Jul 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-854

 

અધ્યાય-૬-પૃથ્વી વગેરેનાં માપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II उक्तो द्वीपस्य संक्षेपो विधिवद् बुद्धिमंस्त्वया I तत्वज्ञश्चामि सर्वस्य विस्तरं ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તેં મને વિધિ પ્રમાણે,એ દ્વીપનું સંક્ષેપથી વર્ણન કહ્યું,પણ મને તે વિસ્તારથી કહે.

પ્રથમ સસલાના જેવા લક્ષણમાં એટલે કે પરમાત્માને જણાવનારા,માયાશબલ હાર્દબ્રહ્મમાં આ માયાકલ્પિત પૃથ્વીનો 

જે અવકાશ દેખાય છે તેનું પ્રમાણ કહે અને તે પછી પીપળારૂપ ભાગનું વર્ણન કહેજે.

સંજયે કહ્યું-હે મહારાજ,હેમકૂટ,નિષધ,નીલ,શ્વેત અને શૃંગવાન-આ છ ખંડ પાડનારા પર્વતો,પશ્ચિમથી પૂર્વ તરફ લાંબા છે ને બંને તરફથી સમુદ્રમાં પેઠેલા છે.આ પર્વતો એકબીજાથી હજારો યોજનોના અંતરે આવેલા છે ને તેમાં રમણીય દેશો રહેલા છે જે પ્રદેશો 'વર્ષ' નામથી ઓળખાય છે.આપણે રહીએ છીએ તે 'ભારતવર્ષ' છે,તેનાથી ઉત્તરે 'હૈંમવત વર્ષ'છે,હેમકૂટથી પેલી તરફ આવેલો ખંડ 'હરિવર્ષ' કહેવાય છે.

નીલ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તરે,પૂર્વ તરફ લંબાયેલો માલ્યવાન પર્વત છે,કે જેની બીજી તરફ ગંધમાદન પર્વત છે.આ બંને પર્વતની વચ્ચે ગોળાકાર સુવર્ણમય 'મેરુ પર્વત' છે જે સૂર્યના જેવો દેદીપ્યમાન છે,ચોરાશી યોજન ઊંચો છે ને તેટલો જ પૃથ્વીની નીચે ગયેલો છે.એની ઉપર,નીચે અને અજુબાજુએ લોકો નિવાસ કરે છે.

આ પર્વતની ચારે દિશામાં ભદ્રાશ્વ,કેતુમાલ,જંબુદ્વીપ અને ઉત્તરકુરુ આ ચાર દ્વીપો રહેલા છે.

આકાશના જ્યોતિર્ગણોમાં શ્રેષ્ઠ સૂર્ય,ચંદ્ર અને અનુકૂળ વાયુ એ સર્વે નિત્ય મેરુ પર્વતની પ્રદિક્ષણા કર્યા કરે છે.

તે પર્વતમાં દેવગણો,ગંધર્વો અને રાક્ષસો,અપ્સરાઓની સાથે સર્વદા ક્રીડા કર્યા કરે છે,ત્યાં બ્રહ્મા,રુદ્ર અને ઇન્દ્ર એકઠા મળીને અનેક દક્ષિણાવાળા વિવિધ યજ્ઞોથી યજન કરે છે.તુંબુંરુ,નારદ,વિશ્વાવસુ,હાહા,હૂહૂ વગેરે ગંધર્વો એ પર્વત પર આવીને વિવિધ સ્તવનોથી શ્રેષ્ઠ દેવોને સંતુષ્ટ કરે છે.સપ્તર્ષિઓ અને પ્રજાપતિ કશ્યપ,સદા પ્રત્યેક પર્વે તે પર્વત પર જાય છે.કવિશ્રેષ્ઠ શુક્રાચાર્ય,દૈત્યોની સાથે તે પર્વતનાં શિખરો પર રમણ કરે છે.સર્વ રત્નો ને રત્નના પર્વતો-એ શુક્રાચાર્યની માલિકીના છે.તેમની પાસેથી તે રત્નોનો ચતુર્થાંશ ભાગ કુબેરને ભોગવવા મળે છે અને કુબેર તે ધનમાંથી સોળમો ભાગ મનુષ્યોને આપે છે.


મેરુ પર્વતના ઉત્તર ભાગમાં,ઉગી નીકળેલું,સર્વ ઋતુનાં પુષ્પોથી સંપન્ન તથા દિવ્ય એવું કરેણનું વન છે,જ્યાં સર્વ ભૂતોના સ્ત્રષ્ટા પશુપતિ ભગવાન શંકર દિવ્ય ભૂતગણોથી વીંટાઈને પાર્વતીની સાથે ક્રીડા કરે છે.પગ સુધી લાંબી કરેણના પુષ્પોની માળાને ધારણ કરતા તે ભગવાન ઉદય પામેલા ત્રણ સૂર્યના જેવા પોતાના ત્રણ નેત્રોથી સર્વત્ર પ્રકાશ કરી દે છે.તે મહેશ્વરને,ઉગ્ર તપસ્વી,ઉત્તમ વ્રતવાળા,સત્યવાન સિદ્ધો જ જોઈ શકે છે,દુરાચરણીઓ તેમને જોઈ શકતા નથી.

તે પર્વતના શિખર પર દૂધના જેવી શ્વેત પવિત્ર ભાગીરથી ગંગા મોટા વેગવડે,પવિત્ર ચંદ્ર સરોવરમાં પડે છે.ગંગાએ પોતાના પડવાના વેગ વડે જ તે સાગરના જેવા પવિત્ર ચંદ્ર નામના ધરાને ઉત્પન્ન કર્યો છે.પર્વતોથી પણ ધારણ ન કરાય એવા 

વેગવાળી તે ગંગાને પિનાકધારી શંકરે સો હજાર વર્ષ સુધી પોતાના મસ્તક વડે જ ધારણ કરી હતી.


