અધ્યાય-૧૦૨-ભીમનું પરાક્રમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणे महेष्वासः पांडवश्च धनंजयः I समोयेतुरणे यतौ तावुभौ पुरुशर्षभौ ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-મહાધનુર્ધર દ્રોણાચાર્ય અને અર્જુન એ બંને પુરુષશ્રેષ્ઠો રણસંગ્રામ કરવા કેવી રીતે સજ્જ થયા? દ્રોણાચાર્યને અર્જુન હંમેશાં પ્રિય હતો,તેમ જ અર્જુનને પોતાના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત પ્રિય હતા તો પછી સિંહની જેમ ઉત્કટ થયેલા તે બંને મહારથીઓ હર્ષમાં આવી જઈને યુદ્ધ કરવા સામસામા કેવી રીતે સજ્જ થયા? તે મને કહે.
સંજયે કહ્યું-યુદ્ધ કરવા સમયે,ક્ષત્રિય ધર્મને માન આપીને,દ્રોણાચાર્ય અર્જુનને કે અર્જુન દ્રોણાચાર્યને પ્રિય જાણતા નહોતા.યુદ્ધમાં ક્ષત્રિયો પરસ્પરને છોડતા જ નથી.પોતાના સગા ભાઈઓ જોડે પણ મર્યાદા રાખ્યા વિના યુદ્ધ કરે છે.એ સંગ્રામમાં અર્જુને દ્રોણાચાર્યને ત્રણ બાણોનો પ્રહાર કર્યો કે જેને દ્રોણે ગણકાર્યા જ નહિ,ત્યારે અર્જુને બાણોની વૃષ્ટિ કરીને દ્રોણને રથમાં જ ઢાંકી દીધા.ત્યારે ક્રોધે ભરાયેલા દ્રોણે બાણો વડે તત્કાલ તે અર્જુનને ઢાંકી દીધો.આમ તે બંનેનું યુદ્ધ ચાલતું હતું ત્યારે દુર્યોધને સુશર્માને દ્રોણનું રક્ષણ કરવા આજ્ઞા કરી,એટલે તેણે પણ અર્જુન તરફ બાણોનો પ્રહાર કરી તેને ઢાંક્યો.દ્રોણ અને સુશર્માના છોડેલા બાણોએ અર્જુનને ઘાયલ કર્યો,એટલે તેણે મહાગર્જના કરીને,તે ત્રિગર્ત રાજાને,તેના પુત્રો સહીત બાણો વડે વીંધી નાખ્યો.જેમ,પ્રલયકાળે યમ સંહાર કરે તેમ,એ યુદ્ધમાં અર્જુન પ્રહાર કરતો હતો.તે સમયે અર્જુનના હાથની ચાલાકી અમને અદભુત દેખાતી હતી,કેમકે તેણે એકલા એ જ અનેક યોદ્ધાઓની બાણવૃષ્ટિને વિખેરી નાખી હતી.
હે ભારત,અર્જુન ત્રિગર્ત યોદ્ધાઓ પર અત્યંત કોપીને,તેઓના પર વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેના પ્રભાવથી આકાશને ખળભળાવી દેતો મહાન વાયુ પ્રગટ થયો કે જેણે અનેક સૈનિકોનો સંહાર કરી નાખ્યો.ત્યારે દ્રોણાચાર્યે સામે તે અસ્ત્રને શાંત કરવા શૈલાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેથી તે પ્રચંડ વાયુ શાંત થઇ ગયો ને સર્વ દિશાઓ પ્રસન્ન થઇ.અર્જુનના પરાક્રમને જોઈ દુર્યોધન અને તેના યોદ્ધાઓએ અર્જુનને ચારે તરફથી ઘેરી તેના પર બાણોનો વરસાદ કરવા લાગ્યા.ભગદત્ત અને શ્રુતાયુષ એ બંને જણા હાથીઓના સૈન્યને લઈને ભીમસેનને ચારે બાજુથી ધેરી વળ્યા.ભૂરિશ્રવા,શલ અને શકુનિ તીક્ષણ બાણો વડે નકુલ અને સહદેવને રોકવા લાગ્યા તો ભીષ્મે યુધિષ્ઠિરને ચારે બાજુથી ઘેરો નાખ્યો.
જયારે ભીમે હાથીઓના સૈન્યને પોતાના તરફ આવતું જોયું,ત્યારે તે હાથમાં ગદા લઈને રથમાંથી એકદમ કૂદી પડ્યો.ને તે હાથીસૈન્ય પર પ્રહારો કરીને તેને વિખેરી નાખવા લાગ્યો.અનેક હાથીઓને તેણે મારી નાખ્યા ને હાથીઓના લોહીથી ખરડાયેલો તે ભીમસેન તે વખતે સાક્ષાત રુદ્ર સમાન લાગતો હતો.એ વખતે યુદ્ધમાં મરતાં મરતાં બચી ગયેલા હાથીઓ પોતાના સૈન્યને છુંદતા સર્વ દિશાઓમાં ભાગવા લાગ્યા.ભાગતા હાથીઓને લીધે દુર્યોધનનું સૈન્ય લગભગ પાછું હટવા લાગ્યું (39)
અધ્યાય-102-સમાપ્ત
