અધ્યાય-૧૦૬-નવમો દિવસ સમાપ્ત-અજિત ભીષ્મ
॥ संजय उवाच ॥ ततः पिता तव कृद्वो निशितैः सायकोत्तमैः I आजधान रणे पार्थान्सहसेनान्समंततः ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી અત્યંત ક્રોધાયમાન થયેલા તમારા પિતા ભીષ્મ,મોટા મોટા તીક્ષ્ણ બાણો વડે પાંડવોને ને તેમની સેનાને ચારે બાજુથી પ્રહાર કરવા માંડ્યા.અનેક બાણો મૂકી તેમણે ભીમ,સાત્યકિ,નકુલ,સહદેવ,યુધિષ્ઠિર અને ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખીને મોટેથી ગર્જના કરી મૂકી.ત્યારે તે સર્વેએ પણ સામે તે પિતામહને,અનેક બાણો મૂકીને વીંધ્યા.દ્રોણાચાર્યે જયારે ભીમ,સાત્યકિ પર બાણોથી પ્રહાર કર્યો ત્યારે તેમણે પણ દ્રોણ સામે પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.
પાંડવોના સૈન્યથી ઘેરાયેલા ભીષ્મે હજારો બાણો મૂકીને પાંડવ સૈન્યનો કચ્ચરઘાણ વાળ્યો.ઠેરઠેર તૂટેલા રથો,મરેલા યોદ્ધાઓ,
ઘોડાઓ,હાથીઓ ને તૂટેલા શસ્ત્રો દેખાઈ રહ્યા હતા.ઇન્દ્ર સમાન પરાક્રમવાળા ભીષ્મે,મોટો વિનાશ સર્જીને પાંડવસેનામાં ભંગાણ પાડ્યું.જે જોઈને શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું-'હે પાર્થ,જે સમયની તું ઈચ્છા કરતો હતો તે સમય આવી પહોંચ્યો છે.તું મોહને લીધે ગભરાતો ન હોય તો હવે પ્રહાર કર.યાદ કર વિરાટનગરમાં તેં સંજયને કહ્યું હતું કે-'હું યુદ્ધમાં મારી સામે આવીને લડનારા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધનના યોદ્ધાઓનો નાશ કરીશ' આ વચનને સત્ય કરી બતાવ.શોક રહિત થઈને યુદ્ધ કર'
પછી,કૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.અર્જુનને ભીષ્મ સામે આવેલો જોઈને પાંડવોનું સૈન્ય પાછું વળ્યું.અર્જુનને જોઈને ભીષ્મે તેના રથ પર બાણોનો વરસાદ વરસાવી દીધો કે જેથી તેનો રથ દેખાતો બંધ થયો.ત્યારે શ્રીકૃષ્ણે જરાયે ગભરાયા વિના રથને આગળ હાંકવા લાગ્યા.અર્જુને ભીષ્મના ધનુષ્યને કાપી નાખ્યું એટલે ભીષ્મે બીજું ધનુષ્ય હાથમાં લીધું,જેને પણ અર્જુને કાપી નાખ્યું.અર્જુનની ચતુરાઈના ભીષ્મે વખાણ કરતાં કહ્યું કે 'શાબાશ અર્જુન' એમ કહી તેમણે બીજું ધનુષ્ય હાથમાં લઈને અર્જુનના રથ તરફ બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ને અર્જુન તથા શ્રીકૃષ્ણને પણ ઘાયલ કર્યા.
તે સમયે યુદ્ધમાં અર્જુનનું ઢીલાપણું જોઈને અને પાંડવ સૈન્યનો,કાળસમાન ત્રાસ વર્તાવી રહેલા ભીષ્મ દ્વારા થતો વિનાશ જોઈને,તેને શ્રીકૃષ્ણ સહન કરી શક્યા નહિ અને તેમણે ઘોડાઓની લગામ છોડીને,હાથમાં ચાબુક લઈને ભીષ્મને મારી નાખવાની ઈચ્છાથી તેમની સામે ધસ્યા.ત્યારે તે -બે પગથી પૃથ્વીને ફાડી નાખશે કે શું? તેવા દેખાતા હતા.કૌરવ સૈન્યમાં કોલાહલ થયો કે 'હવે ભીષ્મ મૂઆ' ક્રોધાયમાન શ્રીકૃષ્ણે આવતા જોઈને ભીષ્મે જરાયે ગભરાયા વિના શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે શ્રીકૃષ્ણ,હે દેવ,આ યુદ્ધમાં તમારે હાથે મૃત્યુ આ લોકમાં મારુ કલ્યાણ થઇ જશે.આમ મારી સામે આવી તમે મને ત્રણે લોકમાં માનવંતો કર્યો છે,હે અનઘ,ખુશીથી મારા પર પ્રહાર કરો હું તમારો દાસ છું'
એટલામાં તો અર્જુન શ્રીકૃષ્ણની પાછળ આવી પહોંચ્યો અને કેશવને રોકવા લાગ્યો,એમ છતાં શ્રીકૃષ્ણ અર્જુનને પણ ઘસડીને આગળ જ ચાલવા લાગ્યા.અર્જુને,શ્રીકૃષ્ણના પગ પકડીને તેમને દશમે પગલે આગળ જતા અટકાવ્યા અને કહ્યું કે-'હે મહાબાહુ,પાછા વળો,આમ અસત્ય કરવું તમને યોગ્ય નથી,તમે પ્રથમ કહી ચુક્યા છો કે 'હું પોતે યુદ્ધ કરીશ નહિ' છતાં પણ જો તમે યુદ્ધ કરશો તો લોકો તમને મિથ્યાવાદી કહેશે.આ સઘળા યુદ્ધનો ભાર મારા પર રહેલો છે.હે કેશવ,હું મારા શસ્ત્રના,સત્યના,અને ધર્મના સોગંધ ખાઈને કહું છું કે હું પિતામહનો વધ કરીશ,આજે જ તમે ભીષ્મને મરેલા જોશો'
અર્જુનના વચન સાંભળીને શ્રીકૃષ્ણે કોઈ ઉત્તર આપ્યો નહિ અને ક્રોધમાં જ ફરી રથ પર ચડી ગયા,ત્યારે ભીષ્મે ફરીથી રથ પર બાણોનો પ્રહાર કરીને રથને ઢાંકી દીધો.અને ફરીથી પાંડવસૈન્યના યોદ્ધાઓનો સંહાર કરવા લાગ્યા કે જેથી ફરીથી સૈન્યમાં ભંગાણ પડ્યું.હે રાજન,બાણોના સમૂહરૂપ કિરણોથી રાજાઓને તપાવી રહેલા,કોઈનાથી પણ કંપાવી ન શકાય એવા મહારથી ભીષ્મરુપ સૂર્યને,પાંડવ સૈન્યના સૈનિકો જોઈ શક્યા નહિ.આમ જયારે પિતામહ પાંડવોની સેનાને ખુંદી રહ્યા હતા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો એટલે શ્રમથી લોથપોથ થયેલા સર્વ સૈન્યનું મન પાછા છાવણીમાં જવા તત્પર થયું.
અધ્યાય-106-સમાપ્ત