મેરુના પશ્ચિમ ભાગમાં કેતુમાલ નામનો ખંડ છે,ત્યાં જંબુખંડ નામનો મોટો દેશ છે,તે દેશમાં રહેનારાઓનું આયુષ્ય દશ હજાર વર્ષનું છે.યક્ષોના અધિપતિ કુબેર,રાક્ષસોની સાથે,અપ્સરાઓના સમુદાયથી વીંટાઇને ગંધમાદન પર્વતનાં શિખરો પર આનંદ ભોગવે છે.તે ગંધમાદન પર્વતના પડખામાં બીજા ઘણા નાના પર્વતો છે,ત્યાં રહેનારાઓનું આયુષ્ય અગિયાર હજાર વર્ષનું છે.


નીલ પર્વતની ઉત્તરે શ્વેતખંડ છે.શ્વેત પર્વતની ઉત્તરે હૈરણ્યકખંડ છે ને બીજી તરફ ઐરાવતખંડ છે.તેની દક્ષિણમાં ભરતખંડ છે.

આ બંને (ઐરાવત અને ભરત)ખંડની વચ્ચે હૈમવત,હરિવર્ષ,ઇલાવૃત્ત,શ્વેતવર્ષ અને હૈરણ્યક-આ પાંચ ખંડો ઉત્તરોત્તર આવેલા છે તેમાં ઇલાવૃત્ત સર્વની વચ્ચે આવેલો છે.(દક્ષિણના) ભરતખંડથી આરંભીને ઉત્તરોત્તર આવેલા ખંડો,

આયુષ્યપ્રમાણ,આરોગ્ય,ધર્મ,કામ તથા અર્થ-આ ગુણો વડે એક કરતાં એક ચઢિયાતા છે.

હે રાજા,આ પ્રમાણે,આ પૃથ્વી પર્વતોથી વ્યાપ્ત થયેલી છે.


હેમકૂટ પર્વત ઘણો મોટો છે,તેનું બીજું નામ 'કૈલાસ' છે.કૈલાસની ઉત્તરે મૈનાક પર્વત છે,તેની પાસે હિરણ્યશૃંગ નામનો દિવ્ય મણિમય પર્વત છે.તેની પડખે સુવર્ણની રેતીવાળું રમણીય બિંદુસર નામનું મોટું સરોવર છે,ત્યાં ભગીરથ રાજા ભાગીરથી ગંગાને જોઈને ઘણાં વર્ષ રહ્યા હતા.તે સ્થાનમાં મણિમય યજ્ઞસ્તંભો અને સુવર્ણમય યજ્ઞશાળાઓ છે કે જ્યાં ઇન્દ્રે યજ્ઞ કરીને સિદ્ધિ પામ્યો હતો.ત્યાં સર્વ લોકો શંકરની ઉપાસના કરે છે.ત્યાં નર,નારાયણ,બ્રહ્મા,મનુ અને સ્થાણુરુદ્ર રહે છે.

ત્રણ માર્ગે વહેતી દિવ્ય ગંગા,બ્રહ્મલોકમાંથી નીકળીને પ્રથમ એ ઠેકાણે રહી અને તે પછી,અહીંથી,વસ્વોકસારા,નલિની,પાવની,સરસ્વતી,જંબુ,સીતા,ગંગા અને સિંધુ આ સાતરૂપે વહેંચાઈ જાય છે,તેમાં સરસ્વતી કોઈ ઠેકાણે દેખાય છે અને કોઈ ઠેકાણે અદશ્ય થઈને વહે છે.આ સાત ગંગાઓ,ત્રણ લોકમાં વિખ્યાત છે.(50)


હિમવાન પર્વત પર રાક્ષસો રહે છે,હેમકૂટ પર્વત પર યક્ષો રહે છે,નિષધ પર્વત પર સર્પો ને નાગો રહે છે,ને ત્યાં ગોકર્ણ નામનું તપોવન છે.શ્વેત પર્વત સર્વ દેવો ને અસુરોનું નિવાસસ્થાન કહેવાય છે,નિષધ પર ગંધર્વો રહે છે,નીલ પર્વત પર બ્રહ્મર્ષિઓ રહે છે,શૃંગવાન પર દેવોનો વાસ તથા સંચાર છે.આ પ્રમાણે સાત ખંડોના વિભાગ છે.એ ખંડોમાં સર્વ સ્થાવર અને જંગમ પ્રાણીઓ રહેલાં છે.તેઓની દૈવી ને માનુષી બહુ પ્રકારની સમૃદ્ધિ દેખાય છે,કે જેની ગણના કરી શકાય તેમ નથી.


હે રાજા,તમે મને દિવ્ય સસલાના આકાર (પરમાત્માના સ્થૂળ રૂપ)ના સંબંધમાં પૂછ્યું હતું,તે મેં તમને કહ્યું છે.તે સસલાની ઉત્તર અને દક્ષિણ એ બે બાજુએ ઐરાવત અને ભરતખંડ આવ્યા છે.નાગદ્વીપ અને કાશ્યપદ્વીપ એ બંને તે સસલાંના કાન છે.હે રાજા,તાંબાના પતરાંની જેવી શિલાવાળો મલય પર્વત એ જંબુદ્વીપનું બીજું સસલાના સ્વરૂપ દેખાય છે (56)

અધ્યાય-6-સમાપ્ત