Oct 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-952

 

અધ્યાય-૭૧-પાંચમો દિવસ-સંકુલ યુદ્ધ (ચાલુ)


॥ संजय उवाच ॥ द्रष्ट्वा भीष्मेण संसक्तान्भ्रात्रुनन्यश्च पार्थिवान I समभ्यधावदांगेययुद्यतास्त्रो धनंजयः ॥१॥ 

સંજયે કહ્યું-ભીષ્મ પિતામહ સામે ધસી ગયેલા પોતાના ભાઈઓને તથા અન્ય રાજાઓને જોઈને અર્જુન પણ ભીષ્મ સામે ધસ્યો.ગાંડીવના ટંકાર ને શંખના નાદને સાંભળીને કૌરવ યોદ્ધાઓમાં ભય ઉતપન્ન થયો.જેમ,પ્રચંડ વાયુવાળો મેઘ વીજળીના ચમકારા અને ગર્જનાઓની સાથે ચારે બાજુ વરસી પડે,તેમ તે અર્જુન પણ બાણોનો વરસાદ વરસાવી સર્વ દિશાઓને છાઈ દેવા લાગ્યો.થાકી ગયેલાં વાહનોવાળા,હણાયેલા ઘોડાઓવાળા,અને ભયભીત થઈને બેભાન થયેલા તમારા યોદ્ધાઓ બધા સાથે મળીને ભીષ્મ પાસે જ ભરાઈ ગયા,કારણકે આ સંગ્રામમાં તેઓને ભીષ્મનું જ શરણ હતું.

ત્યાર પછી,ગોપાયન,મદ્રો,સૌવીરો,ગાંધારો,ત્રૈગર્તો ને કલિંગ દેશના યોદ્ધાઓથી વીંટાયેલો કલિંગરાજા,દુર્યોધનની આજ્ઞાથી,દુઃશાસનને આગળ કરીને,ને શકુનિને વીંટાઇને અનેક વાહનોમાં વહેંચાઈ જઈ એકીસામટા અર્જુન પર પ્રહાર કરવા લાગ્યા.ભીષ્મ પણ અર્જુન સામે યુદ્ધ કરવા લાગ્યા.અવંતિરાજા કાશીરાજાની સાથે,જયદ્રથ ભીમસેન સામે,યુધિષ્ઠિર શલ્ય સામે,વિકર્ણ સહદેવ સામે,ચિત્રસેન શિખંડી સામે,દુર્યોધન મત્સ્યો સામે,શકુનિ દ્રુપદ સામે,દ્રોણાચાર્ય સાત્યકિ સામે,અને 

કૃપાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન સામે યુદ્ધ કરવા લાગ્યા.


એ સમયે સર્વ દિશાઓ ધૂળથી ઢંકાઈ ગઈ ને આકાશમાં વાદળાં ન હતા છતાં વીજળીના ચમકારા દેખાવા લાગ્યા.ધૂળના ગોટાઓથી ગૂંગળાઈ ગયેલા તથા અસ્ત્ર સમુહોથી વીંધાઈ ગયેલા પ્રાણીઓમાં ગભરાટ થવા લાગ્યો ને તેમની ચીસો સંભળાવા લાગી.ભાંગી ગયેલાં પૈડાં,ધૂંસરાં ને માર્યા ગયેલા ઘોડાઓવાળા રથો ઠેકઠેકાણે પૃથ્વી પર પછડાવા લાગ્યા.કોઈ બળવાન હાથી,રથ સહીત ઘોડાઓને ને સારથી સહીત ચગદી નાખતો હતો.જ્યાં ત્યાં મરણ પામીને પડેલા હાથીઓથી રણભૂમિ છવાઈ ગઈ હતી.તે યુદ્ધમાં આખી રણભૂમિમાં ઠેરઠેર મૃત પાયદળો,ઘોડેસ્વારો અને રથીઓ નજરે ચડતા હતા.

અધ્યાય-71-સમાપ્ત