અધ્યાય-૧૦૫-નવમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ द्रष्टा भीष्मं रणे कृद्वं पांडवैरभिसंवृतं I यथा मेधैमहाराज तपांते दिवि भास्करः ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,એ રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા ભીષ્મને,જેમ,મેઘમંડળ આકાશમાં સૂર્યને ઢાંકી દે છે તેમ,પાંડવોથી વીંટાયેલા જોઈને દુર્યોધન દુઃશાસનને કહેવા લાગ્યો કે-'ભીષ્મ પિતામહને પાંડવોએ ચારે બાજુથી ઘેરી લીધા છે,માટે એમનું તારે રક્ષણ કરવું એ જ હું મુખ્ય કર્તવ્ય માનું છું.કેમ કે જો તેમનું રક્ષણ થશે તો તે ભીષ્મ,પાંચાલો અને પાંડવોનો નાશ કરશે.વળી,તે આપણું પણ રક્ષણ કરનારા છે,માટે તું સર્વ સૈન્ય લઈને તેમને વીંટાઈ વળી તેમનું રક્ષણ કર' આવી દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન સૈન્ય લઈને ભીષ્મને વીંટાઈને ઉભો રહ્યો.
ત્યાર પછી,શકુનિ,બીજા સૈન્યને લઈને ભીષ્મ સામે ધસી આવતા નકુલ,સહદેવ અને ધર્મરાજાને આગળ વધતા અટકાવવા લાગ્યો.દુર્યોધને પણ પાંડવોને આગળ વધતા અટકાવવા માટે દશ હજાર શૂરવીર ઘોડેસ્વારોને ત્યાં મોકલ્યા.ઘોડાઓની ખરીઓના પ્રહારથી પૃથ્વી કંપાયમાન થઈને,જાણે ગર્જના કરતી હોય તેમ લાગતું હતું.એકદમ કૂદી આવતા આ ઘોડાઓને લીધે ધૂળની એટલી બધી રજ ઉડી કે તે સૂર્યને પણ ઢાંકી દેવા લાગી.ઘોડેસ્વારોના ધસારાથી પાંડવ સેના ખળભળી ઉઠી.યુધિષ્ઠિર,નકુલ અને સહદેવે તે ધસી આવતા ઘોડેસ્વારોના વેગને રોકી રાખ્યો અને બાણો છોડી તેમના મસ્તકો કાપવા માંડ્યા.દશે દિશામાં ઘૂમતા યુધિષ્ઠિરના યોદ્ધાઓ પણ સ્વારો અને ઘોડાઓનો વિનાશ કરવા લાગ્યા.પૃથ્વી પર જ્યાં ત્યાં સર્વ જગ્યાએ ઘોડાઓ અને ઘોડેસ્વારોના શબો નજરે ચડતાં હતા.પ્રહાર કરાતા ઘોડાઓ ત્યાંથી નાસવા લાગ્યા.
શત્રુઓને તે રણસંગ્રામમાં જીતીને પાંડવો શંખો ફૂંકવા લાગ્યાને ભેરીઓ વગાડવા લાગ્યા.આ પ્રમાણે પોતાના સૈન્યને હારેલું જોઈને દુર્યોધન શલ્યને કહેવા લાગ્યો કે-'હે મહાબાહો,આ યુધિષ્ઠિર,નકુલ અને સહદેવ આપણી સેનાને નસાડી રહ્યો છે,તો તેમને આગળ વધતા અટકાવો.તમારું બળ અને પરાક્રમ અત્યંત અસહ્ય છે એમ અમે સાંભળેલું છે' દુર્યોધનના કહેવાથી શલ્ય,પોતાના સૈન્યને લઈને યુધિષ્ઠિર સામે ધસ્યો.યુધિષ્ઠિરે તે સૈન્યને પણ આગળ વધતું અટકાવ્યું અને દશ બાણોનો પ્રહાર કરીને શલ્યને છાતીમાં એકદમ ઘાયલ કર્યો.સામે શલ્યે પણ યુધિષ્ઠિર,નકુલ અને સહદેવને વીંધી નાખ્યા.ત્યારે ભીમસેન તેમને સહાય કરવા આવી પહોંચ્યો.સૂર્ય પશ્ચિમમાં નીચે ઉતરતો હતો ત્યારે મહાઘોર દારુણ યુદ્ધ મચી રહ્યું હતું.(33)
અધ્યાય-105-સમાપ્ત