અધ્યાય-૯૧-આઠમો દિવસ (ચાલુ) દુર્યોધન અને ઘટોત્કચનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ इरावंतं तु निहतं द्रष्ट्वा पार्था महारथाः I संग्रामे किमकुर्वत तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ સંગ્રામમાં અર્જુનના પુત્ર ઈરાવાનને માર્યો ગયેલો જોઈને પાંડવોએ શું કર્યું? તે કહે.
સંજયે કહ્યું-હે રાજા,ઈરાવાનને સંગ્રામમાં મરણ પામેલો જોઈને ભીમપુત્ર ઘટોત્કચ,મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો,જે સાંભળીને તમારા સૈન્યના યોદ્ધાઓના શરીરમાં કંપારી છૂટી ગઈ.તેમનાં મન દીન થઇ ગયાં ને આમતેમ નાસવા લાગ્યા.
ઘટોત્કચે તે પ્રમાણે ગર્જના કરીને હાથમાં ઝળહળતું ત્રિશુલ ઊંચું કરીને મહાભયંકર રૂપ ધારણ કર્યું.ને અનેક પ્રકારના હથિયારો અને સ્વરૂપો ધારણ કરનારા રાક્ષસોથી વીંટાઇને તેણે તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યો.
તેને ધસી આવતો જોઈને તમારા સૈન્યે નાસભાગ કરવા માંડ્યું ત્યારે દુર્યોધને તેની સામે આવીને ઉભો.તેની પાછળ બંગદેશનો રાજા.પોતાના દશ હજાર હાથીઓને લઈને ધસ્યો.પોતાની સામે દુર્યોધનને જોઈને ઘટોત્કચ કોપાયમાન થયો ને તેના રાક્ષસો ને દુર્યોધનના સૈન્ય વચ્ચે રૂવાં કરી દે તેવું તુમુલ યુદ્ધ શરુ થયું.સામે હાથીઓનું સૈન્ય જોઈને રાક્ષસો અનેક પ્રકારની ગર્જનાઓ કરતા,બાણો,તલવારો ને નારાચોને હાથમાં લઈને હાથીઓ ને હાથીસ્વારોને સંહાર કરવા લાગ્યા.આમ હાથીસ્વારોનો સંહાર થતાં,અવશેષ રહેલા યોદ્ધાઓ પલાયન થવા લાગ્યા.ત્યારે દુર્યોધન પોતાના પ્રાણની પણ દરકાર નહિ કરતાં,રાક્ષસો પર તીક્ષ્ણ બાણો છોડીને તેમને મારવા માંડ્યો.ત્યારે દુર્યોધને વેગવાન,મહારૌદ્ર,વિદ્યુજીહ્વ અને પ્રમાથીન નામના ચાર રાક્ષસોને ચાર બાણોથી પ્રહાર કરીને મારી નાખ્યા.ત્યારે તમારા પુત્ર દુર્યોધનનું આ પરાક્રમ જોઈને ઘટોત્કચ ક્રોધાયમાન થયો ને પોતાના ધનુષ્યનો ટંકાર કરી,અતિવેગથી દુર્યોધન સામે ધસી ગયો.
યમરાજાએ પ્રેરેલા કાળસમાન દેખાવવાળા ઘટોત્કચને સામે આવતો જોઈને દુર્યોધન જરા પણ ગભરાયો ન હતો.ત્યારે ક્રોધથી લાલચોળ થયેલા નેત્રવાળો ઘટોત્કચ દુર્યોધન પાસે આવી તેને કહેવા લાગ્યો કે-'મહાક્રુર એવા તેં ,જે મારા પિતાઓને લાંબા કાળ સુધી વનવાસ આપ્યો,તેના તથા મારી માતાના ઋણમાંથી આજે હું મુક્ત થઈશ.વળી,કપટથી જુગાર રમીને,દ્રૌપદીનું ભરી સભામાં તેં જે અપમાન કર્યું છે તે અને બીજાં પણ અનેક અપમાનોનું,તું આજે જો રણસંગ્રામમાંથી ભાગી જઈશ નહિ તો હું આજે જ ફળ આપીશ ને તારો નાશ કરીશ.' આમ કહી તે હિડિમ્બાના પુત્ર ઘટોત્કચે,પોતાના મોટા ધનુષ્યનો ટંકાર કરીને,ક્રોધથી હોઠ પીસી,દાંત કચડી,બંને ગલોફાઓને ચાટતાં,બાણોનો વરસાદ કરીને દુર્યોધનને છાઈ દીધો (31)
અધ્યાય-91-સમાપ્ત
