અધ્યાય-૪-પૃથ્વીના ગુણોનું વર્ણન
II वैशंपायन उवाच II एवमुक्त्वा ययौ व्यासो धृतराष्ट्राय धीमते I धृतराष्ट्रो पितच्छ्रुत्वा ध्यानमेवान्वपद्यत II १ II
વૈશંપાયને કહ્યું-બુદ્ધિમાન ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહીને વ્યાસજી ચાલ્યા ગયા,પછી,ધૃતરાષ્ટ્રે બે ઘડી વિચાર કરીને નિસાસા નાખીને સંજયને પૂછ્યું કે-હે સંજય,યુદ્ધને અભિનંદન આપનારા આ શૂરા રાજાઓ,પૃથ્વીનું ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી એકબીજાને સાંખી શકતા નથી અને શસ્ત્રો વડે એકબીજાનો નાશ કરે છે,એ ઉપરથી હું માનું છું કે પૃથ્વીમાં બહુ ગુણો રહેલા છે,તું મને તે પૃથ્વીના ગુણો કહે.હમણાં આ કુરુજાંગલ દેશમાં,જુદાજુદા દેશદેશથી ને નગરોથી આવેલા વીર પુરુષોના દેશોના ને નગરોના વાસ્તવિક માપને હું સાંભળવાની ઈચ્છા રાખું છું.તું વ્યાસના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ યુક્ત થયો છે,તો તે મને કહે.
સંજયે કહ્યું-હે રાજન,આ પૃથ્વી પર સ્થાવર અને જંગમ,એવાં બે પ્રકારનાં પ્રાણીઓ છે.તેમાં જંગમોમાં,અંડજ(પક્ષી-સર્પ વગેરે)સ્વેદજ (જૂ -લીખ વગેરે) અને જરાયુજ (મનુષ્ય-પશુ વગેરે) એવા ત્રણ વર્ગ છે.સર્વ જંગમોમાં જરાયુજો શ્રેષ્ઠ છે.
જરાયુજોના ચૌદ ભેદો છે કે જેઓના આધારે વેદોક્ત યજ્ઞો રહેલા છે.ગામમાં રહેનારા પ્રાણીઓમાં મનુષ્યો શ્રેષ્ઠ છે અને અરણ્યવાસી પ્રાણીઓમાં સિંહો શ્રેષ્ઠ છે.સર્વ પ્રાણીઓ એકબીજાના ઉપર આજીવિકા ચલાવે છે.(13)
ઉદભિજજ એટલે પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારાં સ્થાવર કહેવાય છે કે જેના પાંચ ભેદો છે.વૃક્ષ (વડ-વગેરે)ગુલ્મ (દર્ભ-વગેરે) લતા(ઝાડ પર ચઢનારી ગળો વગેરે)વલ્લી (જમીન પર પ્રસરનારી ને માત્ર એક વર્ષ રહેનારી)અને ત્વકસાર (કઠણ છાલવાળી તૃણ જાતિઓ જેમ કે વાંસ).આ સ્થાવરના પાંચ ભેદો,જંગમના ચૌદ ભેદો ને પાંચ મહાભુતો મળીને ચોવીસ થાય છે ને તે લોકમાન્ય ગાયત્રી ગણાય છે (ગાયત્રીના ચોવીસ અક્ષરો છે!!)
હે રાજા,સિંહ,વાઘ,વરાહ,ભેંસ,હાથી,રીંછ,અને વાનર-આ સાત જંગલી પ્રાણીઓ છે ને ગાય,બકરાં,ઘેટાં,મનુષ્યો,ઘોડાં,ખચ્ચર ને ગધેડાં-આ સાતને ગ્રામ્ય પ્રાણીઓ કહ્યાં છે.(આ જરાયુજોના ચૌદ ભેદો છે) સર્વ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે ને પૃથ્વીમાં લય પામે છે.પૃથ્વી સર્વ પ્રાણીઓનું આશ્રય સ્થાન છે અને પૃથ્વી જ સનાતનરૂપ છે.જેની પાસે પૃથ્વી છે તેનું સ્થાવર-જંગમ સર્વ જગત છે માટે તે પૃથ્વીને મેળવવામાં અત્યંત તૃષ્ણાવાળા રાજાઓ એકબીજાનો નાશ કરે છે.(21)
અધ્યાય-4-સમાપ્ત