અધ્યાય-૩-દુર્નિમિત્ત કથન
II व्यास उवाच II खरा घोषु प्रजायंते रमन्ते मातृभिः सुताः I अनार्तवं पुष्पफ़लम् दर्शयति वनद्रुमाः II १ II
વ્યાસે કહ્યું-ગાયોમાં ગધેડાઓ ઉત્પન્ન થાય છે,પુત્રો માતાની સાથે રમણ કરે છે અને વનનાં વૃક્ષો વગર ઋતુએ પુષ્પો ને ફળો આપે છે.ગર્ભિણી અને વાંઝણી સ્ત્રીઓ પણ મહા ભયાનક પ્રજાઓને જન્મ આપે છે.માંસાહારી પ્રાણીઓ,પક્ષીઓની સાથે બેસીને ખાય છે.વિચિત્ર અને અનેક ઇન્દ્રિયોવાળાં પશુઓ જન્મે છે.ત્રણ પગવાળા મોર તથા ચાર દાઢ અને શિંગડાંવાળા ગરુડો ઉત્પન્ન થાય છે અને તેઓ મોઢાં પહોળાં કરીને અશુભ વાણી બોલ્યા કરે છે.(4)
હે રાજા,તારા નગરમાં બ્રહ્મવાદીઓની સ્ત્રીઓ પણ મયૂરોને ને ગરુડોને જન્મ આપતી જણાય છે.ઘોડી,ગાયનાં વાછરડાંને,કૂતરી શિયાળને,કરભ જાતની મૃગલી કુરકુરિયાને જન્મ આપે છે.તથા પોપટ અશુભ શબ્દ બોલે છે.કેટલીએક સ્ત્રીઓ એકી વખતે ચાર પાંચ કન્યાઓને જન્મ આપે છે અને તે કન્યાઓ ઉત્પન્ન થતાં જ નાચે છે,ગાય છે ને હસે છે.નીચ જાતિમાં ઉત્પન્ન થયેલા અતિક્ષુદ્ર લોકો મહાન ભય સૂચવતા ખડખડાટ હસે છે,નાચે છે,ગાય છે અને કાળની પ્રેરણાથી શસ્ત્રધારી મૂર્તિઓ રચે છે.
પૃથ્વી પર વારંવાર દાવાગ્નિ પ્રદીપ્ત થાય છે.રાહુ,(તુલા રાશિમાં રહેલા) સૂર્યની પાસે આવે છે.તેમ જ શ્વેત ગ્રહ (કેતુ) ચિત્રા નક્ષત્રનું ઉલ્લંઘન કરીને (સ્વાતિ નક્ષત્રમાં)રહેલો છે તે મુખ્યત્વે કરીને કૌરવોના નાશને સૂચવે છે.મહાભયંકર ધૂમકેતુ પુષ્ય નક્ષત્રનું આક્રમણ કરીને રહેલો છે તેથી તે મહાગ્રહ બંને સેનાનું ભયંકર અશુભ કરશે.મંગલ વક્ર થઈને મઘા નક્ષત્રમાં આવ્યો છે,બૃહસ્પતિ શ્રવણ નક્ષત્રમાં છે અને સૂર્યનો પુત્ર શનિ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર પર આક્રમણ કરીને તેને પીડે છે.(14)
શુક્ર,પૂર્વાભાદ્રપ્રદા નક્ષત્રનું આક્રમણ કરીને પ્રકાશે છે.કેતુ,જ્યેષ્ઠાનું આક્રમણ કરીને રહેલો છે.ચિત્રા અને સ્વાતિ નક્ષત્રની
વચ્ચે દુષ્ટ ગ્રહ રાહુ પ્રજ્વલિત થયો છે અને વક્ર થઈને રોહિણી નક્ષત્રને તથા સૂર્યચંદ્ર્ને પીડે છે. (17)
ધનુષ્યમાંથી જ્વાળાઓ નીકળે છે અને તલવારો અત્યંત પ્રજ્વલિત થઇ છે.આમ,શસ્ત્રોની,જળની,બખ્તરોની અને ધ્વજોની કાંતિ અગ્નિવર્ણી થઇ ગઈ છે તેથી મહાક્ષય થશે એમ સમજાય છે.હે રાજા,કૌરવ-પાંડવોના યુદ્ધમાં,પૃથ્વી પર લોહીની નદીઓ વહેશે.વર્ષ પર્યંત સ્થિતિ કરનારા,બૃહસ્પતિ અને શનૈશ્વર નામના બે ગ્રહો પ્રજ્વલિત થઈને વિશાખા નક્ષત્રની સમીપમાં રહેલા છે.ચંદ્ર ને સૂર્ય બંને 'પડવા'થી તેરમે દિવસે પર્વ વિના એક દહાડે રાહુથી ગ્રહણ પામ્યા છે,તે બંને પ્રજાનો સંહાર ઈચ્છે છે.
