અધ્યાય-૧૦૩-નવમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ मध्यं दिने महाराज संग्रामः समपद्यत I लोकक्षरकरो रौद्रो भीष्मस्य सहसोमकै:॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,બરાબર મધ્યાહ્ન કાળ થયો તે વખતે પિતામહ ભીષ્મ અને સોમક યોદ્ધાઓ વચ્ચે લોકોનો ક્ષય કરનારો રૌદ્ર સંગ્રામ થઇ રહ્યો હતો.ભીષ્મ હજારો બાણોથી પાંડવોની સેનાનો સંહાર કરી રહ્યા હતા.એ જોઈ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,
વિરાટરાજા અને દ્રુપદરાજા ભીષ્મ સામા આવી તેમના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ત્યારે ભીષ્મે પણ સામે તેમને વીંધ્યા.
શિખંડીએ આવીને જયારે ભીષ્મને વીંધી નાખ્યા-ત્યારે 'આ તો સ્ત્રી છે'એમ મનમાં વિચાર કરીને ભીષ્મે તેના પર પ્રહાર કર્યો નહિ.પછી,ભીષ્મે એક ભલ્લ બાણથી દ્રુપદરાજાના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજા બાણો મૂકી તેના સારથિને વીંધી નાખ્યો.
તે વખતે બીજી તરફથી,ભીમસેન,દ્રૌપદીના પાંચ પુત્રો,પાંચ કેકયકુમારો અને સાત્યકિ આદિ યોદ્ધાઓ યુધિષ્ઠિરને આગળ કરીને ધૃષ્ટદ્યુમ્નનું રક્ષણ કરવાની ઈચ્છાથી ભીષ્મ સામે ચઢી આવ્યા.ભીષ્મનું રક્ષણ કરવા તમારા પુત્રો પણ સૈન્યોને સાથે લઈને પાંડવ સૈન્ય સામે ધસ્યા.ને મહાન સંકુલ યુદ્ધ મચી પડ્યું.તે રણસંગ્રામ તે વખતે સૈનિકો ને યોદ્ધાઓની લાશોથી,તૂટેલા રથોથી,મરેલા ઘોડાઓ ને હાથીઓથી ભયકંર દેખાતો હતો.આવો મહાન સંહાર જોઈને ત્યાં રહેલા ક્ષત્રિયો ઉચ્ચ સ્વરથી બોલતા હતા કે-'દુર્યોધનના અપરાધથી જ આ બિચારા ક્ષત્રિયો નાશ પામે છે.લોભથી મોહિત થયેલો પાપાત્મા ધૃતરાષ્ટ્ર પાંડવો પર શા માટે દ્વેષ કરે છે?' આ પ્રમાણે પાંડવોના વખાણવાળી અને તમારા પુત્રોની નિંદાવાળી વાણી ત્યાં માંહેમાંહે થતી સંભળાતી હતી.
સર્વ સૈનિકોએ કહેલી તે વાણી સાંભળીને સર્વલોકનો અપરાધી બનેલ તમારો પુત્ર દુર્યોધન,ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય-આદિ યોદ્ધાઓને કહેવા લાગ્યો કે-'અભિમાનનો ત્યાગ કરીને તમે લડ્યા જ કરો વખત કેમ બગાડો છો?' તેના વચનો સાંભળતાં જ એ મહાઘોર યુદ્ધ ફરીથી ચાલુ થયું.હે રાજા,મહાત્મા પુરુષોએ તમને વાર્યા હતા,છતાં તમે કોઈનું માન્યું નહિ,તેનું આ દારુણ ફળ પ્રાપ્ત થયું છે.સ્વજનો-આદિ અનેકનો ભયંકર નાશ થઇ રહ્યો છે તેનું કારણ દૈવ હોય કે તમારી અનીતિ હોય !!(47)
અધ્યાય-103-સમાપ્ત
