અધ્યાય-૯-ભારતવર્ષનું વર્ણન
II धृतराष्ट्र उवाच II यदिदं भारतं वर्षं यत्रेदं मुर्च्छितं बलम् I यत्रातिमात्रलुब्धोऽयं पुत्रो दुर्योधनो मम II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-આ ભારતવર્ષ કે જેમાં આટલું મોટું સૈન્ય એકઠું થયું છે,જેમાં મારો પુત્ર દુર્યોધન,અત્યંત લુબ્ધ થયો છે,
જેમાં પાંડવો લલચાય છે અને જેમાં મારું મન પણ આસક્ત થયું છે,તેનું યથાર્થ વર્ણન કહી સંભળાવ.
સંજયે કહ્યું-હે રાજા,આ ભારતવર્ષને માટે પાંડવો લલચાયા નથી પણ શકુનિ અને દુર્યોધન એ બંને લલચાયા છે.
વળી જુદાજુદા દેશોના રાજાઓ પણ ભારતવર્ષને માટે લોભાય છે,તેથી તેઓ એકબીજાને સાંખી શકતા નથી.
આ ભારતવર્ષ ઇંદ્રને,વૈવસ્વત મનુને,વેનના પુત્ર પૃથુને,ઈક્ષ્વાકુને,યયાતિને,અંબરીષને,માંધાતાને,નહુષને,મુચુકુંદને,શિબિને,
ઋષભને,ઐલને,નૃગરાજાને,કુશિકને,ગાધિને,સોમકને,દિલીપને અને બીજા અનેક બળવાન ક્ષત્રિયોને પ્રિય હતો.
આ ભારતવર્ષમાં મહેન્દ્ર,મલય,સહ્ય,શુક્તિમાન,રુક્ષવાન,વિંધ્ય,અને પારિયાત્ર આ સાત મુખ્ય પર્વતો છે.
આ ભારતવર્ષમાં આર્યો,મ્લેચ્છો અને તેઓના મિશ્રણથી થયેલા લોકો રહે છે.તેઓ જે વિશાલ નદીઓનું પાન કરે છે તે નદીઓના નામો હું કહું છું.ગંગા,સિંધુ,સરસ્વતી,ગોદાવરી,નર્મદા,બાહુદા,મહાનદી,શતદ્રુ,ચંદ્રભાગા,યમુના,દશવતી,
વિપાશા,વિપાપા,વેત્રવતી,કૃષ્ણવેણા,ઈરાવતી,ગોમતી,કૌશિકી,કાવેરી,ભીમા આદિ હજારો નદીઓ છે.
(નોંધ-અહીં અનેક નદીઓનાં નામો લખેલા છે કે જે અહીં લખ્યા નથી)
હવે હું તમને દેશોના નામ કહું છું.કુરુપાંચાલ,શાલ્વ,માદ્રેય,જાંગલ,શૂરસેન,મત્સ્ય,કુંતી,કાંતિ,કોસલ,ચેદિ,
મત્સ્ય,ભોજ,સિંધુ,દશાર્ણ,મેકલ,મદ્ર,કલિંગ,કાશિ આદિ હજારો દેશો છે
(નોંધ-અહીં ઉત્તર,દક્ષિણ,પૂર્વ અને પશ્ચિમના અનેક દેશોના નામો લખેલા છે કે જે અહીં લખ્યા નથી !!)
જે કોઈ,સત્વાદિક ગુણો વડે તથા શૌર્ય વડે આ પૃથ્વીનું સારી રીતે પાલન કરે છે,તેને કામધેનુ જેવી આ ભૂમિ ધર્મ,અર્થ અને કામ સંબંધી મહાફળ આપે છે.અને એટલા માટે જ ધર્માર્થમાં કુશળ શૂરા રાજાઓ પૃથ્વીમાં લાલસા રાખે છે તથા ધનમાં લોભાયેલા તેઓ વેગમાં આવીને યુદ્ધમાં પ્રાણોનો ત્યાગ કરે છે.દેવદેહ તથા મનુષ્યદેહ પામનારાઓને આ ભૂમિ જ શરણરૂપ છે.
હે રાજા,આવી વસુંધરા-પૃથ્વીનો ઉપભોગ લેવાની કામનાથી રાજાઓ,જેમ,કૂતરાઓ માંસના ટુકડાઓ એકબીજાની પાસેથી ખેંચી લે છે તેમ,એકબીજાની પાસેથી પૃથ્વીને ખૂંચવી લે છે,તો પણ તેમની કામના તૃપ્ત થયેલી જણાતી નથી.
હે ભારત,એટલા માટે જ કૌરવો તથા પાંડવો પણ સામ,દાન,ભેદ તથા છેવટે દંડ વડે આ પૃથ્વી મેળવવા પ્રયત્ન કરે છે.
જો આ પૃથ્વીને સારી રીતે સંપૂર્ણ જોવામાં આવે તો એ પૃથ્વી પ્રાણીઓને પિતા,ભ્રાતા,તથા પુત્રની ગરજ સારે છે અને સૂર્યલોક તથા સ્વર્ગલોકરૂપ થઇ પડે છે.(76)
અધ્યાય-9-સમાપ્ત