અધ્યાય-૯૪-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું યુદ્ધ
॥ संजय उवाच ॥ स्वसैन्यं निहतं द्रष्ट्वा राजा दुर्योधनः स्वयम् I अभ्यधावत संकृद्वो भीमसेनमरिंदमम ॥१॥
સંજયે કહ્યું-પોતાના સૈન્યને માર્યું ગયેલું ને ભાગતું જોઈને,દુર્યોધન પોતે ક્રોધાયમાન થઈને ભીમસેન તરફ દોડ્યો.ને મોટી બાણવૃષ્ટિ કરીને તેને ઢાંકી દીધો.વળી,અર્ધચંદ્રાકાર બાણને છોડીને તેના ધનુષ્યને છેદી નાખ્યું ને એ સમયનો લાભ લઈને તેણે પર્વતોને પણ તોડી નાખે તેવું તીક્ષ્ણ બાણ છોડીને ભીમની છાતી પર પ્રહાર કર્યો,કે જેનાથી વિંધાઈને વ્યથિત થયેલો ભીમ પોતાના ધ્વજને પકડીને ઉભો રહ્યો.ઉદાસ થયેલા ભીમને જોઈને ઘટોત્કચ અગ્નિની જેમ ક્રોધથી બળી ઉઠ્યો.ને તે અને અભિમન્યુ તથા બીજા યોદ્ધાઓ ગર્જનાઓ કરતા દુર્યોધનની સામે દોડી ગયા.ક્રોધપૂર્વક ધસી આવતા તેમને જોઈને દ્રોણે બીજા મહારથીઓને દુર્યોધનનું રક્ષણ કરવાની આજ્ઞા કરી ને તે પોતે તથા ભૂરિશ્રવા,શલ્ય,અશ્વત્થામા-આદિ યોદ્ધાઓ દુર્યોધનને વીંટાઈ વળ્યા ને તુમુલ યુદ્ધની શરૂઆત થઇ.
દ્રોણાચાર્યે,પોતાના મહાન ધનુષ્યનો ટંકાર કરીને છવ્વીસ બાણોથી ભીમસેન પર પ્રહાર કર્યો.ને બીજાં ઘણાં બાણોની વૃષ્ટિ કરીને ભીમને ઢાંકી દીધો.સામે ભીમે પણ દશ બાણો મૂકીને આચાર્યને ડાબા પડખામાં વીંધી નાખ્યા.બાણોથી વીંધાયેલા દ્રોણ,પોતે વયોવૃદ્ધ હોવાથી એકદમ બેભાન થઈને રથની બેસણી પર બેસી ગયા.ગુરુને વ્યથિત થયેલા જોઈને દુર્યોધન પોતે અને અશ્વત્થામા ભીમસેન તરફ ધસ્યા.તે બંનેને આવતા જોઈને ભીમ સત્વરે હાથમાં ગદા લઈને રથમાંથી કૂદી પડ્યો,ને ત્વરાથી તેમની સામે દોડ્યો.ત્યારે તેમની મદદે આવેલા સર્વ યોદ્ધાઓ ભેગા મળીને ભીમસેનને ચારે બાજુથી પીડવા માંડ્યા.
ભીમસેનને પીડાતો જોઈને અભિમન્યુ આદિ પાંડવ પક્ષના યોદ્ધાઓ ભીમના રક્ષણ માટે દોડી આવ્યા.
ભીમનો પરમપ્રિય મિત્ર તથા કાળા મેઘસરખો જણાતો અનુપદેશનો રાજા નીલ,અશ્વત્થામા સામે આવી ગયો,કારણકે તે હંમેશાં તેની સ્પર્ધા કરતો હતો.તેણે પોતાના મહાન ધનુષ્યનો ટંકાર કરીને એક બાણથી અશ્વત્થામાને ભેદી નાખ્યો.લોહીલુહાણ થયેલા અશ્વત્થામાએ અનેક બાણોનું સંધાન કરીને તેના ચારે ઘોડાઓને મારી નાખ્યા,તેની ધ્વજાને કાપી નાખી અને નેને છાતીમાં વીંધી નાખ્યો.ગાઢ વીંધાઈ ગયેલો ને બેભાન સરખો થયેલો નીલરાજા પોતાના રથની બેઠક પર બેસી ગયો.
નીલરાજાને વ્યથિત થયેલો જોઈને ઘટોત્કચ કોપ્યો ને પોતાના જ્ઞાતિભાઈઓને સાથે લઈને અશ્વત્થામા સામે ધસ્યો.ધસી આવતા રાક્ષસોને જોઈને અશ્વત્થામા તેમને મારવા લાગ્યો ને તેમને પાછા પાડવા લાગ્યો.પોતાના રાક્ષસોને પાછા પડતા જોઈને પ્રચંડ શરીરવાળો ઘટોત્કચ,કોપી ઉઠ્યો અને પોતાની ઘોર સ્વરૂપવાળી અતિ દારુણ માયાને પ્રગટ કરવા લાગ્યો.તે માયાવીએ અશ્વત્થામાને અને તેના સૈન્યને મોહિત કરી નાખ્યું.સૈનિકો પાછા હટવા લાગ્યા.તેમને સર્વ સૈન્ય જાણે મરણ પામેલું હોય તેવું ભાસવા લાગ્યું.દ્રોણ,દુર્યોધન -આદિ સર્વ ધનુર્ધરો પણ તેમને મરણ પામેલા દેખાવા લાગ્યા.અવાસ્તવિક એવા એ માયિક સ્વરૂપને વાસ્તવિક માનીને સર્વ સૈન્ય છાવણી તરફ નાસવા લાગ્યું.
ભીષ્મે બૂમ મારીને તે સર્વ યોદ્ધાઓને કહ્યું કે-'રણભૂમિ પર દેખાતો આ દેખાવ એ ઘટોત્કચની રાક્ષસી માયા છે માટે તમે નાસો નહિ પણ યુદ્ધ કરો' આમ તેમની બૂમો છતાં માયાથી મોહિત થયેલા તમારા સર્વ સૈનિકો ઉભા જ ન રહ્યા અને ભયભીત થયેલા તેઓએ ભીષ્મના વચન પર શ્રદ્ધા જ કરી નહિ.તમારા સૈન્યને નાસભાગ કરતા જોઈને પાંડવો ઘટોત્કચની સાથે સિંહગર્જનાઓ કરવા લાગ્યા અને શંખો ફૂંકીને નાદ કરવા લાગ્યા.એ પ્રમાણે ઘટોત્કચે તમારા સૈન્યમાં મોટું ભંગાણ પાડ્યું અને સૂર્યાસ્ત થવાના સમયે તમારા સૈન્યને ચારે દિશાઓમાં નસાડી મૂક્યું (50)
અધ્યાય-94-સમાપ્ત