અધ્યાય-૯૦-આઠમો દિવસ (ચાલુ) અર્જુનપુત્ર ઈરાવાનનો વધ
॥ संजय उवाच ॥ वर्तमाने तथा रौद्रे राजन वारंवारत्रये I शकुनिः सौबलः श्रीमान्पांडवान्समुपाद्रवम ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,એ મહાન યોદ્ધાઓનો નાશ કરનાર સંગ્રામ થઇ રહ્યો હતો ત્યારે શકુનિ અને યદુવંશમાં જન્મેલો હાર્દિકય પણ પાંડવોની સેના સામે ધસી ગયો.કામ્બોજ દેશના અને બીજા અનેક દેશના રાજાઓ પણ પોતાની સેના સાથે પાંડવો સામે ધસી જઈને તેમનો ઘેરો ઘાલવા લાગ્યા.ત્યારે પાંડવો તરફે અર્જુનપુત્ર ઈરાવાન શસ્ત્રોથી સજ્જ થઈને તેમની સામે આવ્યો.એ અર્જુનનો પુત્ર મહાપરાક્રમી હતો ને તે નાગરાજ ઐરાવતની પુત્રીથી ઉત્પન્ન થયેલો હતો.જયારે ગરુડે,એ નાગપુત્રીના ધણીને મારી નાખ્યો હતો ત્યારે પોતાને કોઈ સંતાન નહિ હોવાથી તે અતિ શોકાતુર થઇ હતી,તેથી નાગરાજ ઐરાવતે એ પોતાની પુત્રીને અર્જુન સાથે પરણાવી હતી.આ અર્જુનનો પુત્ર ઈરાવાન પરક્ષેત્રમાં જન્મેલો હતો,ને એના દુષ્ટ કાકા અશ્વસેને અર્જુન પરના દ્વેષને લીધે તેનો ત્યાગ કર્યો હતો જેથી તેની માતાએ,તેને નાગલોકમાં રાખીને ઉછેર્યો હતો.એક વખતે જયારે અર્જુન સ્વર્ગલોકમાં ગયો છે તેમ ઈરાવાનના સાંભળવામાં આવ્યું ત્યારે તે ઇંદ્રલોકમાં ગયો હતો ને તે જયારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુને પોતાના પુત્રને કહ્યું હતું કે-'જયારે અમારે યુદ્ધ કરવાનો પ્રસંગ થાય ત્યારે તારે અમને સહાય કરવી' એટલે અર્જુનને આપેલા વચનને સંભારીને ઈરાવાન અહીં યુદ્ધ કરવા આવ્યો છે.તે અનેક ઈચ્છા પ્રમાણે વેગવાળા ને વર્ણવાળા અનેક ઘોડાઓથી વીંટાયેલો છે.
મનસમાન વેગવાળા તે ઘોડાઓ,તમારા ઘોડાઓ સામે આવી જઈને વેગથી એકદમ અથડાતા,તમારા ઘોડાઓ એકદમ પૃથ્વી પર પડવા લાગ્યા.માર્યા ગયેલા ઘોડાઓવાળા શૂરા ઘોડેસ્વારો પણ પરિશ્રમથી થાકી જઈને ટપોટપ મરણ પામતા હતા.એ પ્રમાણે તમારા અશ્વસૈન્યનો ઘણો ભાગ નાશ પામ્યો ત્યારે શકુનિના છ નાનાભાઈઓ ગજ,ગવાક્ષ,વૃષભ,ચર્મવાન,આર્જવ,અને શુષ્ક-યુદ્ધ કરવા આગળ આવ્યા.ને પાંડવોની સેનાની ગોઠવણી તોડી પાડી,તેમના સૈન્યમાં દાખલ થઈને ઈરાવાનની સામે થયા.
ઈરાવાન અને તેના યોદ્ધાઓએ શત્રુઓના સૈન્યનો કચ્ચરઘાણ વાળ્યો.જે સુબલપુત્રો સહન કરી શક્યા નહિ અને તેમણે સાથે મળીને ઈરાવાનને ચારે બાજુથી ઘેરી લીધો.ને તેમની વચ્ચે મહાયુદ્ધ ચાલુ થયું.
