અધ્યાય-૧૯૬-પાંડવસેના રણભૂમિ પર આવી
II वैशंपायन उवाच II तथैव राजा कौन्तेयो धर्मपुत्रो युधिष्ठिरः I ध्रुष्ट्ध्युम्न मुखान्विरांश्चोदयामास भारत II १ II
વૈશંપાયને કહ્યું-તે જ પ્રમાણે,કુંતી અને ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજાએ ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.ચેદિ,કાશી ને કુરુષ દેશોની સેનાના નેતા,ધૃષ્ટકેતુ,વિરાટ,દ્રુપદ,સાત્યકિ,શિખંડી તથા યુધામન્યુ ને ઉત્તમૌજાને રણભૂમિ પર જવાની સૂચના કરી.પછી,સર્વ સેનાનો યથાયોગ્ય સત્કાર કરીને તેને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.યુધિષ્ઠિરે તે સર્વના માટે ઉત્તમ ખાવાના પદાર્થોની વ્યવસ્થા કરી દીધી હતી.પછી,યુધિષ્ઠિરે,સેનાના પ્રથમ વિભાગમાં,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી,અભિમન્યુ,બૃહન્ત અને દ્રૌપદીના પાંચ પુત્રોને વિદાય કર્યા.બીજા સૈન્ય વિભાગમાં ભીમસેન,યુયુધાન ને અર્જુનને મોકલ્યા.ને બાકી રહેલા રાજાઓ તથા વિરાટ અને દ્રુપદને લઈને યુધિષ્ઠિર પોતે રણભૂમિ પર જવા નીકળ્યા.
થોડેક આગળ જઈને,યુધિષ્ઠિરે,ધૃતરાષ્ટ્રના પુત્રોના નિશ્ચયમાં ભ્રમ ઉપજાવવા માટે,પ્રથમ કરેલી વ્યૂહરચના રદ કરીને ફરીથી તેની યોજના કરી.તે પ્રમાણે,દ્રૌપદીના પાંચ પુત્રો,અભિમન્યુ,નકુલ,સહદેવ આદિને દશ હજાર ઘોડાઓ,બે હજાર હાથીઓ,દશ હજાર પાળાઓ અને પાંચસો રથો-એવો સૈન્યનો અસહ્ય ભાગ ભીમસેનને આપીને તેને વિદાય કર્યો.મધ્યભાગમાં વિરાટ,જયત્સેન,પાંચાલરાજાના પુત્રો,યુધામન્યુ અને ઉત્તમૌજા-એટલાની નિમણુંક કરી.વાસુદેવ અને અર્જુન પણ સેનાના મધ્યભાગમાં જવા લાગ્યા.તેમની પાછળ,વીસ હજાર ઘોડાઓ,પાંચ હજાર હાથીઓ,અનેક રથીઓ અને હજારો પાળાઓ ચાલ્યા.સેનારૂપી સમુદ્રના યુધિષ્ઠિરના વિભાગમાં ઘણા રાજાઓ રહ્યા હતા,ને તેમાં હજારો હાથીઓ,ઘોડાઓ,રથીઓ અને પાળાઓ હતા.ચેકિતાન,ધૃષ્ટકેતુ,સાત્યકિ આદિ રાજાઓ પોતાના સૈન્ય સાથે અહીં ચાલી રહ્યા હતા.ક્ષત્રદેવ અને બ્રહ્મદેવ એ બંને રથોમાં બેસીને તે સેનાના પાછલા ભાગનું રક્ષણ કરતા હતા.સૌચિતિ,શ્રેણીમાન,વસુદાન આદિ રાજાઓ પાછળ વીસ હજાર રથો,દશ કરોડ ઘોડાઓ,વીસ હજાર હાથીઓ ચાલતા હતા.આમ,યુધિષ્ઠિરની સેનામાં સીતેર હજાર હાથીઓ હતા.
આવું વિશાળ યુધિષ્ઠિરનું સૈન્ય હતું કે જે સૈન્યે દુર્યોધનના સૈન્ય સાથે યુદ્ધ કર્યું હતું.(35)
અધ્યાય-196-સમાપ્ત
અંબોપાખ્યાન પર્વ સમાપ્ત
ઉદ્યોગ પર્વ સમાપ્ત