અધ્યાય-૯૨-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું પરાક્રમ
॥ संजय उवाच ॥ ततस्तद्राणवर्ष तु दुःसहंवानवैरपि I दधार युधि राजेन्द्रो यथावर्ष महाद्विपः ॥१॥
સંજયે કહ્યું-દાનવોને પણ સહન કરવાને અશક્ય એવી તે બાણવૃષ્ટિને,રાજેન્દ્ર દુર્યોધન,જેમ,મહાન હાથી મેઘવૃષ્ટિને સહન કરે તેમ,સહન કરી રહ્યો હતો.ક્રોધાવેશમાં આવેલો તે સર્પની જેમ શ્વાસોશ્વાસ લેતો,ને જીવિતના સંશયમાં આવી પડ્યો હતો.તે પછી,દુર્યોધને અત્યંત તીક્ષ્ણ પચીસ બાણો છોડ્યાં,કે જે બાણોના પ્રહારથી લોહીલુહાણ થયેલા ઘટોત્કચે દુર્યોધનના નાશનો વિચાર કરીને સામે વજ્રસમાન શક્તિને ઉગામી.તે શક્તિને જોઈને બંગદેશના રાજાએ ઘણી ઝડપથી પર્વત સમાન એક હાથીને વચ્ચે આડો ઉભો કરી દીધો.રાક્ષસે જેવી તે શક્તિ તે હાથી પર ફેંકી ત્યારે તે બળવાન મહાન હાથી મરણ પામ્યો.
તે મહાન હાથીને મરણ પામેલો જોઈને નાસભાગ કરતા સૈન્યને જોઈ દુર્યોધન વ્યથિત થયો પણ પોતાના અભિમાનપણાને લીધે આમ પરાજય થયો હોવા છતાં ત્યાં સ્થિર થઈને ઉભો હતો.પછી,તેને અગ્નિસમાન તેજસ્વી બાણ છોડ્યું કે જેને ઘટોત્કચે ચાલાકીથી ચૂકવી દીધું.ને લાલ નેત્રવાળો તે મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતો સર્વ સૈન્યને ત્રાસ પમાડવા લાગ્યો.ત્યારે તેની ગર્જના સાંભળીને ભીષ્મે દ્રોણાચાર્યને કહ્યું કે-'તે રાક્ષસને કોઈ પણ મનુષ્ય સંગ્રામમાં જીતી શકે તેમ નથી માટે તમે ત્યાં જાઓ ને દુર્યોધનને બચાવો.દુર્યોધનનું રક્ષણ કરવું એ આપણી મુખ્ય ફરજ છે'
ભીષ્મનું વચન સાંભળીને દ્રોણ,સોમદત્ત,બાહલીક,જયદ્રથ,કૃપાચાર્ય,ભૂરિશ્રવા-આદિ અનેક યોદ્ધાઓ તેમના અનુયાયીઓ સાથે તમારા પુત્ર દુર્યોધનને બચાવવા આવી પહોંચ્યા.જેને જોઈને ઘટોત્કચ જરા પણ ડગ્યો નહિ પરંતુ હાથમાં શૂલ,મુદગર વગેરે અનેક પ્રકારનાં હથિયારોને ધારણ કરનારા પોતાના જ્ઞાતિવર્ગ સાથે હાથમાં મોટું ધનુષ્ય લઈને તેમની સામે થયો ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.ત્યાર પછી,પરમ ક્રોધાયમાન થયેલા તે રાક્ષસેન્દ્રે ભયંકર ગર્જના કરીને અર્ધચંદ્રાકાર બાણ મૂકીને દ્રોણના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા,ને બીજા ભલ્લ બાણથી સોમદત્તની ઘ્વજા ઉડાડી દીધી.પછી,બાહલીકને,કૃપાચાર્યને અને ચિત્રસેનને છાતીમાં વીંધી નાખ્યા.ને વિકર્ણની હાંસડી પર બાણથી પ્રહાર કરીને તેને લોહીલુહાણ કરી દીધો કે જેથી તે પોતાના રથની બેસણી પર બેસી ગયો.તે જ રીતે તેણે ભૂરિશ્રવાના કવચને તોડી નાખ્યું અને અશ્વસ્થામાના સારથીને મારી નાખ્યો.
વળી તે ઘટોત્કચે,જયદ્રથની ધજાને કાપી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું,તીક્ષ્ણ ને ઝેરી બાણથી બૃહદબલને ઘાયલ કર્યો ને સર્પસમાન અત્યંત ઝેરી બાણો મૂકીને યુદ્ધકુશળ શલ્યરાજાને પણ ઘાયલ કર્યો. (42)
અધ્યાય-92-સમાપ્ત