સુબલપુત્રોએ તીક્ષ્ણ પ્રાસોના પ્રહારથી ઈરાવાનને ઘાયલ કર્યો ત્યારે તે એકલો હતો તો પણ જરાયે ગભરાયા વિના,ક્રોધાયમાન થઈને તે સર્વ યોદ્ધાઓને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યા ને મૂર્છાગત કર્યા.મનસમાન વેગવાળા ઘોડા પર તે એટલો ચાલાકીથી ઘૂમતો હતો કે-થોડીવારે મૂર્છામાંથી જાગ્રત થયેલા સુબલપુત્રોના હાથમાં તે આવી શકતો નહોતો.તેઓ તેને કેદ કરવાનું વિચારી રહ્યા હતા,પણ ઈરાવાન તેમની સામે તલવાર લઈને ધસી ગયો,ને એક ભાગી છૂટેલા વૃષભ સિવાય સર્વ સુબલપુત્રોને તેણે યમરાજના સદનમાં મોકલી આપ્યા.આવી રીતે આ યોદ્ધાઓને મરેલા જોઈને દુર્યોધન,ઋષ્યશૃંગના પુત્ર,માયાવી રાક્ષસ અલંબુષ પાસે દોડી ગયો ને તેને કહેવા લાગ્યો કે-'જો,આ અર્જુનનો માયાવી પુત્ર ઈરાવાન મારા સૈન્યનો સંહાર કરી રહ્યો છે,તું પણ ઇચ્છાનુસાર ગમન કરી શકે તેવો છે અને માયા તથા અસ્ત્રવિધામાં કુશળ છે,તો તેને હણી નાખ'
દુર્યોધનની આજ્ઞાને માન આપીને અલંબુષ,તે ઈરાવાન સામે ધસ્યો.તેણે પોતાની માયાથી બે હજાર ઘોડાઓ,અને તેના પર સવાર રાક્ષસો ઉત્પન્ન કર્યા અને ઈરાવાન સામે લડવા લાગ્યો.પણ થોડા જ સમયમાં તેના આ સૈન્યનો ઈરાવાને નાશ કર્યો.ઈરાવાને જયારે અલંબુષનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે,તે ઈરાવાનને જાણે મોહિત કરતો હોય તેમ આકાશમાં ઉડ્યો.સર્વ પ્રકારના મર્મને જાણનાર ને ઇચ્છાનુસાર રૂપ ધરનાર ઈરાવાન પણ તેની પાછળ આકાશમાં ઉડ્યો ને તેને મોહ પમાડી તેના શરીરના અવયવોને કાપવા માંડ્યો.તે રાક્ષસનું અંગ જેમ જેમ કપાતું તેમ તેમ નવું થયા કરતું હતું.ક્રોધાયમાન થયેલા અલંબુષે મહાભયંકર સ્વરૂપ ધારણ કર્યું ને ઈરાવાનને જીવતો પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.સામે ઈરાવાને પણ શેષનાગ સમાન મહાન સ્વરૂપ ધારણ કર્યું.
ઈરાવાનની પક્ષે તેના મોસાળપક્ષના અનેક નાગો તેની મદદે આવી પહોંચ્યા જેઓથી ઘેરાઈને તે અલંબુષની સામે પ્રહાર કરવા લાગ્યો.નાગોથી છવાઈ ગયેલા અલંબુષે,ધ્યાન કરીને ગરુડનું સ્વરૂપ ધારણ કર્યું અને સર્વ સર્પોનું ભક્ષણ કરવા માંડ્યું.
સર્વ નાગોના રક્ષણથી વંછિત થયેલો તે ઈરાવાન મોહિત થયો ત્યારે અલંબુષે તલવારનો પ્રહાર કરીને ઈરાવાનના મસ્તકને કાપી નાખ્યું ને તેને રણભૂમિ પર પાડી નાખ્યું.અર્જુનપુત્ર ઈરાવાનના મરાવાથી કૌરવ પક્ષના રાજાઓ જાણે શોકરહિત થયા.
પછી,ફરી મહાભયંકર સંગ્રામ મચી પડ્યો કે જેથી બંને સેનાઓમાં પરસ્પર મિશ્રભાવ થઇ ગયો.સેનાઓ સેળભેળ થઇ ગઈ.
પોતાનો પુત્ર ઈરાવાન માર્યો ગયો છે તે વાતની અર્જુનને ખબર પડી નહોતી કેમ કે તે તે વખતે ભીષ્મનું રક્ષણ કરનારા રાજાઓનો નાશ કરવામાં રોકાયો હતો.બીજી તરફ ભીષ્મ પણ પાંડવપક્ષી મહારથીઓનો ઘાણ કાઢી રહ્યા હતા ને તેમની સેનાને કંપાવી રહ્યા હતા.ભીષ્મનું પરાક્રમ ઇન્દ્રના પરાક્રમ જેવું અદભુત જણાતું હતું.સામે ભીમ.ધૃષ્ટદ્યુમ્ન,અને સાત્યકિનું મહારૌદ્ર યુદ્ધ થઇ રહ્યું હતું.વળી,તે વખતે દ્રોણાચાર્યનું પરાક્રમ જોઈને પાંડવપક્ષમાં ભય પેસી ગયો હતો ને જેથી તેઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે-'આ દ્રોણ,એકલા પણ સર્વ સૈનિકોનો સંહાર કરવા શક્તિમાન છે તો અનેક શૂરવીરોથી ઘેરાયેલા તેઓ શું ન કરી શકે?'
આ રૌદ્ર સંગ્રામ ચાલતો હતો,ત્યારે તે યુદ્ધમાં તેવો કોઈ યોદ્ધો નહોતો કે જે પોતાના પ્રાણનો બચાવ કરતો ન હોય (93)
અધ્યાય-90-સમાપ્ત