Jun 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-849

 

૬-ભીષ્મ પર્વ 

જંબુખંડ વિનિર્મણ પર્વ 

અધ્યાય-૧-યુદ્ધનિયમ 


II मंगल श्लोक II नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II II १ II

શ્રી નારાયણને,નરોત્તમ એવા નર ભગવાનને અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

તે પછી,જય (મહાભારત) નામધારી ભારતાદિક ગ્રંથનો પ્રારંભ કરવો.

જન્મેજયે પૂછ્યું-હે વૈશંપાયન,પછી,જુદાજુદા દેશોમાંથી આવેલા મહાનુભાવ વીર રાજાઓ,કૌરવો-પાંડવોએ કેવી રીતે યુદ્ધ કર્યું?

વૈશંપાયને કહ્યું-મહાબળવાન સોમકો સહિત પાંડવો તથા કૌરવો,કુરુક્ષેત્રમાં આવીને એકબીજાને જીતવાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરવા લાગ્યા.પાંડવોએ પોતાના યોદ્ધાઓની સાથે દુર્યોધનની સેનાએ સામે આવીને,રણભૂમિના પશ્ચિમ ભાગમાં પડાવ નાખ્યો.યુધિષ્ઠિરે સમંતપંચકથી બહારના ભાગમાં વિધિ પ્રમાણે હજારો છાવણીઓ તૈયાર કરાવી.


હે રાજા,જંબુદ્વીપના જેટલા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે,તેટલા સર્વ ભાગના લોકો આવીને આ સૈન્યમાં જોડાયા હતા.

ત્યાં એકઠા મળેલ સર્વ વર્ણોએ,બહુ યોજનનું મંડળ ઘેરી લીધું હતું.યુધિષ્ઠિરે બહારના પ્રદેશોમાં રહેનારા કૈવર્ત,મ્લેચ્છ,આંધ્ર વગેરેને માટે અતિઉત્તમ પદાર્થોની ને સૂવા વગેરેની આદિ-વ્યવસ્થા કરી દીધી.પછી,બંને પક્ષના યોદ્ધાઓમાં ગોટાળો ન થાય તે માટે સંકેત ઠરાવ્યો ને પોતાના પક્ષના સર્વ યોદ્ધાઓને નિશાનીઓ,સંજ્ઞાઓ તથા અલંકારો આપ્યા.(12)


સામે દુર્યોધને પણ સર્વ રાજાઓની સાથે સૈન્યની વ્યૂહરચના કરીને તે હજારો હાથીઓની વચ્ચે,પોતાના ભાઈઓથી વીંટાઇને ઉભો રહ્યો તે વખતે તેના મસ્તક ઉપર સફેદ રંગનું છત્ર ધારણ કરેલું હતું.દુર્યોધનને સજ્જ થયેલો જોઈને,પાંચાલોએ આનંદમગ્ન થઈને મોટા શંખો ફૂંક્યા ને ભેરીઓ વગાડવા માંડી.વાસુદેવ અને અર્જુને રથમાં બેસીને પાંચજન્ય ને દેવદત્ત નામના દિવ્ય શંખો ફૂંક્યા કે જેનો દવાની સાંભળતાં જ યોદ્ધાઓનાં મળમૂત્ર છૂટી ગયાં ને સૈન્ય ત્રાસ પામી નાસભાગ કરવા લાગ્યું.તેથી એટલી બધી ધૂળ ઉડી કે તેનાથી સૂર્ય પણ ઢંકાઈ ગયો,ને કંઈ પણ ન દેખાય તેવું અંધારું થઇ ગયું.પછી,કાંકરા ઉરાડતો વાયુ વાવા લાગ્યો ને કાંકરાથી સેંકડો ને હજારો સૈનિકો પીડા પામ્યા.પ્રલયકાળ પ્રાપ્ત થતાં ઉછળતા બે સમુદ્રોના જેવો તે બંને સેનાનો સમાગમ અદભુત દેખાતો હતો.


તે પછી,કૌરવો,પાંડવો તથા સોમકોએ મળીને યુદ્ધ કરવાના નિયમો ઠરાવ્યા.બંને પક્ષોનો વિરોધ,પ્રાપ્ત થયેલા યુદ્ધના સમયમાં જ રહે,પણ યુદ્ધ બંધ પડતાં પરસ્પરમાં પ્રીતિ રાખવી.પોતાના સમાન બળવાળાની સાથે જ યુદ્ધ કરવું.વાણીથી યુદ્ધ કરનારાની સાથે વાણીથી જ યુદ્ધ કરવું.સેનામાંથી બહાર નીકળી ગયેલાને મારવા નહિ.રથીએ રથી સાથે,હાથી પર બેઠેલાએ હાથી પર બેઠેલાની સાથે,ઘોડેસ્વારે ઘોડેસ્વાર સાથે,અને પાળાએ પાળા સાથે જ યુદ્ધ કરવું.સામા યોદ્ધાની યોગ્યતા,ઈચ્છા,ઉત્સાહ અને બળ જોઈને પછી તેને હાંક મારીને તેના ઉપર પ્રહાર કરવો.વિશ્વાસમાં રહેલા અથવા વિહવળ થયેલા પર પ્રહાર કરવો નહિ.બીજાની સાથે યુદ્ધમાં જોડાયેલાને,શરણે આવેલાને,વિમુખ થયેલાને,શસ્ત્રહીન થયેલાને અને બખ્તર વિનાના થયેલાને કદી પણ મારવો નહિ.સારથિઓ ઉપર,ઘોડા ને શસ્ત્રો લાવી આપનારા પર અને ભેરી ને શંખ વગાડનારાઓ પર પ્રહાર કરવો નહિ.

આ પ્રમાણે યુદ્ધના નિયમો ઠરાવીને,સેનાપતિઓએ પોતાના સૈન્યમાં પ્રવેશ કર્યો (34)

અધ્યાય-1-સમાપ્ત