Nov 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-987

 

અધ્યાય-૧૦૪-નવમો દિવસ (ચાલુ) ભીષ્મ અને સાત્યકિનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ अर्जुनस्तान्नरव्याघ्रः सुशर्मानुचरान्नृपान I अनयत्प्रेत राजस्य सदनं सायकैः शितैः ॥१॥

સંજયે કહ્યું-પુરુષવ્યાઘ્ર અર્જુને,સુશર્માના અનુચર રાજાઓને તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને યમરાજને ઘેર વિદાય કરવા માંડ્યા,ત્યારે સુશર્માએ નવ બાણોથી અર્જુનને અને સિત્તેર બાણોથી કૃષ્ણને વીંધ્યા.અર્જુને અનેક બાણો મૂકીને સુશર્માને આગળ વધતો અટકાવીને તેના અનુયાયી યોદ્ધાઓને યમદ્વારમાં મોકલી દીધા.સુશર્માના સૈનિકો પોતાના પરની ભયંકર સ્થિતિ થતાં,પોતાના રથો,ઘોડાઓ અને રથો,ત્યાં રણભૂમિમાં જ છોડીને નાસવા લાગ્યા.ત્રિગર્તરાજ સુશર્માએ તેઓને ઘણા વાર્યા પણ તેઓ ત્યાં ઉભા રહ્યા નહિ.સૈન્યને આમ નાસતું જોઈને દુર્યોધન સર્વ સૈન્ય સહીત ભીષ્મને આગળ કરીને સુશર્માનો જીવ બચાવવા અર્જુન સામે ધસ્યો.પેલી તરફ પાંડવો પણ અર્જુનનું રક્ષણ કરવા આવી પહોંચ્યા,ને તેને વીંટાઈ વળ્યા.

હે રાજન,સૂર્ય જયારે મધ્ય ભાગમાં આવ્યો ત્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું.સાત્યકિએ કૃતવર્માને અને દ્રુપદરાજાએ દ્રોણાચાર્યને અનેક બાણોથી વીંધ્યા.ભીમ,બાહલીકને અને ભીષ્મને વીંધીને વાઘની જેમ મોટા શબ્દથી ગર્જના કરવા લાગ્યો.જયારે ચિત્રસેને અભિમન્યુને ઘણા બાણોથી વીંધ્યો ત્યારે અભિમન્યુએ ચિત્રસેનના સારથિ અને ઘોડાઓને મારી નાખી મોટા શબ્દથી ગર્જના કરી.ત્યારે ચિત્રસેન રથમાંથી કૂદી પડી દુર્મુખના રથ પર ચડી ગયો.દ્રોણાચાર્યે,દ્રુપદને અને તેના સારથિને ઘાયલ કરી નાખ્યા,ત્યારે પીડાયેલો દ્રુપદ ત્યાંથી ખસી ગયો.ભીમસેને બાહલિકને રથ ઘોડા ને સારથિ વગરનો કરી દીધો એટલે ગભરાઈ ગયેલો બાહલિક રથમાંથી કૂદીને લક્ષ્મણના રથ પર ચડી ગયો.


સાત્યકિ,કૃતવર્માને ખાળી દઈને ભીષ્મ સામે પહોંચીને તેમને વીંધવા લાગ્યો,ત્યારે ભીષ્મે તેની સામે લોખંડની એક શક્તિ ફેંકી,કે જેને સાત્યકિએ ઘણી ચાલાકીથી ચૂકવી દીધી,ને તે શક્તિ ઉલ્કાપાતની જેમ જમીન પર પડી.પછી,સાત્યકિએ એક કાંતિવાળી શક્તિ ભીષ્મ સામે ફેંકી,જેને ભીષ્મે તીક્ષ્ણ ક્ષુરપ્ર બાણોથી બે કકડા કરી નાખી,જેથી તે શક્તિ પૃથ્વી પર વીખરાઇને પડી.ક્રોધાયમાન થયેલા ભીષ્મે નવ બાણો મૂકી સાત્યકિને છાતીમાં ઘાયલ કર્યો,ત્યારે પાંડવો સાત્યકિનું રક્ષણ કરવા ભીષ્મને ઘેરી વળ્યા અને રોમાંચ કરી દે તેવું તેમનું યુદ્ધ ચાલુ થયું.(38)

અધ્યાય-104-સમાપ્ત