Jun 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-850

 

અધ્યાય-૨-વ્યાસદર્શન અને દુશ્વિહ્ન કથન 


II वैशंपायन उवाच II ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवानृपि: I सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,પૂર્વ અને  પશ્ચિમમાં ગોઠવાયેલાં તે બંને પક્ષોનાં સૈન્યોને જોઈને,સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ,ભારતોના પિતામહ,સત્યવતીના પુત્ર ને ભૂત,ભવિષ્ય વર્તમાનને જાણનારા વ્યાસ ઋષિ,તે વખતે પુત્રોના અન્યાયનો વિચાર કરતા,શોક ને દુઃખી થયેલા,વિચિત્રવીર્યના પુત્ર ધૃતરાષ્ટ્રને મળ્યા ને રહસ્યયુક્ત વચનો કહેવા લાગ્યા કે-હે રાજા,તારા પુત્રોનો તથા બીજા રાજાઓનો કાળ બદલાયો છે.તેઓ સંગ્રામમાં સામસામે આવીને,પરસ્પરનો નાશ કરશે જ.તેઓ મૃત્યુના ઝપાટામાં આવી પડ્યા છે,ને અવશ્ય નાશ પામશે.માટે કાળનું વિપરીતપણું જાણીને તું મનમાં શોક કરીશ નહિ.તું યુદ્ધ જોવા ઈચ્છતો હોય તો હું તને ચક્ષુ આપું,કે જેથી તું આ યુદ્ધને પ્રત્યક્ષ જોઈ શકીશ.(6)

ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે બ્રહ્મર્ષિ,હું સ્વજ્ઞાતિના વધને જોવા ઈચ્છતો નથી,પરંતુ તમારા પ્રભાવ વડે,તેને સાંભળવાની જ ઈચ્છા રાખું છું.'

ત્યારે,સર્વ પ્રકારના વર આપવાને સમર્થ વ્યાસે સંજયને વર આપ્યો ને ધૃતરાષ્ટ્રને કહ્યું-આ સંજયને હું દિવ્યચક્ષુ આપું છું,તેને સંગ્રામમાં જે કંઈ થશે તે પ્રત્યક્ષ થશે.અને તને યુદ્ધનો સર્વ વૃતાંત કહેશે.પ્રત્યક્ષમાં,પરોક્ષમાં,દિવસે,રાત્રે તથા મનમાં ચિંતન કરેલી સર્વ વાતને પણ સંજય સંપૂર્ણતાથી જાણશે અને તને કહેશે.હે રાજા,આ યુદ્ધ દૈવે નિર્માણ કરેલું છે ને એને રોકી શકાય તેમ નથી,એથી તેનો શોક કરવો યોગ્ય નથી,વળી તેના પરિણામ સંબંધમાં,તું જાણ કે-જ્યાં ધર્મ હશે ત્યાં જય થશે.


આ યુદ્ધમાં મહાન ક્ષય થશે કારણકે તેવા ભયકારક દુષ્ટ ચિહ્નો મારા જોવામાં આવે છે.શકરાઓ,ગીધો,કાગડાઓ અને બગલાઓની સાથે કંક પક્ષીઓ એકઠાં થઈને ઝાડના અગ્રભાગો પર ટોળે વળીને બેસે છે.ને યુદ્ધભૂમિ તરફ જોયા કરે છે.

એ ઉપરથી સમજાય છે કે તે પક્ષીઓ યુદ્ધમાં હાથી ઘોડા -આદિના માંસોનું ભક્ષણ કરશે.ભયદર્શક ને ભયંકર કંક પક્ષીઓ ક્રૂર શબ્દ (ને અપશુકન) કરતાં કુરુક્ષેત્રની વચ્ચે થઈને દક્ષિણ દિશા તરફ જાય છે.


હું નિત્ય પ્રાતઃ ને સાયં સંધ્યાના સમયે,સૂર્યને માથાં વિનાનાં ધડોથી વીંટાયેલો જોઉં છું.અમાવસ્યાએ,સૂર્યચંદ્રનાં સંયોગવાળાં નક્ષત્રને પાપગ્રહથી ઘેરાયેલું મેં જોયું છે કે જે ભય આપનારું થશે.કાર્તિકી પૂર્ણિમાએ આકાશ લાલ રંગનું થઈને તેમાં ચંદ્ર પણ પ્રભારહિત થઈને,અગ્નિના જેવા રાતા વર્ણનો જણાતો હતો,તે સૂચવે છે કે-શૂરવીર રાજાઓ હણાઇને પોતાના શરીરથી ભૂમિને ઢાંકી દઈને શયન કરશે.રાત્રે અંતરિક્ષમાં,યુદ્ધ કરતા ભૂંડ અને બિલાડાના ભયંકર શબ્દો હું રોજ સાંભળું છું.દેવતાઓની પ્રતિમાઓ કંપે છે,હસે છે ને પોતાના સ્થાનમાંથી પડી જાય છે.વગાડ્યા વિના જ નગારાઓમાંથી શબ્દ થાય છે,ને મોટા રથો  ઘોડા જોડ્યા વિના જ ચાલતા થાય છે.


કોયલો,પોપટો,સારસો,મયૂરો આદિ પક્ષીઓ દારુણ શબ્દો કરે છે.લોહતુંડ અને ભૃંગરિટિ નામનાં પક્ષીઓ ઘોડાની પીઠ પર બેસીને તેને ટોકતાં તથા વિલાપ કરતાં જણાય છે.અરુણોદય વખતે સેંકડો તીડનાં ટોળાંઓ જણાય છે.સંધ્યા સમયે દિશાઓ બળતી હોય તેવી પ્રકાશયુક્ત જણાય છે અને મેઘ ધૂળ ને માંસની વૃષ્ટિ કરે છે.આકાશમાં (તારાઓમાં) સપ્તર્ષિમંડળમાં રહેલી અરૂંધતીની ચાંદરણીએ,વશિષ્ઠના તારાને પાછળ પાડી દીધો છે.શનૈશ્વર ગ્રહ રોહિણી નક્ષત્રને પીડતો રહ્યો છે અને ચંદ્ર પણ ચિહ્ન વિનાનો દેખાય છે-આ પરથી મોટો ભય આવી પડશે એમ લાગે છે.(33)

અધ્યાય-2 સમાપ્ત