Nov 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-972

 

અધ્યાય-૮૯-ભીમ,નકુલ અને સહદેવનું પરાક્રમ


॥ धृतराष्ट्र उवाच ॥ द्रष्ट्वा मे निहतान्त्पुत्रान् बहुनेकेन संजय I भीष्मो द्रोणः कृपश्चैव किमकुर्वत संयुगे ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા ઘણા પુત્રોને એકલા ભીમસેને મારી નાખેલા જોઈને,ભીષ્મ,દ્રોણ અને કૃપે યુદ્ધમાં શું કર્યું? મારા પુત્રોનો ક્ષય થયા કરે છે તેથી મારે માનવું પડે છે કે તેઓ સર્વથા દુષ્ટ દૈવની ઈચ્છાથી જ માર્યા જાય છે.ભીષ્મ,દ્રોણઆદિ રણમાંથી પાછા ન હટે તેવા અનેક યોદ્ધાઓના મધ્યમાં રહેલા મારા પુત્રો જયારે સંગ્રામમાં માર્યા જાય છે એમાં ભાગ્ય સિવાય બીજું શું સમજવું? મંદબુદ્ધિ દુર્યોધને,મોહથી અમારું કહેવું માન્યું જ નહિ,તેથી જ આજે આ ફળ આવેલું છે.

સંજયે કહ્યું-હે રાજા,તમે પોતે પણ વિદુરના હિતકારી વચનો માન્યાં નહોતાં,તે કારણથી પણ આ ફળ આવેલું છે.તેણે તમને કહ્યું જ હતું કે-તમારા પુત્રોને જુગાર રમતા અટકાવો ને પાંડવોનો દ્રોહ ન કરો' વળી તમારા હિતેચ્છુઓ પણ તે જ કહ્યા કરતા હતા.પણ જેમ,મૃત્યુવશ આવેલો મનુષ્ય ઔષધનો અનાદર કરે તેમ તમે પણ તેમનાં વચનો સાંભળ્યાં નહિ તેથી જ આ પરિણામ આજે આવેલું છે.વિદુરનું ભાખેલું ભવિષ્ય આજે સત્ય થયું છે.હવે જે થવાનું હતું તે થઇ ગયું છે.હવે એ મધ્યાહ્ન સમયે થઇ રહેલા મહારૌદ્ર સંગ્રામનું હું આગળ વર્ણન કરું છું તે તમે સાંભળો.


ત્યાર પછી,પાંડવ પક્ષનાં સર્વ સૈન્યો યુધિષ્ઠિરની આજ્ઞાથી,ભીષ્મને જ મારી નાખવાની ઈચ્છાથી તેમની સામે ધસી ગયાં.ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સાત્યકિ,દ્રુપદરાજા,ધૃષ્ટકેતુ,કુંતીભોજ વગેરે સર્વ પોતાના સૈન્ય સહીત ભીષ્મ સામે જવા લાગ્યા.

અર્જુન,દ્રૌપદીના પાંચ પુત્રો અને ચેકિતાન એ સર્વ દુર્યોધનની આજ્ઞામાં રહેલા રાજાઓ સામે ચઢી ગયા.

અભિમન્યુ,ઘટોત્કચ,ભીમસેન-આદિ સર્વ ક્રોધાયમાન થઈને કૌરવો સામે દોડી ગયા.


હે રાજન,આમ ત્રણ ભાગમા વહેંચાઈ ગયેલા પાંડવો,કૌરવોના પક્ષનો સંહાર કરવા લાગ્યા.એ વેળા,દ્રોણ,સોમકો અને સૃન્જયોને યમરાજને ઘેર પહોંચાડવા માટે ક્રોધાયમાન થઈને તેમનો સંહાર કરવા લાગ્યા.દ્રોણને હાથે માર્યા જતા યોદ્ધાઓનો આર્તનાદ થઇ રહ્યો હતો.સામે ભીમ,પણ કાળની જેમ કૌરવોનો કચ્ચરઘાણ વાળી રહ્યો હતો.એ મહાસંગ્રામે મોટા ભયકંર સ્વરૂપને ધારણ કર્યું ને યમરાજાના રાજ્યની વસ્તીમાં વધારો થતો રહ્યો.પછી,વિશેષ વેગવાળો ભીમ,હાથીઓના સૈન્યમાં આવી પહોંચ્યો અને હાથીઓને યમદ્વાર તરફ વિદાય કરવા મંડી પડ્યો.ઘવાયેલા ને મરતા હાથીઓની ભયકંર ચીસો સંભળાવા લાગી.


નકુલ અને સહદેવે ઘોડાઓના સૈન્યમાં ધસારો કર્યો.ને એ વખતે સેંકડો ને હજારો ઘોડાઓ નકુલ અને સહદેવના અસ્ત્રોથી નાશ પામતા દેખાતા હતા.આખી રણભૂમિ મરાયેલા ઘોડાઓ ને સૈનિકોથી છવાઈ ગઈ હતી.બીજી તરફ અર્જુને મારી નાખેલા અનેક રાજાઓ યુદ્ધભૂમિ પર પડેલા નજર આવતા હતા.સામે ક્રોધાયમાન થયેલા ભીષ્મ,દ્રોણ,અશ્વત્થામા અને કૃતવર્મા પાંડવ સૈન્યનો સંહાર કરી રહ્યા હતા.યુદ્ધભૂમિ પર સર્વત્ર એક બિહામણું દૃશ્ય ઉભું થયું હતું ને જાણે લોહીની નદીઓ વહેતી હતી.(40)

અધ્યાય-89-સમાપ્ત