Jun 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-847

 

અધ્યાય-૧૯૫-કૌરવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II ततः प्रभाते विमले धार्तराष्ट्रेण चोदिताः दुर्योधनेन राजानः प्रययुः पांडवान्प्रति II १ II

વૈશંપાયને કહ્યું-પછી,નિર્મળ પ્રભાત થતાં,ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનને આગળ કરી,તેના પક્ષના રાજાઓ પાંડવો પર ચડાઈ કરવા નીકળ્યા.તેઓએ સ્નાન કરી શુદ્ધ થઇ,શ્વેત વસ્ત્રો ને પુષ્પમાળાઓ ધારણ કરી,સ્વસ્તિવાચન ભણાવી,અગ્નિમાં હોમ કરીને શસ્ત્રો તથા ધજાઓ ગ્રહણ કર્યાં હતાં.પ્રથમ,અવંતિના વિંદ-અનુવિંદ અને બાહલીકની સાથે કેકયો-એ સર્વે દ્રોણાચાર્યને આગળ કરીને નીકળ્યા.તેમની પાછળ,અશ્વસ્થામા,જયદ્રથ,શકુનિ,ચારે દિશાના રાજાઓ,શકો,કિરાતો,યવનો,શિબીવંશના રાજાઓ વગેરે પોતપોતાના સૈન્યની સાથે મહારથી ભીષ્મને વીંટાઇને નીકળ્યા.તેઓની પાછળ,કૃતવર્મા,ત્રિગર્ત,ભાઈઓથી વીંટાયેલો દુર્યોધન,શલ,ભૂરિશ્રવા,શલ્ય,બૃહદ્રથ આદિ નીકળ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં વ્યૂહ રચના મુજબ આવી પહોંચ્યા.

દુર્યોધને ત્યાં પોતાના માટે છાવણી બનાવી હતી,કે જે બીજા હસ્તિનાપુર જેવી હતી.બીજા રાજાઓ માટે પણ તેણે હજારો દુર્ગમ છાવણીઓ તૈયાર કરાવી હતી,કે જે છાવણીઓનો સમુદાય વીસ ગાઉના ઘેરાવામાં પડ્યો હતો.દુર્યોધને તે રાજાઓનો,તેમના હાથીઓ,ઘોડાઓ,સૈનિકો,પહેરેગીરો,અને સેવકો માટે ઉત્તમ ખાવાના પદાર્થોની અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

વળી,શિલ્પીઓ,ભાટ,ચારણો,બંદીઓ,વાણિયાઓ,વેશ્યાઓ,દૂતો અને પ્રેક્ષકો-એ સર્વની સંભાળ તેણે કરી હતી (19)

અધ્યાય-195-સમાપ્ત