અધ્યાય-૧૦૭-નવમો દિવસ સમાપ્ત-ભીષ્મના વધોપાયનો તેમને જ પ્રશ્ન
॥ संजय उवाच ॥ युध्यतामव तेषां तु भास्करेस्तमुपागते I संध्यासमभवद्वोरानापश्याम ततो रणम् ॥१॥
સંજયે કહ્યું-તેઓનું યુદ્ધ ચાલુ જ હતું અને સૂર્યાસ્ત થઇ ગયો,તેથી તે જોઈ શકાતું નહોતું.ભીષ્મના ત્રાસથી યુધિષ્ઠિરનું સૈન્ય વિહવળ થતું પાછું વળી નાસવા માંડ્યું હતું.એ જોઈને યુધિષ્ઠિરે પોતાના સૈન્યને પાછા વાળવાની રુચિ કરી.એટલે તમામ સૈન્યો પાછાં વળ્યાં.ઘાયલ થયેલા સર્વ મહારથીઓ છાવણીમાં જઈ વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મ,આજના યુદ્ધમાં પાંડવો ને સૃન્જયોને જીતીને તમારા પુત્રોને અભિનંદન આપીને આનંદિત થયેલા કૌરવોની સાથે વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મના અદભુત પરાક્રમને જોઈને પાંડવોના યોદ્ધાઓને શાંતિ વળતી નહોતી.એટલે પાંડવો,યાદવો આદિ ભેગા મળીને વિચાર કરવા લાગ્યા.
યુધિષ્ઠિરે વિચાર કરીને શ્રીકૃષ્ણને કહ્યું-'હે શ્રીકૃષ્ણ,સૈન્યનો સંહાર કરતા ભીષ્મને અમે જોવાનો પણ ઉત્સાહ કરી શકતા નથી.ભીષ્મને જીતવા અશક્ય લાગે છે.હું શોકમાં ડૂબી ગયો છું,ને હવે હું વનમાં જ ચાલ્યો જઈશ,કે એમ કરવાથી જ મારુ શ્રેય થશે.યુદ્ધ કરવું એ તો હવે મને ગમતું જ નથી,કારણકે ભીષ્મ અમારો નાશ કરે છે ને કરશે.ભીષ્મ સામે થયેલો હું પણ મરણ જ પામીશ.હું પરાક્રમવાળો છું છતાં પણ રાજ્યલોભથી ક્ષીણ થઇ ગયો છું.મારા ભાઈઓ બાણોથી અત્યંત પીડિત થયા છે ને એ બિચારા મારે માટે ભ્રાતૃસ્નેહને આધીન થઈને રાજ્યભ્રષ્ટ થયા છે.દ્રૌપદી પણ મારે કારણે ઘણી દુઃખી થઇ છે.હું મારી જિંદગીને બહુ કિંમતી ગણું છું પણ મને હવે જિંદગી દુર્લભ જણાય છે માટે હવે મારી આ બાકી રહેલી જિંદગીમાં હું ઉત્તમ ધર્મનું જ આચરણ કરીશ.હે કેશવ,તમારે જો મારા અને મારા ભાઈઓ પર કૃપા કરવી હોય તો સ્વધર્મને વિરોધ ન આવે તે પ્રમાણે મને હિતકારક ઉપાય કહો' ત્યારે દયાને લીધે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-
'હે યુધિષ્ઠિર તમે શોક ન કરો કારણકે તમારા શૂરા ભાઈઓ દુર્જય શત્રુઓનો સંહાર કરી શકે તેવા ઇન્દ્ર સમાન તેજસ્વી છે,તો પણ તમે મને આજ્ઞા કરો તો તમારા સ્નેહને લીધે હું જાતે ભીષ્મ સામે યુદ્ધ કરીશ ને તેમનો વધ કરીશ.અર્જુન ભીષ્મનો વધ કરવા નહિ ઈચ્છે તો હું પોતે કૌરવોના દેખાતા ભીષ્મને મારી નાખીશ.અર્જુન મારો મિત્ર,સંબંધી અને શિષ્ય પણ છે તેને માટે જો મારુ માંસ જોઈશે તો પણ હું આપીશ.અર્જુન પણ મારે માટે પ્રાણ આપે તેમ છે,અમારો નિશ્ચય છે કે અમારે પરસ્પર મદદ કરવી.માટે તમે આજ્ઞા આપે કે જેથી હું તમારો યોદ્ધો થાઉં ને તમારે માટે યુદ્ધ કરું.પણ અર્જુને જે પ્રતિજ્ઞા કરી છે કે-'હું યુદ્ધમાં ભીષ્મનો વધ કરીશ' તે પ્રતિજ્ઞાનું પણ પ્રથમ રક્ષણ કરવું જોઈએ.તેથી જો અર્જુન મને તેમ કરવા કહે તો તે કાર્ય (ભીષ્મ વધ)હું અવશ્ય કરીશ.દાનવો સહીત દેવોનો પણ અર્જુન નાશ કરી શકે તેમ છે તો એ તો ભીષ્મનો તો શું હિસાબ? ભીષ્મ તો બિચારા ક્ષુદ્ર યોદ્ધાઓ પર પોતાનું પરાક્રમ કરી રહેલા છે,એ પરથી અનુમાન થાય છે કે તેમનું જીવન હવે અલ્પ સમયનું જ છે.કારણકે 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ' એ મુજબ તેમની બુદ્ધિમાં ફેરફાર થઇ ગયો છે ને તેમને પોતાના કર્તવ્યનું ભાન રહ્યું નથી'
