને તોડી પાડવો કે બે હાથ વડે અગાધ સમુદ્રને તરી જવા સમાન દુષ્કર છે.

ભીષ્મ,દ્રોણ,કર્ણ,શલ્ય,કૃપ,જયદ્રથ,શકુનિ -આદિ યોદ્ધાઓથી બનેલી અખૂટ અને સર્વ તરફથી વૃદ્ધિ પામેલા સેનાસમુદ્રમાં પ્રવેશ કરતાં જ શ્રમને લીધે તારું ભાન નાશ પામશે અને જેમ,અપવિત્ર મનુષ્યનું મન,સ્વર્ગ મેળવવાની આશા છોડી પાછું વળે છે,તેમ,તે વખતે તારું મન પૃથ્વીના રાજ્યની આશાથી પાછું વળશે.જેમ,તપોહીન મનુષ્ય સ્વર્ગની ઈચ્છા કરે પરંતુ તેને સ્વર્ગ દુર્લભ છે તેમ,તને આ રાજ્ય મળવું દુર્લભ છે (125)

અધ્યાય-160-સમાપ્ત