અધ્યાય-૯૫-આઠમો દિવસ (ચાલુ) ભીમ અને ભગદત્તનું યુદ્ધ
॥ संजय उवाच ॥ तस्मिन्मति संक्रन्दे राज दुर्योधनस्तदा I गांगेयमृपसंगम्य विनयेनाभिवाद्य च ॥१॥
સંજયે કહ્યું-એ મહાન યુદ્ધ થઇ રહ્યું,ત્યારે રાજા દુર્યોધન,ભીષ્મ પાસે જઈને વિનયપૂર્વક પ્રણામ કરી,ઘટોત્કચનો વિજય અને પોતાનો પરાજય જે પ્રમાણે થયો હતો તે સઘળું કહીને તેમને કહેવા લાગ્યો કે-'હે પ્રભો,શત્રુઓએ જેમ વાસુદેવનો આશ્રય કરેલો છે તેમ મેં તમારો આશ્રય કરીને પાંડવો સામે આ ઘોર યુદ્ધ આરંભેલું છે.મારી સેના અને હું પોતે તમારી આજ્ઞાને આધીન છીએ.છતાં પણ ભીમ અને પાંડવોએ ઘટોત્કચનો આશ્રય કરીને મને યુદ્ધમાં હરાવ્યો છે તે મારા અંગોને બાળી મૂકે છે.
તમારી કૃપાથી હું પોતે જ એ રાક્ષસનો નાશ કરવા ઈચ્છું છું,તો મારાથી એ કામ બની શકે તેમ કરવા તમે યોગ્ય છો'
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,જે પ્રમાણે તારે હવે વર્તન કરવાનું છે તે હું તને કહું છું,તે સાંભળી લે.આ રણમાં સર્વ અવસ્થાઓમાં તારે તારું પોતાનું રક્ષણ કરવું અને રાજધર્મને માન આપીને તારે પાંડવ ભાઈઓ જોડે જ લડ્યા કરવું,કારણકે રાજાએ રાજા સામે જ યુદ્ધ કરવું જોઈએ.હું,દ્રોણ,કૃપ,અશ્વત્થામા,શલ્ય,ભૂરિશ્રવા,વિકર્ણ,દુઃશાસન ને તારા ભાઈઓ સાથે મળીને તે મહાબળવાન રાક્ષસ સામે યુદ્ધ કરીશું.છતાં પણ એ રૌદ્ર રાક્ષસના સંબંધમાં ઘણી જ ખટક રહેતી હોય તો રાજા ભગદત્ત,એ રાક્ષસની સામે યુદ્ધ કરવા માટે જાય' દુર્યોધનને એમ કહીને ભીષ્મે ભગદત્તને કહ્યું કે-'હે મહારાજ તમે તે રાક્ષસ સામે યુદ્ધ કરવા જાઓ,ને તેને રણમાં આગળ વધતો અટકાવો.તમારાં અસ્ત્રો દિવ્ય છે ને આ યુદ્ધમાં તે રાક્ષસ સામે લડી શકે તેવા તમે એક જ છો.
તમે અધિક બળવાન છો માટે તમે તે રાક્ષસનો નાશ કરો'
સેનાપતિ ભીષ્મનું વચન સાંભળીને ભગદત્ત સિંહનાદ કરીને પોતાના સુપ્રતીક નામના હાથી પર બેસીને શત્રુઓ સામે ચાલી નીકળ્યો.તેને આવતો જોઈને પાંડવપક્ષના યોદ્ધાઓ પણ ક્રોધપૂર્વક તેની સામે ધસ્યા.ને આમ તેમની વચ્ચે યમરાજાની રાજધાનીને વધારનારૂ તથા ઘોર સ્વરૂપવાળું ભયંકર યુદ્ધ મચ્યું.પછી,ભગદત્ત,ભીમસેન પર ધસ્યો ને તેને બાણોની અવિચ્છિન્ન ધારાઓના પ્રહારથી ઢાંકી દીધો.કોપાયમાન થયેલા ભીમે ભગદત્તના સો થી પણ વધારે પાદરક્ષકોને હણી નાખ્યા.ભગદત્તને ધસી આવતો જોઈને અભિમન્યુ-આદિ પાંડવ યોદ્ધાઓ વેગપૂર્વક ત્યાં ધસી ગયા ને તે એકલા હાથીને ઘેરીને અનેક બાણોથી તેને વીંધવા લાગ્યા.દશાર્ણ દેશનો રાજા ક્ષત્રદેવ પોતાના હાથી પર બેસીને ભગદત્તના હાથી સામે આવ્યો,પણ તેને ભગદત્તના સુપ્રતીક હાથીએ અટકાવી રાખ્યો.ભગદત્તે ચૌદ તોમરબાણોથી ક્ષત્રદેવના હાથી પર પ્રહાર કર્યો,જે તે હાથીના બખ્તર તોડીને તેના શરીરમાં પેસી ગયા.વ્યથાથી પીડિત તે હાથી વેગપૂર્વક ત્યાંથી પાછો હટ્યો ને રણભૂમિ પરથી ભાગ્યો.
