Nov 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-976

 

અધ્યાય-૯૩-આઠમો દિવસ (ચાલુ) સંકુલયુદ્ધ 


॥ संजय उवाच ॥ विमुचोकृत्य सर्वास्तु तावकान्मुधिराक्षसः I जिधांसुर्भरतश्रेष्ठ दुर्योधनमुपाद्रवर ॥१॥

સંજયે કહ્યું-તે રાક્ષસ ઘટોત્કચ,તમારા સર્વ યોદ્ધાઓને પાછા હઠાવી દઈને દુર્યોધનને મારી નાખવાની ઈચ્છાથી તેની સામે વેગપૂર્વક ધસ્યો.તેને ધસી આવતો જોઈને તમારા પક્ષના મહારથીઓએ ફરી તેની સામે બાણોની વૃષ્ટિ કરીને તેને ચારે બાજુથી ઢાંકી દેવા લાગ્યા ને તેના પર બાણોથી પ્રહાર પણ કરવા લાગ્યા.તેમના પ્રહારથી વ્યથિત થયેલો તે રાક્ષસ આકાશમાં ઉડ્યો ને ભયંકર ગર્જનાઓ કરીને આકાશ,દિશાઓ અને વિદિશાઓને ગજાવી મૂક્યાં.એ ગર્જના સાંભળીને યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-

'જે કારણથી આ ભયંકર ગર્જના સંભળાય છે તેથી જણાય છે કે ઘટોત્કચ કૌરવોના મહારથીઓ સામે યુદ્ધ કરી રહ્યો છે,એના પર યુદ્ધનો બધો ભાર આવી પડ્યો હોય તેમ મને દેખાય છે.આ તરફ ભીષ્મ,પાંચાલોનો નાશ કરવા તત્પર થયેલા છે તેથી તેમનું રક્ષણ કરવા અર્જુન શત્રુઓ સામે લડી રહ્યો છે.માટે હાલ સંશયમાં આવી પડેલા રાક્ષસનું રક્ષણ કરવા તમે જાઓ'

યુધિષ્ઠિરની આજ્ઞાથી,ભીમ ત્વરિત ત્યાંથી ચાલી નીકળ્યો.તેની પાછળ,સત્યધૃતિ,સૌચિતિ,શ્રેણીમાન,વસુદાન,કાશીરાજનો પુત્ર,અભિમન્યુ,દ્રૌપદીના પાંચ પુત્રો ને બીજા ઘણા યોદ્ધાઓ છ હજાર લડાયક હાથીઓને લઈને ચાલ્યા અને ઘટોત્કચની આસપાસ આવી તેને વીંટળાઈને તેનું રક્ષણ કરવા લાગ્યા.


આવી રીતે ધસી આવેલા ભીમસેન અને બીજા યોદ્ધાઓને જોઈને તમારું સૈન્ય એકદમ નિસ્તેજ મુખવાળું થઇ ગયું.

પણ,તમારા મહારથીઓ,યોદ્ધાઓથી ઘેરાયેલા ઘટોત્કચને છોડીને ભીમ આદિ મહારથી સામે ધસી ગયા અને તેમની વચ્ચે યુદ્ધ ચાલુ થયું.એ સમયે પાંડવ કે કૌરવ સૈન્યનો કોઈ પણ યોદ્ધો પાછળ હટતો નહોતો.પણ એકબીજાની સામે દોડીને એકબીજા પર પ્રહાર કરતા હતા.ભય ઉપજાવનારું એ મહારૌદ્ર યુદ્ધ,જોતજોતામાં એકબીજામાં સેળભેળ થઇ ગયું.ઘોડાઓ હાથીઓ સામ અને રથીઓ પાળાઓ સામે આવી જઈને અન્યોન્યને હાંક મારતા લડવા લાગ્યા.હાથીઓની ધમાધમીથી,શસ્ત્રોના ધસારાથી ઊડતી ધૂળથી આખી રણભૂમિનું આકાશ ઢંકાઈ ગયેલું દેખાતું હતું.


હે રાજન,તે વખતે કોઈ પોતાના કે પારકાને ઓળખી શકતો નહોતો.જોતાં રૂવાં ખડાં કરી દે તેવું એ મહાન યુદ્ધ અમર્યાદિત થઇ પડ્યું.ગર્જના કરતા યોદ્ધાઓનો ને ખણખણાટ કરતાં શસ્ત્રોનો મહાન શબ્દ પ્રેતોના શબ્દ સમાન ભયાનક જણાતો હતો.

માથાં વગરનાં મનુષ્યોના ધડોથી,કપાઈ ગયેલા હાથીઓથી ને છિન્નભિન્ન થઇ ગયેલા ઘોડાઓથી આખી રણભૂમિ છવાઈ રહી હતી.નારાચો ને તોમરોથી ઘાયલ થયેલા કેટલાએક હાથીઓ મોટી મોટી ગર્જનાઓ કરીને ચારે બાજુ દોડતા હતા.ને સેંકડો રથો,ઘોડાઓ ને પાળાઓનો કચ્ચરઘાણ વળતા હતા.એ યુદ્ધમાં સ્વર્ગ કે યશની ઈચ્છા રાખનારા સર્વ યોદ્ધાઓ અન્યોન્ય પર પ્રહાર કરી રહ્યા હતા.એ પ્રમાણે ઘોર સંગ્રામ ચાલ્યો,કે જેમાં કૌરવોની સેના લગભગ નાસી છૂટી હતી.(43)

અધ્યાય-93-સમાપ્ત