અધ્યાય-૮૮-આઠમો દિવસ-સુનાભ વગેરે કૌરવોનો સંહાર
॥ संजय उवाच ॥ भीष्मं तु समरे कृद्वं प्रतपन्तं समंतत I न शेकुः पांडवा द्रष्टुं तपन्तमिव भास्कर ॥१॥
સંજયે કહ્યું-રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા અને ચારે બાજૂથી સંતાપ પમાડતા ભીષ્મને પાંડવ યોદ્ધાઓ,જેમ,તપતા સૂર્યને જોઈ શકાય નહિ તેમ,જોઈ શકતા નહોતા.પછી,યુધિષ્ઠિરની આજ્ઞા થતાં સર્વ સૈન્યો,ભીષ્મ સામે ધસ્યા.સામે ભીષ્મે બાણો મૂકીને સોમક,સૃજય અને પંચાલ યોદ્ધાઓને પાડવા જ માંડ્યા.ભીષ્મના બાણોથી યોદ્ધાઓના મસ્તકો જમીન પર પડવા લાગ્યા.ભીષ્મે રથીઓને રથ વગરના કરી દીધા,ઘોડેસ્વારોને ઘોડાઓ પરથી ને હાથીસ્વારોને હાથીઓ પરથી પાડી દીધા.ભીષ્મના અસ્ત્રોથી મૂર્છા પામેલા અને માર્યા ગયેલા પર્વત જેવડા હાથીઓ રણભૂમિ પર પડેલા દેખાતા હતા ત્યારે ભીમસેન સિવાય બીજો કોઈ યોદ્ધો ત્યાં નજરે ચડતો નહોતો.ભીમસેન ભીષ્મ પાસે આવીને તેમના પર પ્રહાર કરી રહ્યો હતો.
એ પ્રમાણે ભીમ અને ભીષ્મનો સમાગમ થયો ત્યારે સૈન્યમાં મોટો કોલાહલ થઇ રહ્યો.ત્યારે દુર્યોધન પોતાના ભાઈઓને સાથે રાખીને ભીષ્મનું રક્ષણ કરતો હતો.ત્યારે ભીમે,ભીષ્મના સારથિને મારી નાખ્યો,એટલે તેમના રથના ઘોડાઓ આમતેમ દોડી ગયા.એ અરસામાં ભીમે એક તીક્ષ્ણ ક્ષુરપ્ર બાણ છોડીને તમારા પુત્ર સુનાભનું મસ્તક છેદી નાખ્યું.ત્યારે તેના બીજા ભાઈઓ ભીમ સામે યુદ્ધ કરવા દોડી આવ્યા અને અનેક બાણોથી તેને ઢાંકી દીધો.શત્રુઓના પ્રહારો ભીમથી સહન થયા નહિ,એટલે તેણે ક્રોધમાં આવીને શ્રેષ્ઠ બાણ ચલાવીને અપરાજિતનું મસ્તક ઉડાવી દીધું.તે જ રીતે તેણે બીજા ભાઈઓ કુંડધાર,પંડિતક,
વિશાલાક્ષનું મસ્તક પણ ઉડાવી દીધું.પછી,તેણે તમારા પુત્ર આદિત્યકેતુની ધજાને ઉડાવી દીધી અને તેનું ને પછી બહવાસીનું મસ્તક ઉડાવી દીધું ને આમ તમારા ઘણા પુત્રોનો વિનાશ થયો.
હે રાજન,એ વેળા,તમારા બાકી રહેલા પુત્રો 'ભીમ આજે સભામાં કહેલાં વાક્યોને સત્ય કરશે'એમ માનીને ત્યાંથી મુઠ્ઠી વાળીને નાસી ગયા.ત્યારે પોતાના ભાઈઓના મારાંથી દુઃખી થયેલા રાજા દુર્યોધને,બીજા યોદ્ધાઓને મોટી બૂમ મારીને કહ્યું કે-'આ ભીમસેનને મારી નાખો' તે વખતે તમારા બાકી રહેલા પુત્રો વિદુરનું કહેલું વચન સ્મરણ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-'તે વિદુરે જે કહ્યું હતું તે સત્ય જ થયું છે' હે રાજન,તમે પોતે પણ પુત્રો પરની પ્રીતિથી લોભ અને મોહથી આવિષ્ટ થયા છે જેથી તે વિદુરના વચનોને સમજી શકતા નથી.તમારે એમ જ સમજી લેવું કે એ બળવાન ભીમસેન,તમારા પુત્રોનો નાશ કરવા માટે જ જન્મેલો છે,જેથી એ અત્યારે કૌરવોનો નાશ કરી રહ્યો છે.
મોટા દુઃખથી વ્યાકુળ થયેલો દુર્યોધનમેં રણભૂમિમાં ભીષ્મ પસે જઈને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,મારા શૂરા ભાઈઓને ભીમે યુદ્ધમાં મારી નાખ્યા છે ને હજી પણ એની સામે યુદ્ધનો પ્રયત્ન કરતા સર્વ સૈનિકોને તે મારવા જ મંડ્યો છે.તમે તો મધ્યસ્થ રહો છો ને અમારા પ્રત્યે બેદરકાર રહો છો.હાય,મારુ ખરાબ નસીબ તો જુઓ,કે જેથી હું કુમાર્ગે જ જતો જાઉં છું' દુર્યોધનનાં ક્રૂર વચનો સાંભળી ભીષ્મ આંખમાં આંસુ લાવું કહેવા લાગ્યા કે-હે તાત,મેં,દ્રોણાચાર્યે,વિદુરે અને ગાંધારીએ પ્રથમથી જ તને આ પ્રમાણે ભવિષ્ય કહ્યું હતું પણ તેં માન્યું જ નહિ.મેં પ્રથમથી જ તને મારો નિશ્ચય કહેલો છે કે-હું ને દ્રોણ,કોઈ પણ પ્રકારે આ યુદ્ધમાંથી મુક્ત થવાના નથી (અર્થાંત તારે માટે અમે પ્રાણ આપીશું જ) વળી હું તને સત્ય કહું છું કે-ભીમસેન કૌરવોમાંના જેનેજેને રણસંગ્રામમાં દેખશે તેનો હંમેશાં નાશ જ કરશે.માટે,તું પણ હવે રણસંગ્રામમાં સ્થિર થા,બુદ્ધિને દૃઢ કર અને સ્વર્ગ મેળવવાની ઈચ્છા રાખી પાંડવો સામે યુદ્ધ કર.ઇન્દ્ર સહિત દેવો પણ પાંડવોને જીતી શકે તેમ નથી,કેમ કે શ્રીકૃષ્ણ તેમની સાથે છે (44)
અધ્યાય-88-સમાપ્ત