ક્રૂર કર્મો વાળો રાહુ કૃતિકા નક્ષત્રને પીડે છે અને ઉત્પાત સૂચક ધૂમકેતુનો આશ્રય કરીને વાયુઓ વારંવાર વાયા કરે છે,કે જે ભારે યુદ્ધ ઉત્પન્ન કરે છે.ક્ષત્રિયોનો વિનાશ કરનારા ત્રણે નક્ષત્ર સમૂહોના શીર્ષ પર પાપગ્રહ પડે,તે મહાભય ઉત્પન્ન કરે છે(31)
પૂર્વે,પખવાડીઆમાં,ચૌદ,પંદર કે સોળમે દિવસે અમાવાસ્યા થઇ હોય,એવું મારા જાણમાં છે પણ તેરમે દિવસે અમાવાસ્યા આવી હોય તેવું મેં જોયું નથી.હમણાં તો એક મહિનામાં જ તેરમે દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેનું (રાહુથી ઘેરાઈને) ગ્રહણ થયું છે તેથી તે બંને પ્રજાનો મહાન ક્ષય કરશે.અંધારી ચૌદશે માંસનો ભયંકર વરસાદ પડ્યો,નદીઓમાં રુધિર વહે છે અને ઉંબાડિયાં પડે છે માટે આજની રાત્રિ વીતી ગયા પછી તમને તમારી અનીતિનું ફળ મળશે.(35)
સર્વ દિશાઓમાં ગાઢ અંધારું થવાને લીધે,હાથમાં કાકડાઓ લઈને ઘરથી બહાર નીકળીને એકબીજાને મળતા મહર્ષિઓએ કહ્યું છે કે-'આ પૃથ્વી હજારો રાજાઓનું લોહી પીશે' હે રાજા,કૈલાશ,મંદર તથા હિમાલય પર્વતોમાંથી હજારો પ્રકારની ગર્જનાઓ થાય છે,તેઓનાં શિખરો નીચે ગબડી પડે છે.જુદાજુદા ચારે સમુદ્રો,પૃથ્વીકંપ થતાં મર્યાદા ઓળંગી જતા હોય તેવા લાગે છે.
નગરોનાં દેવાલયો ને વૃક્ષો વીજળીના ઝાપટાથી ભાંગી પડે છે,બ્રાહ્મણો અગ્નિમાં આહુતિ આપે છે ત્યારે તે અગ્નિ શ્યામ,લાલ,પીળા વર્ણનો થઇ જાય છે ને દારુણ શબ્દ કરતો દુર્ગંધ પ્રસારતો,ડાબી બાજુએ જ્વાળાઓ કાઢે છે.
સ્પર્શ,ગંધ તથા રસો પણ વિપરીત થઇ ગયા છે.વારંવાર કંપાયમાન થતા ધ્વજોમાંથી ધુમાડાઓ નીકળે છે અને ભેરીઓ ને ઢોલોમાંથી અંગારાની વૃષ્ટિ થાય છે.હાથીઓ થરથર કંપે છે,ને દીન થઈને મળમૂત્ર કરે છે.હે ભારત,આ સઘળાં દુષ્ટ ચિહ્નો સાંભળીને તમે જે રીતે આ લોકનો સંહાર ના વળે,તે રીતે સમયાનુસાર કાર્ય કરો (46)
વૈશંપાયને કહ્યું-પિતા વ્યાસનાં એવાં વચન સાંભળીને ધૃતરાષ્ટ્રે કહ્યું કે-'મનુષ્યોનો ક્ષય થશે એવું પ્રથમથી જ નિર્માણ થયું છે એમ હું માનું છું,રાજાઓ ક્ષાત્ર ધર્મથી જો હણાશે તો તેઓ વીરલોકમાં જઈને સુખ ભોગવશે.આ મહાયુદ્ધમાં પ્રાણ ત્યજીને તેઓ આ લોકમાં કીર્તિ પામશે' ત્યારે ક્ષણભર વિચાર કરીને વ્યાસજી બોલ્યા કે-'અવશ્ય કાળ જ જગતનો ક્ષય કરે છે.ને પુનઃ ઉત્પન્ન કરે છે,આ જગતમાં અવિનાશી જેવું કંઈજ નથી તો પણ તમે જ્ઞાતિજનો,સંબંધીઓ ને સ્નેહીઓને ધર્મયુક્ત માર્ગનો ઉપદેશ કરો,કારણકે તેઓને વારવા તમે સમર્થ છો.જ્ઞાતિજનોના વધને ક્ષુદ્ર કહ્યો છે ને મને તે પ્રિય નથી માટે તમે મારુ અપ્રિય કામ ન કરો.કાળ,પોતે જ તમારા પુત્રરૂપે ઉત્પન્ન થયો છે,વેદમાં વધને માન્ય ગણ્યો નથી અને તે કોઈ રીતે હિતકારક નથી.
