અધ્યાય-૯૬-આઠમો દિવસ સમાપ્ત-ભયંકર રણભૂમિ
॥ संजय उवाच ॥ पुत्रं विनिहतं श्रुत्वा इरावंतं धनंजयः I दुखेन भरताविष्टो निःश्चसन्पन्नगो यथा ॥१॥
સંજયે કહ્યું-પોતાના પુત્ર ઈરાવાનને યુદ્ધમાં માર્યો ગયેલો સાંભળી,મહાદુઃખી થયેલો અર્જુન સર્પની પેઠે નિશ્વાસ નાખવા લાગ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'વિદુરે,'કૌરવો ને પાંડવોનો ભયંકર નાશ થશે'એમ પ્રથમથી જ નિશ્ચયપૂર્વક જોઈ લીધું હતું.આ યુદ્ધમાં આપણા અને તેઓના ઘણા વીરોનો નાશ થયો છે.માટે જે અર્થ (ધન) માટે આવું નિંદ્ય કર્મ કરાય છે તે અર્થને ધિક્કાર હજો.દુર્યોધન અને તેના દુષ્ટ સલાહકારોના વિચારોથી થયેલ આ યુદ્ધમાં બિચારા અનેક ક્ષત્રિયો માર્યા જાય છે.મરણ પામેલા આ ક્ષત્રિયોને જોઈને હું મારા આત્માને અતિ નિંદુ છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર હો.જો કે આ બધા ક્ષત્રિયો,મને યુદ્ધ કરવામાં કાયર માનશે,આ જ્ઞાતિલાઓ સાથે મને યુદ્ધ કરવું લગાર પણ ગમતું નથી,છતાં આપના ઉપદેશને અનુસરીને હું યુદ્ધ કરવા તત્પર થાઉં છું,ચાલો જલ્દી કૌરવોની સેનાએ તરફ આપણો રથ હાંકો'
ત્યારે શ્રીકૃષ્ણે રથને કૌરવસૈન્ય તરફ હાંક્યો.તે વખતે દિવસના પાછળના ભાગમાં ભીષ્મ ને પાંડવો વચ્ચે સંગ્રામ થઇ રહ્યો હતો. તમારા પુત્રોથી વીંટાઇને દ્રોણાચાર્ય ભીમ સામે ધસ્યા હતા.ભગદત્ત,ભીષ્મ,કૃપાચાર્ય અને સુશર્મા,અર્જુનની સામે આવી ગયા.હાર્દિકય અને બાહલીક સાત્યકિ સામે અને અમ્બષ્ઠ રાજા,અભિમન્યુ સામે યુદ્ધ કરતા હતા.તમારા પુત્રો ભીમ સામે ધસ્યા ત્યારે ક્રોધથી ભીમે,વ્યૂઢોરસ્ક ને કુંડલી ને મારી નાખ્યા ને ઝપાટાબંધ તમારા પુત્રો સામે બાણો ફેંકીને તેમને રથ પરથી પાડી નાખ્યા.અનાધૃષ્ટિ,કુંડભેદી,વૈરાટ,દીર્ઘલોચન,દીર્ઘબાહુ,સુબાહુ અને કનકધ્વજ-આ તમારા પુત્રો જયારે ભૂમિ પર પડ્યા ત્યારે તમારા બીજા પુત્રો ત્યાંથી પલાયન જ થઇ ગયા.દ્રોણાચાર્ય બાણોની વૃષ્ટિ કરી ભીમસેનને વારવા માંડ્યા પણ ભીમ તેની પરવા કર્યા વિના તમારા પુત્રોને માર્યા જ કરતો હતો.ભીમસેનનું આ પરાક્રમ અદભુત હતું,તેણે તમારા પુત્રોને ત્યાંથી હાંકી જ કાઢ્યા.
બીજી તરફ ભીષ્મ,ભગદત્ત,કૃપાચાર્ય આદિ મહારથીઓ સંગ્રામમાં આગળ વધતા અર્જુનને અટકાવી રહ્યા હતા.અભિમન્યુએ અમ્બષ્ઠ રાજાને રથ વગરનો કરી નાખ્યો,ત્યારે તેણે અભિમન્યુ પર તલવાર ફેંકીને હાર્દિકયના રથ પર ચડી ગયો.અભિમન્યુએ પોતાના તરફ આવતી તલવારને ચતુરાઈ પૂર્વક ચુકાવી દીધી,ત્યારે સૈન્યમાં 'વાહ વાહ શાબાશ' શબ્દ થઇ રહ્યો.ધૃષ્ટદ્યુમ્ન વગેરે યોદ્ધાઓ તમારા સૈન્ય સાથે યુદ્ધ કરી રહ્યા હતા ને મહા વિનાશ સર્જાઈ રહ્યો હતો.હે રાજા,રણમાં માર્યા ગયેલા યોદ્ધાઓ,ઘોડાઓ,હાથીઓ,પગપાળા સૈનિકોથી યુદ્ધભૂમિ છવાઈ ગઈ હતી.ઠેરઠેર જુદાજુદા અસ્ત્રો વિખેરાઈ પડેલા દેખાતા હતા.ઘવાયેલા યોદ્ધાઓની બૂમો સંભળાતી હતી.ભાંગીને ભુક્કો થયેલા રથો,મરણ પામતા ઘોડા ને હાથીઓની ચીસો સંભળાતી હતી.લોહીથી તળબોળ કાદવ ને જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેમ દેખાતું હતું.એ સંગ્રામમાં કેટલાક યોદ્ધાઓ થાકીને લોથપોથ થયા હતા તો કેટલાક ઘવાયેલા નાસી છૂટ્યા હતા.એટલામાં રાત્રિ થઇ ત્યારે કૌરવો ને પાંડવોએ પોતપોતાના સૈન્યોને પાછા વાળ્યાં.ને સર્વ પોતપોતાની છાવણીમાં જઈને વિશ્રામ કરવા લાગ્યા.(80)
અધ્યાય-96-સમાપ્ત
