અધ્યાય-૮-રમણક વગેરે ખંડોનું વર્ણન
II धृतराष्ट्र उवाच II वर्षाणां चैव नामानि पर्वतानं च संजय I आचक्ष्व मे यथातत्वं येच पर्वतवासि II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,તું મને ખંડો-પર્વતોના નામો ને પર્વતવાસી લોકોનું યથાર્થ વર્ણન કહે'
સંજયે કહ્યું-શ્વેત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તરે રમણક નામનો ખંડ છે.ત્યાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તે સર્વે કુલીન,શત્રુરહિત અને આનંદ મનવાળા હોઈને અગિયાર હજાર ને પાંચસો વર્ષ જીવે છે.નીલ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વની ઉત્તરે હિરણ્યમય નામનો ખંડ છે,તે ખંડમાં હૈરણવતી નામની નદી છે.એ ખંડમાં પક્ષીરાજ ગરુડ ને ધનસંપન્ન યક્ષના અનુચરો રહે છે.પ્રસન્ન મનવાળા ત્યાંના મનુષ્યો સાડાબાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.
હે રાજા,છઠ્ઠા ખંડના વિચિત્ર શૃંગવાન પર્વતને ત્રણ શિખરો જ છે.તેમાંનું એક મણિમય,બીજું સુવર્ણનું અને ત્રીજું રત્નમય છે.ત્યાં સ્વયંપ્રકાશક શાંડિલી દેવી,નિત્ય વાસ કરે છે.એ શૃંગવાન પર્વતની ઉત્તર સમુદ્રની સમીપમાં ઐરાવત ખંડ આવેલો છે.તે ખંડમાં સૂર્ય તપતો નથી પણ નક્ષત્રો સહીત ચંદ્ર જ પ્રકાશ આપે છે.ત્યાંના મનુષ્યો જીર્ણ થતા નથી,તેઓ કમળની જેવા કાંતિવાળા,
કમળની સુગંધવાળા,પરસેવા રહિત,જિતેન્દ્રિય,દેવલોકથી ભ્રષ્ટ થઈને આવેલા અને રજોગુણરહિત છે.તેઓ તેર હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.ક્ષીરોદ સમુદ્રની ઉત્તરે સુવર્ણમય રથમાં વૈકુંઠ હરિ વાસ કરે છે,તે રથ આઠ ચક્રવાળો,ભૂતોથી યુક્ત,મનોવેગી,અગ્નિવર્ણી ને જાંબુનદ સુવર્ણથી સુશોભિત છે.તે રથમાં રહેનારા હરિ,સર્વ પ્રાણીઓના નિયંતા છે,વ્યાપક છે,ઉત્તમ રચના કરનારા ને સંહારકર્તા છે.તે જીવરૂપે કર્તા છે અને ઈશ્વરરૂપે નિયંતા છે.(18)
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સંજયે કહ્યું,એટલે ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના સંબંધમાં મોટા વિચારમાં પડી ગયો ને પછી બોલ્યો કે-હે સૂતપુત્ર,ખરેખર કાળ જ જગતનો સંહાર કરે છે અને તે જ પુનઃ સર્વેને ઉત્પન્ન કરે છે.આ લોકમાં કોઈ જ અવિનાશી જણાતું નથી.સર્વજ્ઞ નરનારાયણ જ સર્વ પ્રાણીઓના સંહર્તા છે ને તેને દેવો વૈકુંઠ ને મનુષ્યો વિષ્ણુ કહે છે.(22)
અધ્યાય-8-સમાપ્ત