કુળધર્મને જે હણે છે તેને કુળધર્મ હણી નાખે છે.તમે અનર્થને અટકાવવા સમર્થ હોવા છતાં,કાળ વડે અવળે માર્ગે જાઓ છો.કુળના અને રાજાઓના વિનાશને માટે અનર્થ પોતે જ તમને રાજ્યરૂપે પ્રાપ્ત થયો છે.તમે પોતે ધર્મરહિત થઇ ગયા છો તો પણ પુત્રોને ધર્મનો માર્ગ દેખાડો.જેનાથી તમને પાપ પ્રાપ્ત થયું છે તે રાજ્ય રાખવાથી તમને શો લાભ છે? તમે યશ,ધર્મ તથા કીર્તિનું પાલન કરશો તો સ્વર્ગ પામશો,માટે પાંડવોને તેમનું રાજ્ય મળવા દો અને કૌરવો શાંત થાય તેમ કરો.(58)
ધૃતરાષ્ટ્રે કહ્યું-જેવા તમે જ્ઞાતા છો,તેવો હું પણ જ્ઞાતા છું.વસ્તુની સ્થિતિ-વિનાશને હું સારી રીતે જાણું છું,પરંતુ લોકો સ્વાર્થની વાત આવતાં જ વિવેકશૂન્ય થઇ જાય છે અને હું પણ તે લોકોમાંનો જ છું એમ તમે જાણો.મારી બુદ્ધિ અધર્મ કરવા યોગ્ય નથી જ તો પણ હું શું કરું?દુર્યોધન વગેરે મારા કબજામાં નથી.તમે કૌરવ-પાંડવોના પિતામહ છો માટે ભરતવંશીઓની ધર્મ પ્રવૃત્તિ,કીર્તિ અને યશ પણ તમારે આધારે જ છે (62)
વ્યાસે કહ્યું-'હે રાજા,તમારા મનમાં જે સંશય હોય તે તમે ખુલ્લા મનથી કહો,હું તે સંશય દૂર કરવા તૈયાર છું'
ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે ભગવન,સંગ્રામમાં વિજય મેળવનારાઓને જે જે નિમિત્તો થાય તે સર્વ હું સાંભળવા ઈચ્છું છું'
વ્યાસે કહ્યું-કુંડમાંનો અગ્નિ સ્વચ્છ કાંતિવાળો,ધુમાડા વિનાનો હોય,જેની જ્વાળાઓ ઊંચી સીધી નીકળીને જમણે ચક્કર ખાય અને તમે આપેલી આહુતિઓની પવિત્ર સુગંધ ફેલાય,એ ભાવિ વિજયનાં ચિહ્નો છે.શંખો-મૃદંગોના મોટા ગંભીર શબ્દો નીકળે અને ચંદ્ર-સૂર્યનાં નિર્મળ કિરણો ફેલાય,એને ભાવિ વિજયનાં ચિહનો કહે છે.ઘરમાંથી બહાર નીકળેલાની પાછળ કાગડાઓ બોલે તો તે કાર્યની સિદ્ધિ સૂચવે છે અને આગળ બોલે તો તે 'બહાર જવાની ના પાડે છે' તેમ જાણવું.(17)
રાજહંસો,પોપટો,ક્રૌંચો અને સારસો -આ પક્ષીઓ શુભ વાણી બોલતાં બોલતાં જમણી બાજુ ગતિ કરે ત્યારે યુદ્ધમાં વિજય મળે એમ બ્રાહ્મણો કહે છે.જે સેનાની પાછળ વાયુઓ વાય,વાદળાંઓ પક્ષીઓ અને મેઘો તેની પાછળ ગતિ કરે અને પાછળ ઇંદ્રધનુષ્ય જણાય એ વિજય આપનારાં લક્ષણો છે અને આનાથી વિપરીત લક્ષણો નાશનાં છે.વિદ્વાનો કહે છે કે-સામ તથા દાનરૂપી ઉપાય વડે વિજય મેળવાય તે શ્રેષ્ઠ છે,ભેદ વડે મેળવેલો વિજય મધ્યમ અને યુદ્ધથી મેળવેલ વિજય અધમ છે.કારણકે યોદ્ધાઓનો સંહાર એ મુખ્ય દોષ રહેલો છે.એકબીજાનું મન જાણનારા,આનંદી વૃત્તિના,સંસારની આસક્તિ વિનાના અને દ્રઢ નિશ્ચય વાળા પચાસ પુરુષો પણ મોટી સેનાનો સંહાર વાળી શકે છે.પછી પાની ન કરનારા પાંચ-છ કે સાત યોદ્ધાઓ પણ મોટી સેનાનો વિજય કરી શકે છે.માત્ર સેનાની અધિકતાથી જ જય થતો નથી.જય અનિશ્ચિત છે ને ઘણુંખરું તે દૈવને આધીન જ છે માટે એ વાત ખરી છે કે સંગ્રામમાં જય મેળવનારાઓ જ કૃતાર્થ થાય છે (85)
અધ્યાય-3-સમાપ્ત