Oct 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-951

 

અધ્યાય-૭૦-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ अकरोत्तुमुलं युद्धं भीष्मः शांतनवस्तदा I भीमसेनभयादिच्छन्पुत्रास्तारयितुं तव ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસે શાંતનુકુમાર ભીષ્મે,તમારા પુત્રોને ભીમસેનના ભયથી ઉગારાવાની ઈચ્છાથી તુમુલ યુદ્ધ કર્યું.

કૌરવો અને પાંડવોના મુખ્ય મુખ્ય યોદ્ધાઓનો નાશ કરનારું,બંને પક્ષના રાજાઓનું તે ભયંકર યુદ્ધ તે દિવસના પૂર્વભાગમાં શરુ થયું ત્યારે આકાશને ફાડી નાખે તેવો તુમુલ શબ્દ થઇ રહ્યો.વિજય મેળવવા માટે પરાક્રમ કરતા,મહાબળવાન યોદ્ધાઓ મોટા વૃષભની જેમ સામસામા ગર્જનાઓ કરતા હતા.તીક્ષ્ણ બાણોના પ્રહારથી રણભૂમિ પર પડતાં મસ્તકો,આકાશમાંથી પડતી પથ્થરોની વૃષ્ટિ સમાન જણાતાં હતાં.આખી યુદ્ધભૂમિ,કપાયેલાં શરીર ને શરીરના અવયવોથી છવાઈ ગઈ હતી.

હે ભારત,તે વેળાએ કૌરવો ને પાંડવો વચ્ચે ચાલતો તીક્ષ્ણ પ્રહાર,લોહીરૂપ જળને ઉછાળતો મહાભયંકર દેખાઈ રહ્યો હતો.

જોનારનાં રૂંવાડાં ખડાં થઈ જાય,તેવા તુમુલ સંગ્રામમાં,યુદ્ધ કરવા મદોન્મત્ત બનેલા ક્ષત્રિયો સામસામે બાણોનો વરસાદ વરસાવી રહ્યા હતા.હાથીઓની ચીસો ને ધનુષ્યોના ટંકારના શબ્દોથી બીજું કંઈ પણ સંભળાતું ન હતું.ચારે બાજુ લોહીના જળમાં માથાં વિનાનાં ધડો ઉછળતાં હતાં,અને શત્રુઓનો નાશ કરવામાં ઉદ્યમ કરતા રાજાઓ આમતેમ દોડતા હતા.ને બાણોથી વીંધાયેલા હાથીઓ નિરંકુશ થઈને આમતેમ ઘૂમતા હતા ને સ્વારો માર્યા જવાથી ઘોડાઓ પણ જેમ તેમ દોડાદોડ કરતા હતા.


હે રાજન,પૃથ્વી પર ઠેકઠેકાણે પડેલાં-પડતાં અને તરફડતાં કલેવરોથી તે રણસંગ્રામ ઘણો જ ભયંકર જણાતો હતો.

તે વખતે કલિંગ યોદ્ધાઓથી વીંટાયેલો રાજા દુર્યોધન,ભીષ્મને આગળ કરીને પાંડવો સામે યુદ્ધ કરવા આવી ઉભો.

તે જ રીતે પાંડવો પણ ભીમને વીંટાઇને એકદમ ક્રોધાતુર થઈને ભીષ્મ સામે ધસી આવ્યા.ને ફરી યુદ્ધની શરૂઆત થઇ.

અધ્યાય-70-સમાપ્ત