Oct 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-966

 

અધ્યાય-૮૩-સાતમો દિવસ (ચાલુ) દ્વંદ્વયુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ बहूनि हि विचित्राणि द्वैरथानिस्म संजय I पांडुनां मामकै: सार्धमश्रोषं तव जल्पतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,'પાંડવોનાં મારા પુત્રો સાથે વિચિત્ર એવાં ઘણાં દ્વંદ્વયુદ્ધો થયાં' એમ કહેતા તારી પાસેથી મેં સાંભળ્યું.પણ મારા પક્ષના યોદ્ધાઓમાં કોઈને આનંદ થયો-એમ તો તું કહેતો જ નથી અને પાંડવોને હંમેશા આનંદ પામેલા અને અપરાજિત કહ્યા કરે છે.તું મારા પુત્રોને તો સંગ્રામમાં હારેલા,ઉદાસીન મતવાલા અને નિસ્તેજ જ કહ્યા કરે છે,એનું કારણ પ્રારબ્ધ જ છે.

સંજયે કહ્યું-હે પુરુષશ્રેષ્ઠ રાજા,તમારા પક્ષના યોદ્ધાઓ પોતાની શક્તિ અને ઉત્સાહ મુજબ પાંડવોની સાથે યુદ્ધ કર્યા કરે છે તથા શક્તિ પ્રમાણે પુરુષાર્થ પણ કરી બતાવે છે પરંતુ જેમ,ગંગાનું મીઠું પાણી સમુદ્રના ગુણનો પરિચય થતાં ખારું થઇ જાય છે તેમ,તમારા યોદ્ધાઓનો પુરુષાર્થ,પાંડવોનો પરિચય થતાં,રણમાં વ્યર્થ જાય છે.માટે પોતાની શક્તિ પ્રમાણે યુદ્ધ કરી,ન બની શકે તેવું પરાક્રમ કરી દેખાડતા તમારા પક્ષના કૌરવોને લેશમાત્ર પણ દોષ દેવો યોગ્ય નથી.તમારા અને તમારા પુત્રોના અપરાધથી,

યમરાજાની રાજધાનીને વધારનાર આ પૃથ્વીનો મહાન નાશ પ્રાપ્ત થયો છે.માટે તમારે શોક કરવો યોગ્ય જ નથી.

હવે તે દિવસના પૂર્વ ભાગમાં દેવો ને અસુરો સમાન જે જનક્ષય ચાલુ થયો હતો તે સાંભળો.


અવંતીકુમાર વીંદ અને અનુવીન્દ,મોટી સેનાસહીત ઈરાવાનની સામે ધસ્યા.સામસામા બાણોનો પ્રહાર કરતા તે ત્રણે જણામાં કોઈ ચઢિયાતો દેખાતો ન હતો.ઈરાવાને બાણોની વર્ષા કરીને અનુવીન્દના ચારે ઘોડાઓને મારી નાખી તેના ધનુષ્યને તોડી નાખ્યું.ત્યારે તે અનુવીન્દ પોતાના ભાઈ વીંદના રથમાં ચડી ગયો ને બીજું ધનુષ્ય હાથમાં લીધું.પછી બંને ભાઈઓએ ઈરાવાન પર અસંખ્ય બાણો મુકવા માંડ્યાં.સામે ઈરાવાને પણ તેમના પર બાણો મૂકી ને તેઓના સારથિને ગબડાવી પાડયો.ત્યારે ભડકેલા ઘોડાઓવાળો તેમનો રથ ચારે દિશામાં જેમતેમ દોડવા લાગ્યો.એ પ્રમાણે નાગરાજ ઐરાવતની પુત્રીનો પુત્ર ઈરાવાન,તે બંને રાજપુત્રોનો પરાજય કરીને તમારી સેનાનો સંહાર કરવા લાગ્યો ત્યારે કૌરવોની સેના નાસભાગ કરતી હતી.


બીજી બાજુ,ઘટોત્કચ કે જે ભગદત્ત સામે ધસી ગયો હતો તેની સામે ભગદત્ત પણ હાથી પર બેસી,યુદ્ધ માટે ધસી આવ્યો.તેમની વચ્ચે કોણ ચડિયાતો છે? તે જાણી શકાતું નહોતું.ઘટોત્કચે ભગદત્તને બાણોથી ઢાંકી દીધો.ઘટોત્કચના ધનુષ્યમાંથી નીકળેલાં બાણોને મધ્યમાં જ ખાળી દઈને ભગદત્તે.ભીમના પુત્રને મર્મસ્થાનમાં એકદમ પ્રહાર કર્યો.છતાં તે ડગ્યો નહિ.ભગદત્તે ચૌદ તોમર બાણો છોડ્યાં કે જેને ઘટોત્કચે વચમાં જ કાપી નાખ્યાં ને સિત્તેર બાણોનો પ્રહાર કરીને ભગદત્તને વીંધી નાખ્યો.ભગદત્તે ઘટોત્કચના ઘોડાઓને મારી નાખ્યા ત્યારે તેણે તેના હાથી તરફ એક શક્તિ ફેંકી કે જેને ભગદત્તે,બાણો છોડીને,વચ્ચે જ ત્રણ ટુકડા કરી નાખી.પોતાની શક્તિને ભાંગી નાખેલી જોઈને ને રથ વગરનો થયેલો ઘટોત્કચ રણમાંથી ભાગી ગયો.એ પ્રમાણે ઘટોત્કચને જીતીને ભગદત્ત,પાંડવોની સેનાને પોતાના હાથીથી કચરી નાખતો ઘુમવા લાગ્યો.


બીજી તરફ મદ્રરાજ શલ્ય,સહદેવ અને નકુલ સામે યુદ્ધ કરતો હતો,તેણે બાણોના સમૂહથી એ બંને ભાણેજોને છાઈ દીધા,ત્યારે સહદેવે સામે તેને પણ બાણોથી છાઈ દીધો.પછી શલ્યે નકુલના ચારે ઘોડાઓને મારી નાખ્યા ત્યારે નકુલ,પોતાના રથમાંથી કૂદીને સહદેવના રથમાં ચડી ગયો.અને બંને ભાઈઓ મામા શલ્ય પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા ત્યારે જાણે હસતો હોય તેમ શલ્યે તે બાણોની વૃષ્ટિનો નાશ કરી નાખ્યો.ક્રોધાયમાન થયેલા સહદેવે,એક વાયુસમાન વેગવાળું બાણ શલ્ય સામે ફેંક્યું કે જે મદ્રરાજને ઘાયલ કરીને પૃથ્વીમાં પેસી ગયું.બાણથી ઘવાયેલો શલ્ય વ્યથિત થઈને રથની બેસણી પર બેસી ગયો ને મૂર્છાવશ થયો,એટલે તેનો સારથી તેને રણમાંથી દૂર લઇ ગયો.પાછા ફરતા શલ્યના રથને જોઈને કૌરવો નિરાશ થયા અને તે શલ્યને માર્યો ગયેલો માનવા લાગ્યા.પોતાના મામાને યુદ્ધમાં જીતીને નકુલ સહદેવ પોતાના શંખો વગાડવા લાગ્યા ને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા ને અતિ હર્ષિત થઈને તમારા સૈન્ય પર ધસી ગયા ને સંહાર કરવા લાગ્યા. (57)

અધ્યાય-83-સમાપ્ત