Oct 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-965

 

અધ્યાય-૮૨-સાતમો દિવસ (ચાલુ) દ્વૈરથ યુદ્ધ 


॥ संजय उवाच ॥ तथा प्रवृत्ते संग्रामे निवृत्ते च सुशर्मणि I भग्नेषु चापि वीरेषु पाण्डवेन महात्मना ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો અને સુશર્મા જયારે પાછો હટ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ત્વરાથી ધસી ગયા.અર્જુનનું પરાક્રમ જોઈને દુર્યોધને સર્વ રાજાઓને અને સુશર્માને,ભીષ્મનું રક્ષણ કરવાનું કહ્યું.એટલે તે સર્વ રાજાઓ ભીષ્મની પાછળ ગયા.સામે ધસી આવતા અર્જુનને જોઈને તમારા સર્વ સૈન્યમાં તુમુલ શબ્દ થયો.તે જ રીતે ભીષ્મને ધસી આવતા જોઈને પાંડવ સૈન્યમાં પણ અનેક પોકારો થયા.અર્જુન અને ભીષ્મ વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.

બીજી બાજુ દ્રોણાચાર્યે વિરાટરાજાના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે વિરાટે પણ સામે ત્રણ બાણોથી દ્રોણને ને ચાર બાણોથી તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.વળી તેમના સારથિને ને તેમની ધ્વજાને ને છેવટે તેમના ધનુષ્યને પણ છેદી નાખ્યું.ક્રોધાયમાન થયેલા દ્રોણે,વિરાટના ઘોડાઓને ને તેના સારથિને મારી નાખ્યો.ત્યારે વિરાટરાજા પોતાના રથમાંથી કૂદીને પોતાના પુત્રના રથ પર ચડી ગયો ને પછી તે પિતાપુત્ર દ્રોણ સામે બાણો ફેંકીને તેમને આગળ વધતા અટકાવવા લાગ્યા.છેવટે,દ્રોણે વિરાટના પુત્ર શંખ સામે સર્પસમાન ઝેરી બાણ છોડ્યું કે જેણે શંખના હૃદયને ચીરી નાખ્યું.દ્રોણના બાણથી મરણ પામેલા પોતાના પુત્રને જોઈને વિરાટરાજા તેને લઈને યુદ્ધમાંથી બહાર ગયો.પછી દ્રોણ,પાંડવોની સેનાને સેંકડો વિભાગમાં વીંખવા માંડ્યા.


બીજી તરફ,શિખંડીએ અશ્વત્થામા સામે આવીને તેને ત્રણ નારાચ બાણોથી ઘાયલ કર્યો,ત્યારે અશ્વત્થામાએ એક અર્ધ નિમિષકાળમાં ઘણાં બાણો છોડીને શિખંડીની ધ્વજા,ઘોડાઓ ને સારથિનો નાશ કર્યો.એટલે,હાથમાં તીક્ષ્ણ તલવાર અને ઢાલ ગ્રહણ કરીને શિખંડી બાજ પક્ષીની જેમ રણમાં ઘુમવા લાગ્યો.અશ્વત્થામાના બાણોને તે ત્વરાથી તલવારથી છેદતો હતો.

પછી,તીક્ષ્ણ બાણોના પ્રહારને ખમતો તે શિખંડી,સાત્યકિના રથ પર ચડી ગયો.એ વેળા સાત્યકિ રાક્ષસ અલંબુશને તીક્ષ્ણ  બાણોથી વીંધતો હતો.અલંબુશે રાક્ષસી માયા પ્રગટ કરીને,બાણોની વૃષ્ટિ કરીને સાત્યકિને છાઈ દીધો.


ત્યારે,અત્યંત ઘવાયેલા સાત્યકિએ અર્જુન પાસેથી મળેલા ઇન્દ્રાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેના પ્રભાવથી રાક્ષસી માયા ભસ્મ થઇ ગઈ.સાત્યકિએ તે અલંબુશને બાણોથી પીડવા મંડ્યો એટલે તે સાત્યકીના ભયથી રણ છોડીને નાસી ગયો.તે રાક્ષસને જીતીને સાત્યકિ તમારા યોદ્ધાઓની સામે ગર્જના કરવા લાગ્યો.ને તમારા યોદ્ધાઓને તીક્ષ્ણ બાણોથી મારવા  લાગ્યો.તેના બાણોથી પીડિત થઈને તમારા યોદ્ધાઓ તે રણમાં નાસાનાસ કરવા લાગ્યા.


એ જ સમયે,ધૃષ્ટદ્યુમ્ન દુર્યોધન વચ્ચે મહાસંગ્રામ ચાલતો હતો.દુર્યોધને ધૃષ્ટદ્યુમ્નનું ધનુષ્ય કાપી નાખ્યું,તો સામે ધૃષ્ટદ્યુમ્ને પણ બાજુ ધનુષ્ય હાથમાં લઈને ક્રોધાયમાન થઈને દુર્યોધનનું ધનુષ્ય કાપી નાખ્યું,ને તેના ચારે ઘોડાઓને મારી નાખી તેને પણ વીંધી નાખ્યો.ત્યારે દુર્યોધન હાથમાં તલવાર લઈને પગપાળો ધૃષ્ટદ્યુમ્ન સામે ધસી ગયો.ત્યારે શકુનિએ આવીને દુર્યોધનને પોતાના રથમાં બેસાડી દીધો.આમ દુર્યોધનનો પરાજય કરીને ધૃષ્ટદ્યુમ્ન તમારા સૈન્યનો સંહાર કરવા મંડ્યો.


બીજી તરફ અતિરથી કૃતવર્માએ જયારે અનેક બાણોથી ભીમને ઢાંકીને તેને વીંધ્યો ત્યારે ભીમે પણ સામે ક્રોધપૂર્વક અનેક બાણો છોડવા માંડ્યાં.કે જેના પ્રહારથી કૃતવર્મા જરા પણ કંપ્યા વિના ભીમ સામે યુદ્ધ કરતો હતો.પછી,ભીમે કૃતવર્માના ચારે ઘોડાઓને મારી નાખી તેના સારથિને પણ પટકી પાડ્યો,ને અનેક બાણો છોડીને કૃતવર્માને વીંધી નાખ્યો.એ વેળા,તે કૃતવર્મા પોતાના ઘોડા ને સારથી મરણ પામેલા હોવાથી એકદમ તમારા સાળા વૃષકના રથ પર,દુર્યોધનના દેખતાં ચડી ગયો.

ભીમસેન પણ ક્રોધાયમાન થઈને તમારા સૈન્ય સામે ધસી ગયો અને હાથમાં દંડ લઈને કાળની જેમ યોદ્ધાઓને હણવા લાગ્યો.

અધ્યાય-82-સમાપ્ત