ત્યારે પાંડવ પક્ષના યોદ્ધાઓ ભીમને આગળ કરીને ભગદત્ત સામે ધસ્યા.ભગદત્તે પોતાના તે મહાન હાથીને તેઓની સામે હાંક્યો ને કોપાયમાન થયેલા તે હાથીએ અનેક રથ,ઘોડા ને પાળાઓને છૂંદી નાખ્યા ને આમતેમ દોડતા તે હાથીએ પાંડવ સૈન્યને મથી નાખ્યું.તે વખતે ઘટોત્કચે પર્વતોને પણ તોડી નાખે તેવું ત્રિશુલ લઈને હાથીને મારી નાખવાની ઈચ્છાથી તેના સામે ફેંક્યું.એકાએક આવતા તે ત્રિશૂલને આવતું જોઈને ભગદત્તે સામે બાણ ફેંકીને તે ત્રિશૂળના કકડા કરી નાખ્યા.ને સામે અગ્નિસમાન શક્તિ ફેંકી.
શક્તિને સામે આવતી જોઈને ઘટોત્કચ એકદમ ઉડ્યો અને શક્તિને હાથમાં પકડીને કડાક દઈને ભાગી નાખી.રાક્ષસનું આવું પરાક્રમ જોઈને પાંડવ યોદ્ધાઓ 'શાબાશ છે'એવો શબ્દ કરીને રણભૂમિ ગજાવી દીધી.
આનંદમાં આવી ગયેલા તે પાંડવ યોદ્ધાઓની મહાન ગર્જનાને ભગદત્ત સહન કરી શક્યો નહિ અને એક બાણથી ભીમને,નવ બાણોથી ઘટોત્કચને,ત્રણ બાણોથી અભિમન્યુને ને પાંચ બાણોથી કેકયકુમારોને વીંધી નાખ્યા.ને પછી મજબૂત ગાંઠાવાળા બાણથી ક્ષત્રદેવનો જમણો હાથ કાપી નાખ્યો.વળી,દ્રૌપદીના પાંચેય પુત્રો પર પાંચ બાણોથી પ્રહાર કરીને,ક્રોધાયમાન થઈને તેણે ભીમસેનના ધ્વજને કાપી નાખ્યો ને એના ઘોડાઓને મારીને,સારથિને પણ વીંધી નાખ્યો.ભીમનો સારથી વિશોક વ્યથિત થઈને રણભૂમિ પર બેસી ગયો.રથ વિનાનો થયેલ ભીમ,હાથમાં ગદા લઈને ઉતરી પડ્યો,જેને જોઈને તમારા સર્વ યોદ્ધાઓને ભય ઉત્પન્ન થયો.એ જ સમયે અર્જુન ત્યાં બાણો વરસાવતો આવી પહોંચ્યો.ત્યારે દુર્યોધન પણ રથ ઘોડા ને હાથીઓથી ભરપૂર સેનાને લઈને ત્વરાપૂર્વક આગળ આવ્યો ને તુમુલ યુદ્ધ મચ્યું.ભગદત્ત પોતાના હાથીથી સૈન્યનો ઘાણ વળતો યુધિષ્ઠિર સામે ધસ્યો.તે યુદ્ધમાં ભીમસેને કૃષ્ણને ને અર્જુનને ઈરાવાનનો વધ જે રીતે થયો હતો તે વ્યવસ્થિત કહી સંભળાવ્યું હતું.(86)
અધ્યાય-95-સમાપ્ત