Jul 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-855

 

અધ્યાય-૭-ઉત્તરકુરુનું અને માલ્યવાનનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II मेरोरथोत्तरं पार्श्व पूर्व चाचक्ष्व संजय I निखिलेन महाबुद्धे माल्यवंतं च पर्वतम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે મહાબુદ્ધિમાન સંજય,તું મને મેરુપર્વતના ઉત્તરના તથા પૂર્વના પડખાનું અને માલ્યવાન પર્વતનું વર્ણન કહે.

સંજયે કહ્યું-હે રાજા,નીલ પર્વતની દક્ષિણે અને મેરુની ઉત્તરે સિદ્ધ પુરુષોએ સેવેલા ઉત્તરકુરુ નામના દેશો છે.ત્યાંનાં વૃક્ષો મધુર ફળવાળાં અને કેટલાંક વૃક્ષો ઈચ્છીત વસ્તુઓને આપનારાં છે.ક્ષીરી નામનાં વૃક્ષોમાંથી સદા અમૃત જેવા છ રસો ઝર્યા કરે છે,

વસ્ત્રો નીકળે છે અને તેનાં ફળોમાંથી આભૂષણો નીકળે છે.ત્યાંની સર્વ ભૂમિ મણિમય અને સુવર્ણની રેતીવાળી છે.

પુણ્ય ક્ષીણ થતાં,દેવલોકમાંથી ભ્રષ્ટ પામેલા સર્વ મનુષ્યો ત્યાં ઉત્પન્ન થાય છે.ર્ત્યાં સ્ત્રી-પુરુષની જોડી જ ઉત્પન્ન થાય છે ને સાથે જ વૃદ્ધિ પામે છે.તે રૂપ,ગુણ અને વેષમાં સમાન જ હોય છે.તે અગિયાર હજાર વર્ષ સુધી સાથે જ જીવે છે.અને તેઓ જયારે મરણ પામે છે ત્યારે તીક્ષ્ણ ચાંચવાળાં મોટાં ભારુંડ નામનાં પક્ષીઓ તેઓને ઉપાડીને પર્વતોની ખીણમાં નાખી દે છે.

હવે,મેરુ પર્વતની પૂર્વ બાજુપર ભદ્રાશ્વ નામનો મુખ્ય દેશ છે.ત્યાં ભદ્રસાલ નામનું વન અને કાલામ્ર નામનું મોટું ઝાડ છે કે જે એક યોજન જેટલું ઊંચું છે,ને નિત્ય ફળ-પુષ્પોથી ભરેલું રહે છે કે જે ફળોનું,સિદ્ધ તથા ચારણો નિત્ય સેવન કરે છે.ત્યાંના પુરુષો ગૌર વર્ણના,તેજસ્વી ને મહાબળવાન છે ને સ્ત્રીઓ સુંદર અને નૃત્ય ગાનમાં કુશળ હોય છે.ત્યાં મનુષ્યોનું આયુષ્ય દશ હજાર વર્ષનું છે અને કાલામ્રનો રસ પીનારાં તેઓ નિત્ય યૌવનસંપન્ન રહે છે (18)


નીલ પર્વતની દક્ષિણે અને નિષધની ઉત્તરે સુદર્શન નામનું ઘણું જૂનું ને મોટું જાંબુનું વૃક્ષ છે કે જે સર્વ ઈચ્છીત ફળને આપનારું છે.આ જંબુવૃક્ષના નામ પરથી એ પુરાતન દેશ જંબુદ્વીપ એવા નામથી ઓળખાય છે.એ વૃક્ષની ઊંચાઈ અગિયાર હજાર યોજન છે.તે વૃક્ષનાં ફળો અઢી હજાર હાથના ઘેરાવાવાળાં હોય છે કે જે રસ પરિપક્વ થતાં ફાટી જાય છે.તે જાંબુઓ પૃથ્વી પર પડતાં મોટો શબ્દ નીકળે છે અને તેમાંથી રૂપેરી રંગનો રસ નીકળે છે,કે જે રસ નદીરૂપ થઈને મેરુની પ્રદિક્ષણા કરીને ઉત્તરકુરુ દેશમાં જાય છે.આ રસને પીનારાઓના મનમાં શાંતિ વળે છે,તેઓને તરસ લાગતી નથી અને વૃદ્ધાવસ્થા બાધ કરતી નથી.

તે જંબુરસથી ઇન્દ્રગોપ નામના કીડા જેવું લાલ અને તેજસ્વી જાંબુનદ નામનું સુવર્ણ થાય છે,કે જેના અલંકારો દેવો ધારણ કરે છે.વળી ત્યાં તરુણ સૂર્યના જેવા કાંતિવાળા મનુષ્યો ઉત્પન્ન થાય છે.


હે રાજા,માલ્યવાન પર્વતના શિખર પર સર્વદા સંવર્તક નામનો કાલાગ્નિ સળગતો દેખાય છે.આ પર્વતનો વિસ્તાર અગિયાર હજાર યોજન છે.જે મનુષ્યો બ્રહ્મલોકથી ભ્રષ્ટ થાય છે તેઓ ત્યાં જન્મ લે છે.તે મનુષ્યોની કાંતિ સુવર્ણના જેવી હોય છે.તે સર્વે સઘળાની જોડે સાધુતાથી વર્તે છે,નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાણીને પ્રાણીઓના રક્ષણને માટે ઉગ્ર તપ કરે છે,તેમાંના છાસઠ હજાર મુનિઓ સૂર્યને વીંટીને,તેની આગળ ગતિ કરે છે અને છાસઠ હજાર વર્ષ,તે આદિત્યના તાપથી તૃપ્ત થયા પછી તેઓ ચંદ્રમંડળમાં પ્રવેશ કરે છે.(32)

અધ્યાય-7-સમાપ્ત