Jun 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-840

 

અધ્યાય-૧૮૬-અંબાની તપશ્ચર્યા 


II राम उवाच II प्रत्यक्षमेतल्लोकानां सर्वेषामेव भाविनि I यथाशक्त्य मया युद्धं कृतं वै पौरषं परम् II १ II

પરશુરામે કહ્યું-'હે ભાવિની કન્યા,આ સર્વ લોકની સમક્ષ મેં મારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીને મારું ઉત્તમ પરાક્રમ કરી દેખાડ્યું છે.મેં સર્વ અસ્ત્રો પ્રગટ કર્યાં છતાં હું ભીષ્મથી ચઢિયાતો થવા સમર્થ થતો નથી.મારી પરમ શક્તિ ને બળ એ જ છે માટે હે કલ્યાણી,હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અથવા બોલ,હું તારું બીજું શું કામ કરું? હું તો કહું છું કે તું ભીષ્મને જ શરણે જા,તે વિના તારી બીજી કોઈ ગતિ નથી.તારું આ કામ કરવા હું અસમર્થ છું.'

અંબા કહેવા લાગી કે-'હે ભગવન,આપે શક્તિ ને ઉત્સાહ પ્રમાણે પરાક્રમ કર્યું છે,હું આપનો દોષ જોતી નથી.પણ હવે હું ભીષ્મની પાસે કોઈ પણ રીતે જઈશ નહિ,હું તો ત્યાં જઈશ કે જ્યાં રહેવાથી હું પોતે ભીષ્મનો નાશ કરીશ.'

આમ કહી તે અંબા તપ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને ત્યાંથી ચાલી ગઈ.અને યમુના નદીના તિર પર આવેલા આશ્રમમાં જઈને ત્યાં અલૌકિક તપ કરાવવા લાગી.પ્રથમ છ માસ માત્ર વાયુનો આહાર કરી,પછી છ માસ નિરાહાર રહી જળમાં ઉભા રહી,ને તે પછી એક વર્ષ તેણે ખરી પડેલા એક પાંદડાનો આહાર કરી,પગના અંગુઠાના ટેરવા પર ઉભા રહી તપ કર્યું.આ પ્રમાણે તેણે બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને પૃથ્વી ને સ્વર્ગને પણ તપાવી દીધા.


ત્યારબાદ,ઈચ્છા પ્રમાણે વિચરનારી તે અંબા,દુષ્કર વ્રત ધારણ કરીને પવિત્ર સ્થાનોમાં સ્નાન કરતી રાત્રિદિવસ ફરવા લાગી.એકવખત જળમાં રહેલી ભીષ્મની માતા ગંગાએ તેને પૂછ્યું કે-'હે કલ્યાણી,તું શા માટે દુઃખ વેઠે છે?'

અંબાએ કહ્યું-'હું અજિત ભીષ્મનો નાશ કરવા આ અતિદારુણ તપ કરું છું,ને આ તપનું ફળ પણ તે જ છે'

ગંગાએ કહ્યું-'હે ભાવિની,તું કુટિલભાવથી વર્તે છે,માટે તારી એ ઈચ્છા પૂર્ણ થઇ શકશે નહિ.જો તપ કરતાં તારું શરીર પડી જશે તો તું વરસાદના પાણીને વહેનારી એક ક્ષદ્ર નદી થઈશ કે જેમાં માટે ચોમાસાના ચાર મહિના જ પાણી રહેશે.તું દુષ્ટ તીર્થ ગણાઇશ અને પ્રસિદ્ધિ પામીશ નહિ,તારામાં ભયંકર મગરો રહેશે,તેથી તું ભયંકર થઇ પડીશ'


આ પ્રમાણે કહીને ગંગા ત્યાંથી અંતર્ધાન થઇ ગઈ.પછી,અંબા,પછી કોઈ વખત આઠ મહિના તો કોઈવખત દશ મહિના જળ પણ ન પીતાં નિરાહાર રહેવા લાગી.તીર્થના લોભથી ભ્રમણ કરનારી તે વત્સભુમિમાં ગઈ,ને ત્યાં અંબા નામની નદી થઈને પડી.

તે નદી માત્ર ચોમાસામાં જ વહેનારી,મગરોથી ભરેલી,દુસ્તર અને કુટિલ હતી.આમ,તે કન્યા તપના પ્રભાવથી માત્ર અર્ધ દેહથી વત્સ દેશમાં નદી થઇ ગઈ પણ અર્ધ દેહથી તે કન્યારૂપે કાયમ રહી.(41)

અધ્યાય-186-સમાપ્ત