Jun 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-853

 

અધ્યાય-૫-સુદર્શન દ્વીપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II नदीनां पर्वतानां च नामधेवानि संजय I तथा जनपदानां च ये चान्ये भूमिमाश्रिताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તું નદીઓનાં,પર્વતોનાં,દેશોનાં,અને પૃથ્વી પર રહેલા પ્રદેશોનાં નામો મને કહે.

આખી પૃથ્વીનું સર્વ તરફનું પ્રમાણ અને અરણ્યો વગેરે સંપૂર્ણતાથી મને કહે.

સંજયે કહ્યું-હે મહારાજ,એકંદર રીતે પૃથ્વી વગેરે પંચમહાભૂતો જ પિંડ ને બ્રહ્માંડરૂપ બનેલાં છે,માટે જ્ઞાનીઓ આ જગતમાં રહેલી ચૈતન્યથી ફેલાયેલી સર્વ વસ્તુઓને સમાન (એક)કહે છે.પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ મહાભુતો છે.

તેમાં મુખ્ય એવી પૃથ્વીના શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ ગુણો કહ્યા છે.જળમાં ગંધ સિવાયના ચાર ગુણો છે.

શબ્દ,સ્પર્શ અને રૂપ-આ ત્રણ ગુણો તેજના છે.વાયુના શબ્દ અને સ્પર્શ એ બે ગુણો છે.અને આકાશનો એક શબ્દ જ ગુણ છે.

આ પાંચ ગુણો,પાંચ મહાભૂતોમાં અને સર્વ લોકોમાં રહેલા છે અને એના પર પ્રાણીમાત્રના ભોગનો આધાર છે.

જયારે પંચમહાભુતો સમાન સ્થિતિમાં હોય છે ત્યારે તેઓ એકબીજાની સાથે ભળતાં નથી પણ જયારે તેઓ ઓછા-વધતા થાય છે ત્યારે પરસ્પરમાં પ્રવેશ કરે છે.અને તે જ વખતે ભોક્તા જીવો તથા ભોગ્ય પદાર્થો દેહયુક્ત થઈને એકબીજામાં પ્રવેશ કરે છે નહિ તો નહિ.આ પંચમહાભૂતો સંહાર ક્રમમાં (સંહાર વખતે),પૃથ્વી જળમાં,જળ તેજમાં,તેજ વાયુમાં અને વાયુ આકાશમાં એ ક્રમે નાશ પામે છે અને સૃષ્ટિ ક્રમમાં (સૃષ્ટિ સર્જન વખતે) આકાશમાંથી વાયુ,વાયુથી તેજ,તેજથી જળ,અને જળથી પૃથ્વી-એ ક્રમે ઉત્પન્ન થાય છે.આ સર્વ ભૂતોનું માપ કાઢી શકાતું નથી કારણકે એ અપરિમેય (અનંત) છે ને બ્રહ્મરૂપ છે.(10) પ્રત્યેક સ્થાનોમાં પંચભૂતોવાળી વ્યક્તિઓ દેખાય છે છતાં મનુષ્યો તર્ક વડે તેઓનાં પ્રમાણો (આકારો) કહે છે.પણ ખરેખર તો જે પદાર્થો અચિંત્ય છે તેઓનો તર્ક વડે નિર્ણય કરવો નહિ.જે વસ્તુ પ્રકૃતિથી પર છે તે અચિંત્ય છે (12)


હે રાજન,હવે હું સુદર્શન દ્વીપનું વર્ણન કહી સંભળાવું છું.આ દ્વીપ ગોળ ચક્રાકાર છે.ને તે નદીઓ,પર્વતો,વૃક્ષો,ધનધાન્ય,

તથા નગરો,દેશોથી ભરપૂર છે.અને ખારા સમુદ્ર વડે સર્વ તરફથી વીંટળાયેલ છે.જેમ,પુરુષ દર્પણમાં પોતાનું મુખ જુએ છે,તેમ,સુદર્શન દ્વીપ ચંદ્રમંડળમાં (ચંદ્ર જેનો અધિષ્ઠાતા છે તે મનમાં પ્રતિબિંબ રૂપે) દેખાય છે.મનના એક ભાગમાં,'કાર્ય તથા કારણ' એ બે રૂપે સંસારરૂપી પીપળો રહેલો છે અને બીજા ભાગમાં 'જીવ તથા ઈશ્વર' એ બે રૂપ વડે,સસલાના જેવી તીવ્ર ગતિવાળા 'પરમાત્મા' રહેલા છે.કે જેની ફરતે 'કાર્ય'રૂપી સર્વ ઔષધિઓનો સમુદાય વીંટાયેલો છે.(17)


તે (સસલા રૂપ) પરમાત્માથી સર્વ ભૂતભૌતિક 'કાર્ય' ભિન્ન છે એમ જાણવું.બાકી રહેલું 'કારણ' પણ 'કાર્ય'નું જ સંક્ષિપ્તરૂપ કહેવાય છે,માટે તે (કારણ) પણ પરમાત્માથી ભિન્ન છે.આમ,આ શુદ્ધ બ્રહ્મ (પરમાત્મા) કાર્ય અને કારણથી ભિન્ન છે અને તે જ આ જીવ (આત્મા)છે.આ જીવથી અભિન્ન એવા પરમેશ્વરને હું સંક્ષેપથી કહું છું તે તમે સાંભળો (18)

અધ્યાય-5-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE