Oct 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-961

 

અધ્યાય-૭૯-છઠ્ઠો દિવસ સમાપ્ત 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राज लोहितायति भास्करे I संग्राममरभसो भीमं हन्तुकामोभ्यधावत ॥१॥ 

સંજયે કહ્યું-તે પછી,સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોવાથી રક્ત વર્ણનો થવા લાગ્યો ત્યારે દુર્યોધન,ભીમને મારવાની ઈચ્છાથી ઉતાવળો થઈને દોડ્યો.પોતાના કટ્ટર દુશ્મન દુર્યોધનને આવતો જોઈને ભીમ તેને ક્રોધ પૂર્વક કહેવા લાગ્યો કે-'વર્ષોથી જે સમય ઇચ્છેલો તે આજે આવી પહોંચ્યો છે.આજે હું તને મારીને માતા કુંતીના ક્લેશને ને અમારા વનવાસના ને દ્રૌપદીના દુઃખોને દૂર કરીશ.પૂર્વે કર્ણના ને શકુનિના મત પર આધાર રાખીને ને પાંડવોને હિસાબમાં નહિ ગણીને તેં તારી ઈચ્છા મુજબ વર્તન કરીને,શ્રીકૃષ્ણનું પણ અપમાન કર્યું છે.હું આજે તારા કુટુંબ સહીત તારો નાશ કરીશ ને તારાં પાપોનો બદલો વાળીશ'

આમ કહીને ભીમે પોતાનું ઘોર ધનુષ્ય ખેંચ્યું ને પછી વજ્રસમાન છવ્વીસ બાણ દુર્યોધન પર છોડ્યાં.બીજાં બે બાણોથી તેના સારથિને ને ચાર બાણોથી તેના ઘોડાઓને યમદ્વાર મોકલી દીધા.વળી,તેના છત્ર ને ધ્વજને પણ છેદી નાખી.ને પોતે તમારા પુત્રના દેખતાં મોટેથી ગાજવા લાગ્યો,ત્યારે સર્વ રાજાઓ તે જોઈ રહ્યા.વળી,બીજાં દશ બાણોથી દુર્યોધન પર પ્રહાર કરીને જાણે સામે હસતો હોય તેમ તે દેખાવા લાગ્યો.ત્યારે જયદ્રથ અનેક યોદ્ધાઓને સાથે લઈને દુર્યોધનની વહારે આવ્યો.ક્રોધાતુર થયેલા દુર્યોધનને કૃપાચાર્યે પોતાના રથ પર બેસાડી દીધો.તે સમયે ભીમના બાણોથી ઘવાયેલો તે રથની બેસણી પર બેસી રહ્યો.


તે પછી,ભીમને જીતવાની ઈચ્છાવાળા જયદ્રથે ભીમને ચારે બાજુથી ઘેરીને,તેને આગળ વધતો અટકાવ્યો.બીજી બાજુ અભિમન્યુ ને દ્રૌપદીના પાંચ પુત્રો તમારા પુત્રો સામે યુદ્ધ કરતા હતા.ત્યારે ચિત્રસેન,સુચિત્ર,ચિત્રાંગદ,ચિત્રદર્શન,ચારુમિત્ર,

સુચારુ,નંદ અને ઉપનંદ-આ આઠ કુમારોએ અભિમન્યુના રથને ચારે બાજુથી ઘેરી લીધો.ત્યારે અભિમન્યુએ જરાયે ગભરાયા વિના તે સર્વ પર પાંચ પાંચ બાણોથી પ્રહાર કર્યો.સામે તે સર્વ કુમારોએ તેના પર બાણોનો વરસાદ વરસાવ્યો.મદદે આવેલા વિકર્ણ પર પ્રહાર કરીને અભિમન્યુએ તેના સારથી ને ઘોડાઓને પાડી દીધા.ને બીજાં બાણો છોડીને તેણે વિકર્ણના શરીરને ચીરી નાખી અત્યંત ઘાયલ કરી દીધો.વિકર્ણને ઘવાયેલો જોઈને બીજા ભાઈઓ અભિમન્યુ વગેરે મહારથીઓ સામે ધસ્યા.


દુર્મુખે,શ્રુતકર્માને સાત બાણોથી વીંધ્યો,ને બીજા બાણોથી સારથી અને ઘોડાઓને મારી નાખ્યા.સામે શ્રુતકર્માએ શક્તિ ફેંકીને દુર્મુખના કવચને ભેદી નાખ્યું.રથ વિનાના થયેલા શ્રુતકર્માને સુતસોમે પોતાના રથ પર બેસાડી દીધો.હે રાજન,વીર શ્રુતકીર્તિ,તમારા પુત્ર જયત્સેનને મારવાની ઈચ્છાથી તેની સામે ધસી ગયો,ત્યારે જયત્સેને અતિ તીક્ષ્ણ ક્ષુરપ્ર બાણ મારીને તેના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા,તે જોઈને તેનો ભાઈ શતાનિક ત્યાં ધસી આવ્યો અને તેણે દશ બાણોથી જયત્સેનને વીંધી નાખ્યો.

તે વખતે જયત્સેનનો ભાઈ દુષ્કર્ણ તેની મદદે આવ્યો અને તેણે ક્રોધપૂર્ણ થઇ નકુલપુત્ર શતાનીકના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.

એટલે પછી,મહાબળવાન શતાનીકે મોટું ઉત્તમ ધનુષ્ય હાથમાં લીધું ને ઘોર બાણોનું સંધાન કરીને તેણે જયત્સેનની હાજરીમાં જ દુષ્કર્ણના સારથી,ઘોડાઓને મારી નાખી તેને સાત બાણોથી વીંધી નાખ્યો.વળી,ભલ્લ નામના બાણોથી તેની છાતી પર સખત પ્રહાર કર્યો કે જેના પ્રહારથી તે દુષ્કર્ણ પૃથ્વી પર પટકાયો.


દુષ્કર્ણને ઘાયલ થયેલો જોઈ બીજા પાંચ મહારથી શતાનીકને મારી નાખવાની ઈચ્છાથી તેને ઘેરી વળ્યા.ત્યારે શતાનીકની મદદે પાંચ કેકય કુમારો આવી પહોંચ્યા.એકબીજાનો સંહાર કરતા તે પાંડવ અને કૌરવ યોદ્ધાઓનું એવું અતિ તુમુલ ને ભયંકર યુદ્ધ થયું કે જેથી બંને સેના હાથી,રથ વગેરે સેળભેળ થઇ ગયા.સૂર્યનો અસ્ત થયા પછી પણ એક મુહૂર્તકાળ સુધી તે યુદ્ધ ચાલ્યું.

તે સમયે,ભીષ્મ એકદમ કોપાયમાન થઈ,નમેલાં પર્વવાળાં બાણો છોડીને પાંડવો ને પાંચાલોના સૈન્યનો સંહાર કરવા માંડ્યા હતા.ને એ પ્રમાણે પાંડવોની સેનાને ભેદી નાખીને ભીષ્મે પોતાની સેનાને પાછી વળી લીધી ને પોતાની છાવણી તરફ પ્રયાણ કર્યું.યુધિષ્ઠિર પણ ધૃષ્ટદ્યુમ્ન અને ભીમસેનને જોઈને તેમનાં માથાં સુંઘી આનંદ પામતા છાવણી તરફ ગયા (64)

અધ્યાય-79-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE